Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સિન્‍ડીકેટ દ્વારા કુલપતિ ગીરીશ ભીમાણીને આપવામાં આવેલી સત્તામાં પારદર્શકતા નથી

કુલપતિ ભીમાણીને રજૂઆત કરતા ભાજપના વરિષ્‍ઠ સિન્‍ડીકેટ સભ્‍ય ડો. કલાધર આર્ય

રાજકોટ તા. ૨૫ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સિન્‍ડીકેટ સભ્‍ય અને ભાજપ અગ્રણી ડો. કલાધર આર્યએ કુલપતિ ભીમાણીને પત્ર પાઠવી સીન્‍ડીકેટ દ્વારા આપવામાં આવેલ સત્તાનો પુનઃ વિચારણા કરવી અને પારદર્શકતા ઉપર ભાર મુક્‍યો છે.

ડો. કલાધર આર્યએ પત્રમાં જણાવ્‍યું છે કે, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી એકટ, ચેપ્‍ટર VI કલમ ૩૪(૩) (a) મુજબ કોલેજોના જોડાણ, માન્‍યતા અને મંજુરી હેતુ LIC / નીડ કમિટિમાં યોગ્‍ય તેમજ સક્ષમ વ્‍યકિત કે વ્‍યકિતઓની નિમણુંકના અધિકારો સિન્‍ડીકેટના જ છે પરંતુ વહીવટી સરળતા ખાતર નિર્ણય હેતુ તા. ૫-૧૨-૨૦૦૫ના રોજ સંપન્‍ન થયેલી સિન્‍ડીકેટ સભાના ઠરાવ ક્રમાંક ૨૯થી સંલગ્ન કોલેજોની જોડાણ અરજી પર વખતો વખત LIC નીમવાની સત્તા જે તે વખતે તત્‍કાલીન કુલપતિશ્રીને આપવામાં આવેલ હશે જેનો લાભ ત્‍યારપછીના કુલપતિઓને આપોઆપ પ્રાપ્‍ત થઇ શકે નહીં વળી અનુભવના આધારે એવું જણાય છે કે, સિન્‍ડીકેટ તરફથી કુલપતિશ્રીને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરતી વખતે પારદર્શકતા જળવાતી નથી, એટલે સદરહું ઠરાવની પુનઃ વિચારણા થવી અત્‍યંત આવશ્‍યક છે.

ડો. કલાધર આર્યએ રજુઆતમાં જણાવ્‍યું છે કે, તા. ૨૪-૫-૨૦૨૨ના રોજ સંપન્‍ન થયેલી સિન્‍ડીકેટ સભ્‍યના ઠરાવ ક્રમાંક-૧૩ અંતર્ગત સને ૨૦૧૪-૧૫ થી મુલત્‍વી રહેલી યુજી-પીજી માન્‍યતા - જોડાણો ઉપરાંત નવી કોલેજોના જોડાણ હેતુ કાર્યવાહી હાથ ધરવા અને નીડ કમિટિ - એલઆઇસીની નિયુક્‍ત માટે નિર્ણય લેવામાં આવેલ હતો. જે અન્‍વયે આપશ્રી તરફથી નીડ કમિટિ પાસેથી અભિપ્રાય મેળવ્‍યા પહેલા જ સીધી LICની રચના કરવામાં આવેલ છે તેમાં અનેકવિધ વિસંગતતાઓ નજરે પડે છે. પરિણામે સમગ્ર પ્રક્રિયા શંકાના દાયરામાં આવી શકે તેવી સંભાવના છે.

ડો. કલાધર આર્યએ જણાવ્‍યું છે કે, વર્તમાન સમયમાં તે વ્‍યવસ્‍થાનો ભંગ કરવા પાછળના કારણો મારા સમજ ક્ષેત્રની બહાર છે, આ પ્રકારે નિર્ણય લેવા માટેનો હેતુ સ્‍પષ્‍ટ થવો જરૂરી છે. તાજેતરમાં મુખ્‍ય કાર્યાલયમાં વિવિધ વિભાગોમાં કરવામાં આવેલી આંતર ફેરબદલી વખતે ચોક્કસ અધિકારી - વિભાગ હેઠળ કાર્યરત કર્મચારીઓને રક્ષિત કરીને અન્‍ય અધિકારી - વિભાગ હેઠળ કાર્યરત કર્મચારીઓની ૧૦૦% બદલી કરવામાં આવી છે. પરિણામે વહીવટી પ્રક્રિયામાં ગતિશિલતાના સ્‍થાને શિથિલતાનું દર્શન થઇ રહ્યું છે. હું માનું છું કે ફેરબદલી થવી જ જોઇએ, પરંતુ તેવી પ્રક્રિયા ૧૦૦%ની ન હોય એટલે સદરહું બાબતે પુનઃ વિચારણા કરવા અનુરોધ છે.

(3:45 pm IST)