Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ભાજપના ૧૭ પ્રદેશ-સ્થાનિક આગેવાનો સામે ગુનો નોંધવા પોલીસમાં ફરિયાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ ડીપાર્ટમેન્ટના કન્વીનર જીજ્ઞેશભાઇ જોષીએ પોલીસ કમિશ્નરને ફરિયાદ આપી પુરાવા આપવા પણ તૈયારી બતાવી

રાજકોટ તા. રપઃ ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સામે ગુન્હો નોંધવા પોલિસ કમિશ્નરને લેખીત ફરિયાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ ડિપાર્ટમેન્ટના પ્રદેશ કન્વીનર ડો. જીજ્ઞેશ એમ. જોષી દ્વારા લેખીત ફરિયાદ કરવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ચકચાર જાગી છે.

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત પ્રમુખ સી. આર. પાટીલ ગત તા. ર૧ અને રર ના રોજ રાજકોટની મુલાકાતે આવેલ જયાં તેમનો સ્વાગત કાર્યક્રમ જાહેર મીટીંગ તથા અભિવાદન સહિતના સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જે અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ એન્ડ હયુમનરાઇટ્સ ડીપાર્ટમેન્ટના પ્રદેશ કન્વીનર અને રાજકોટ બાર એસોશીએશનના સેક્રેટરી ડો. જીજ્ઞેશ એમ. જોષી દ્વારા લેખીત સ્વરૂપે ફરિયાદ રાજકોટના પોલિસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલને કરવામાં આવેલ હતી.

ફરીયાદમાં જણાવવામાં આવેલ હતું કે, હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારી ફેલાયેલ હોય રાજ કોટ જીલ્લા કલેકટર અને રાજકોટ પોલિસ કમીશ્નર કચેરી દ્વારા અનેક વિવિધ જાહેરનામાઓ બહાર પાડવામાં આવેલ છે. જે જાહેરનામા મુજબ કોઇપણ સ્થળે ૪ થી વધુ વ્યકિત મંજુરી સિવાય એકઠા થઇ શકતાં નથી આ ઉપરાંત જાહેર સભા, મીટીંગો પણ ર૦ થી વધુ વ્યકિતઓની થઇ શકતી નથી અને જાહેરમાં માસ્ક પહેરવા પણ ફરજીયાત કરવામાં આવેલ છે.

રાજકોટ પોલિસ કમિશ્નર અને કલેકટરના જાહેરનામા હાલમાં અમલી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના હાલના નવનિયુકત પ્રમુખ સી. આર. પાટીલનો અભિવાદન કાર્યક્રમ (સ્વાગત કાર્યક્રમ) ગોંડલ રોડ ચોકડી ખાતે પ૦૦૦ થી વધુ લોકોની હાજરીમાં ગોઠવવામાં આવેલ હતો.

આ ઉપરાંત પ્રબુધ્ધ નાગરીક સંમેલન રાણીંગાવાડી ખાતે તેમજ આત્મીય કોલેજ હોલ ખાતે ૧૦૦૦-૧૦૦૦ વ્યકિતઓની હાજરી વાળી મીટીંગોનું આયોજન કરેલ જે કાર્યક્રમની કોઇ જ પુર્વ મંજુરી મેળવવામાં આવેલ ન હતી. જે કાર્યક્રમોમાં હાજર રહેલ (૧) સી. આર. પાટીલ (ર) ગોરધન ઝડફીયા (૩) કમલેશ મીરાણી (૪) જીતુ મહેતા (પ) દિલીપ પટેલ (૬) રાજુ ધ્રુવ (૭) મોહન કુંડારીયા (૮) બીનાબેન આચાર્ય (૯) ભાનુબેન બાબરીયા (૧૦) દેવાંગ માંકડ (૧૧) નીતીન ભારદ્વાજ (૧ર) પ્રદિપ ડવ (૧૩) અભય ભારદ્વાજ (૧૪) નેહલ શુકલ (૧પ) ઉદય કાનગડ (૧૬) મનીષ ભટ્ટ (૧૭) ડો. જૈમન ઉપાધ્યાય સહિત અન્ય અજાણ્યા તમામ શખ્સો વિરૂધ્ધ ભારતીય દંડ સહિતાની કલમ ર૬૯, ર૭૦, ર૭૧, સીઆરપીસી-૧૮૮ સહિત અન્ય કાયદાઓની કલમ મુજબ જે ગુન્હો બનતો હોય તે તાત્કાલિક નોંધવા માટેની લેખીત ફરિયાદ રાજકોટ પોલિસ કમિશ્નરને કરવામાં આવેલ છે. ફરિયાદી જીજ્ઞેશભાઇએ પોલીસને પુરાવા આપવા પણ તૈયારી બતાવી છે. આ ફરિયાદ અંગે પોલીસ કમિશ્નરશ્રી દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે તેના ઉપર આમ જનતા નજર નાંખીને બેઠી છે.

(3:11 pm IST)