Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સાધુ વાસવાણી રોડ પર હત્‍યાના પ્રયાસના બનાવમાં કલાકોમાં ક્રાઇમ બ્રાંચે આરોપીને દબોચી લીધો

ભોલેનાથ સોસાયટીના પિયુષ ખેતરીયાની ધરપકડઃ તેની પત્‍નિ સાથે વાળંદ યુવાન ધવલ મોબાઇલમાં ચેટીંગ કરતો હોઇ તેના કારણે હુમલો:એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી અને કોનસ. નિતેશ બારૈયાની માહિતી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૨૫: ગઇકાલે બપોરે સાધુ વાસવાણી રોડ પર બાલાજી મોબાઇલ નામની દૂકાન સામે સિધ્‍ધી વિનાયક કોમ્‍પલેક્ષમાં જોલી હેર સલૂન નામે પિતા સાથે વાળંદ કામની દૂકાનમાં બેસી કામ કરતાં ધવલ રજનીભાઇ ચુડાસમા (વાળંદ) (ઉ.વ.૧૯)ને અજાણ્‍યો શખ્‍સ પેટમાં છરી ભોંકી આંતરડા કાઢી નાખી છરી પેટમાં જ રાખી મુકી ભાગી ગયો હતો. આ ગુનામાં યુનિવર્સિટી પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો હતો. ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી આરોપી પિયુષ પ્રવિણભાઇ ખેતરીયા (ઉ.૨૩-રહે. ભોલેનાથ સોસાયટી-૪, અંકુર વિદ્યાલય પાસે, મુળ ચલાલા તા. ધારી)ને પકડી લીધો છે. ધવલ આરોપી પિયુષની પત્‍નિ સાથે મોબાઇલમાં ચેટીંગ કરતો હોઇ ના પાડવા છતાં નહિ સમજતાં હુમલો કર્યાની કબુલાત આરોપીએ આપી હતી.

આ બનાવમાં પોલીસે ધવલના પિતા રજનીભાઇ જીવણભાઇ ચુડાસમા (ઉ.૫૧)ની ફરિયાદ પરથી પિયુષ ખેતરીયા વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૭, ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો હતો. ધવલ ગઇકાલે બપોરે દૂકાનમાંથી લઘુશંકા કરવા નીકળ્‍યો એ પછી દૂકાન બહાર લોહીલુહાણ હાલતમાં પડેલો અને પેટમાં છરી ખૂંપેલી હાલતમાં મળ્‍યો હતો. દેકારો થતાં પિતા સહિતના લોકો દોડી ગયા હતાં. ધવલને પુછતાં પોતાને પિયુષ ખેતરીયાએ છરી ભારી દીધાનું કહ્યું હતું. પીએસઆઇ ડી. વી. બાલાસરાએ ગુનો નોંધ્‍યો હતો.

દરમિયાન ક્રાઇમ બ્રાંચના એએસઆઇ સી. એમ. ચાવડા અને હેડકોન્‍સ. વિજયગીરી  અને કોન્‍સ. નિતેશભાઇ બારૈયાને બાતમી મળતાં આરોપીને ભોલેનાથ સોસાયટીમાંથી દબોચી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપ્‍યો હતો. પિયુષે પોલીસને કહ્યું હતું કે તેની પત્‍નિ ધવલની દૂકાન નજીકની કોઇ હોસ્‍પિટલમાં નોકરી કરે છે. તેની સાથે ધવલનો પરિચય થતાં બંને વ્‍હોટ્‍સએપમાં ચેટીંગ કરતાં હતાં. આની જાણ પતિ પિયુષને થઇ જતાં તેણીએ ધવલને આ બધુ બંધ કરી દેવા કહ્યું હતું અને બાદમાં ગઇકાલે બપોરે ધવલ દૂકાનમાંથી લઘુશંકા કરવા નીકળ્‍યો ત્‍યારે તેને છરી ભોંકી દીધી હતી. પિયુષ છુટક કામ કરે છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, એસીપી ક્રાઇમ પાર્જરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, કોન્‍સ. નિતેશભાઇ બારૈયા સહિતે આ કામગીરી કરી હતી

(3:40 pm IST)