Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

લીંબડી નજીક કાર અકસ્માતમાં રાજકોટના ડીસીપી ઝોન-૧ના કમાન્ડો રાજેશભાઇ નૈનુજીનું મોતઃ પત્નિ-પુત્રને ઇજા

પારિવારિક કામ પતાવી અમદાવાદથી રાજકોટ આવતી વખતે સાંજે બનાવઃ મારૂતિનગર પોલીસ હેડકવાર્ટર ખાતેથી અંતિમયાત્રા નીકળીઃ પરિવારજનો-સાથી કર્મચારીઓમાં શોક

રાજકોટ તા. ૨૫: લીંબડી નજીક સાંજે કાર અને ટ્રેકટરના અકસ્માતમાં કારમાં બેઠેલા રાજકોટના ડીસીપી ઝોન-૧ના કમાન્ડોનું ગંભીર ઇજા થતાં મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર અને પત્નિને ઇજા થઇ હતી. ત્રણેય પારિવારીક કામ માટે અમદાવાદ ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્યો હતો. બનાવને પગલે પરિવારમાં અને સાથી પોલીસ કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ રેસકોર્ષ પાર્ક પાસે મારૂતિનગર પોલીસ હેડકવાર્ટર-૫/૭૫માં રહેતાં અને શહેર પોલીસમાં ડીસીપી ઝોન-૧ના કમાન્ડો તરીકે ફરજ બજાવતાં હેડકોન્સ. રાજેશભાઇ વલ્લભદાસ નૈનુજી  (રામાનંદી બાવાજી) (ઉ.વ.૫૩) તથા તેમના પત્નિ હંસાબેન (ઉ.વ.૫૦) અને પુત્ર નિકુંજ (ઉ.વ.૨૭) પોતાની કાર લઇને કામ સબબ અમદાવાદ ગયા હતાં. ત્યાંથી પરત રાજકોટ આવતી વખતે સાંજે સાતેક વાગ્યે લીંબડી નજીક કારને ટ્રેકટર જેવા વાહને ટક્કર મારતાં કાર પલ્ટી ખાઇ જતાં ચાલક નિકુંજ અને માતા હંસાબેનને સામાન્ય ઇજાઓ થઇ હતી.

જ્યારે હેડકોન્સ. રાજેશભાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન રાજેશભાઇનું રાત્રીના મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજેશભાઇ ગીડાએ લીંબડી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રાજેશભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર નિકુંજ છે જે મોબાઇલનું કામ કરે છે. રાજેશભાઇ પોલીસબેડામાં પોતાના સરળ, મળતાવડા સ્વભાવને કારણે સારી ચાહના ધરાવતાં હતાં. બનાવની જાણ થતાં સાથી પોલીસ કર્મચારીઓ, અધિકારીઓએ શોક વ્યકત કર્યો હતો. મારૂતિનગર ખાતેના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળતાં ગમગીની છવાઇ ગઇ હતી. એ પહેલા સદ્દગતને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

(2:33 pm IST)