Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સ્કુલના પટાંગણ કે નાની જગ્યામાં ખીલી શકે છે મીની જંગલ : માયાવાકી પધ્ધતિ અસરકારક

૫૦૦ ચો. ફૂટ જગ્યામાં ઉછેરો ધનિષ્ઠ વૃક્ષો અને મેળવજો ભરપૂર ઓકિસજન : રાજકોટના RMC પ્લોટમાં નેચર એન્ડ એડવેન્ચર કલબનો પ્રયોગ સફળ : મીની જંગલ તૈયાર કરતી છાત્રાઓ

હવે સ્કૂલોમા પણ માયાવાકી પધ્ધતિથી મીની જંગલ બનાવી શકાશે જેની પ્રેરણા વૈજ્ઞાનિક અકિરા માયાવાકીથી મળે છે.

 

   અકીરા મિયાવાકીનો જન્મ ૨૯/૧/ ૧૯૨૮ના રોજ જાપાનમાં થયો છે.તે વનસ્પતિશાસ્ત્રી,વનસ્પતિ ઇકોલોજીના તથા વૃક્ષોના બીજના નિષ્ણાત છે.નાનકડી જગ્યામાં માનવ સર્જિત મીની જંગલોના નિર્માણ માટેના નિષ્ણાત તરીકે વિશ્વભરમાં સક્રિય છે.તેને ૨૦૦૬માં બ્લુ પ્લેનેટ પ્રાઇઝ મળેલુ છે.

માયાવાકી વનીકરણ પદ્ઘતિનો ઉદેશ

હાલમાં શહેરો અને ઉદ્યોગના વિકાસના કારણે જંગલોના જંગલો કપાતા જાય છે વૃક્ષોનું નિકંદન નીકળતુ જાય છે. બહુમાળી એપાર્ટમેન્ટના સિમેન્ટ કોંક્રિટના જંગલો ઝડપથી વધતા જાય છે તેથી પ્રદૂષણની માત્રા પણ એટલા જ પ્રમાણમાં વધતી જાય છે. શહેરના લોકો અને બાળકોને જંગલ કેવું હોય તે માત્ર બુકમા કે ટીવીના પડદા ઉપર જ જોવા મળે છે. બાળકો જુદા જુદા વૃક્ષોને ઓળખવાનુ પણ ભૂલી ગયા છે. કુદરતીરીતે જંગલોને તૌયાર થતાં ૨૫૦ થી ૩૦૦ વર્ષ લાગે છે જયારે માયાવાકી વનીકરણ પદ્ઘતિથી ૫૦૦ ચો.ફુટ જેટલી નાની જગ્યામાં પણ જંગલ માત્ર ૨૦થી ૩૦ વર્ષમાં તૈયાર થઈ જાય છે.જે પ્રદુષણને પોતાની તાકાત પ્રમાણે નિયંત્રણમા પણ રાખે છે.

મીની જંગલ તૈયાર કરવાની પધ્ધતિ

  જમીનને વાવેતર લાયક બનાવી તેના પર જે તે પ્રદેશના આશરે ૭૫ કિલોમીટર વિસ્તારમાં જુદી જુદી જાતના જે વૃક્ષો આવેલા છે તેમના બીજ એકઠા કરીને ધઉનુ જે રીતે વાવેતર કરીયે છીએ તેવી રીતે છાંટી દેવાના ત્યાર બાદ તેના પર  એક ઈંચ જેટલો માટીનો પાતળો સ્તર પાથરી દેવાનો અથવા જુદા જુદા પ્રકારના વૃક્ષોના નાના રોપાને તદ્દન બાજુ બાજુમાં ખાડા કરીને રોપી દેવાના સમાયંતરે ડ્રીપ એરીગેશનથી પાણી પાતુ રહેવાનુ. ટૂંકમાં નાનકડી જગ્યામાં લીમડા, પીપળા,વડલા જેવા મોટા વૃક્ષોને ખીચોખીચ વાવી દેવાના.વૃક્ષોના થડનો વિકાસ થતો નથી પાતળા રહે છે.અને ઉંચાઈ વધે છે.

RMCના પ્લોટમાં તૈયાર થઇ ગયુ પ્રથમ મીની જંગલ

    નેચરલ એન્ડ એડવેન્ચર કલબના પ્રમુખ ભરતભાઇ સુરેજાના જણાવ્યા પ્રમાણે

સ્પીડવેલ પાર્ટી પ્લોટ થી દોઢસો ફૂટ રીંગ રોડ તરફના પચાસ ફૂટના રોડ પર જતા  RMCએ શહેર મીની જંગલ નિમાર્ણ માટે ૪૦૦૦ ચો.મી. જેટલી જમીન ફાળવેલી. ખરાબાની પથ્થરાળ ખાડાખબળા વાળી બંજર જમીનને બે વર્ષ સુધી કલબના સભ્યો ઉપરાંત જુદી જુદી સ્કૂલ,કોલેજના વિદ્યાર્થીઓ તથા અન્ય સેવાભાવી સંસ્થાઓના સાથ અને સહકારથી મહેનત કરીને વાવેતર લાયક બનાવીને તેમાં કલબના સભ્યો ઉપરાંત દાતાઓ તરફથી મળેલા  દાનના ખર્ચે માનવ સર્જિત મીની જંગલ-જૈવિક પાર્ક-ઓકિશજન પાર્ક વીથ બગીચો બનાવવામાં  આવેલ છે. માયાવાકી પધ્ધતિથી પ્લોટની ફરતી બાજુએ પાંચ મીટર પહોળા પટ્ટામા ૧૫/૭/૨૦૧૮ના રોજ  કલબ દ્વારા મીની જંગલનું વીથ બગીચાનુ વૃક્ષારોપણ શરૂ કરેલું બે વર્ષ જેટલા ટૂંકા ગાળાની મહા મહેનતથી   કલબે ૧૫ ફુટ ઉંચુ મીની જંગલ ઊભું કરી દીધું છે.આ મીની જંગલમાં આપણા પ્રદેશના આશરે ૭૫ કિલોમીટરની અંદર ઉછરતા જુદા જુદા ૧૧૫ જાતના વૃક્ષોને પસંદ કરી ૩૦૦૦ વૃક્ષો ઉછેરવામા આવેલા છે. આ કાર્યમા હિતેશભાઈ, ભુપતભાઇ અને સ્વ. રમેશભાઈએ પણ જહેમત ઉઠાવી હતી.

 ઓકિસજન પાર્કનો ફાયદો અને ઉપયોગ

મીની જંગલ વીથ બગીચાની અંદર ઝીક ઝાક પ્રકારનો વોકિંગ ટ્રેક પણ તૈયાર કરવામાં આવેલો છે. જેથી વોકિંગ કરનાર વ્યકિતને જુદા જુદા ૧૧૫ પ્રકારના ૩૦૦૦ જેટલા વૃક્ષોની ઉર્જા મળી શકે, આ ઉપરાંત ભવિષ્યમાં યોગા અને અખાડાનુ આયોજન પણ છે.ઉદ્યોગો અને વાહન વ્યવહારના હવાના પ્રદુષણને કારણે શહેરમાં શુદ્ઘ હવાનું પ્રમાણ દ્યટતું જાય છે.આવી સ્થિતિમાં મીની જંગલ ઓકિસજન પુરો પાડવાનુ કાર્ય કરે છે.આસપાસના વિસ્તાર માટે કુદરતી એ.સી.જેવુ વાતાવરણ ઊભું કરી શકે છે તેમાંથી ઉનાળાની ગરમ હવા પસાર થાય તો તે ઠંડી બની જાય છે અને તાપમાન લગભગ ૪ થી ૭ સેલ્સિયસ ઘટી શકે છે. આજ રીતે શિયાળાના ઠંડા પવનને પણ રોકી શકે છે.ઓકિસજન પાર્કમાં તુલસીથી માંડીને ફળ આપતા વૃક્ષો પણ ઉછેરવામા આવેલા છે. જેથી પક્ષીઓ અને ખિસકોલી,ઉંદર,નોળીયા જેવા મીની પ્રાણીઓને પોતાનો ખોરાક શોધવા માટે કયાય જવું પડે નહીં.જેનો ઘેરાવો-પરીઘ આશરે ૧૫૦ ફુટ જેટલો થાય છે તેવું રૂખડાં નામનું વૃક્ષ પણ વાવવામા આવેલુ છે.મીની જંગલમાં મીની પ્રાણીઓ અને પક્ષીઓનો અવાજ ગુજંવા લાગ્યો છે. વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ,પ્રકૃતિ પ્રેમીઓ અને બાળકોને તો  શહેરની અંદર જ રહીને મીની જંગલ વીથ બગીચો જોવાની ખૂબજ મજા પડી જશે. પ્રકૃતિપ્રેમીઓએ એક વખત RMCના સહયોગથી નિર્માણ પામેલા આ ઓકિસજન પાર્કની મુલાકાત લેવી જોઈએ.

      ભરતભાઈ સુરેજાએ આ પાર્કનું નામ ઓકિસજન પાર્ક અને રોડનુ નામ પણ ઓકિસજન પાર્ક રોડ રાખવાની ઈચ્છા વ્યકત કરેલી છે. સંપર્ક : ભરતભાઇ સુરેજા મો : ૯૮૨૪૨૩૫૧૯૧.

અશ્વિન ભુવા

મો.૮૩૨૦૫૫૬૦૧૨

(11:46 am IST)