Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

માંડા ડુંગરના ભાનુ બિહારીને વાવડીમાંથી તાલુકા પોલીસે તમંચા સાથે પકડી લીધો

ભારતનગરના ભૈયાઓ સાથે માથાકુટ થઇ હોઇ એકાદ વર્ષથી ભેગુ રાખતો હોવાનું રટણ : એએસઆઇ આર. બી.જાડેજા, કોન્સ. ભગીરથસિંહ, વિરેન્દ્રસિંહ અને ધર્મરાજસિંહની બાતમી : બિહારના મંગનીલાલ પાસેથી લીધો હતો તમંચો

રાજકોટ તા. ૨૫: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે માતાજીના મંદિર નજીક રહેતાં મુળ બિહારના બાંકા જીલ્લાના જેઠોર કાકરીયા ગામના ભાનુ વિજયભાઇ યાદવ (ઉ.૨૨)ને તાલુકા પોલીસે વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયા ફાલ્કન પંપ પાસે જય મહાકાળી સમોસા સેન્ટર બહારથી રૂ. ૧૦ હજારના દેશી તમંચા સાથે પકડી લીધો હતો.

તાલુકાના એએસઆઇ આર. બી. જાડેજા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળી હતી કે લાલ કાળા ચેકસવાળો શર્ટ અને માથે સફેદ ટોપી પહેરેલો શખ્સ તમંચો સાથે રાખે છે. આને આધારે સકંજામાં લઇ તલાશી લેતાં તમંચો મળ્યો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના મુજબ પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, કોન્સ. અરજણભાઇ ઓડેદરા, મનિષભાઇ સોઢીયા, રવિરાજ પટગીર, રૂપેશભાઇ ઠુમ્મર અને જેને બાતમી મળી એ ચારેય કર્મચારીએ મળી આ કામગીરી કરી હતી.

ભાનુ મજૂરી કરે છે. તેણે રટણ કર્યુ હતું કે ભારતનગરમાં અગાઉ ભૈયાઓ સાથે માથાકુટ થઇ હોઇ તેના કારણે બિહારના મંગનીલાલ પાસેથી એકાદ વર્ષ પહેલા આ તમંચો લીધો હતો અને સાથે રાખતો હતો. વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

(11:45 am IST)