Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કોરોના સામે મક્કમતાથી લડો, ભયમુકત રહો અને નિયમોનું પાલન કરોઃ દિવ્યાંગજનોનો દિવ્ય સંદેશ

રાજકોટ તા. ૨૫ : કોરોનાની મહામારીના સમયમાં રાજકોટમાં કોરોનાનું સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા અથાક પ્રયાસો હાથ ધરાયા છે. તેમ છતાં પણ કોરોનાની આ વિશ્વવ્યાપી મહામારીથી લોકો ભયભીત બની રહયાં છે. તેવા સમયે રાજકોટના દિવ્યાંગજનોએ લોકોને કોરોનાથી ભય ન પામવા અને તેની સામે મક્કમતાથી લડવાનો તેમનો દિવ્ય સંદેશ આપી કોરોનાની આ મહામારીથી આપણે અવશ્ય વિજયી બનશુ તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો છે.

રાજકોટની વિરાણી બહેરા મૂંગા શાળામાં કોમ્પ્યુટર શિક્ષક તરિકે ફરજ બજાવતાં મૂક બધિર હિરેનભાઈ પંડયાએ ઈન્ટરપ્રીટરની મદદથી તેમની સાઈન લેંગ્વેજ દ્વારા જણાવ્યું હતુ કે, અત્યારે વિશ્વમાં કોરોનાનો વ્યાપ વધી રહયો છે. ભારત - ગુજરાતમાં કોરોના વાયરસથી લોકોના આરોગ્યની રક્ષા કરવા માટે સરકાર કાર્ય કરી રહી છે. તેવા સમયે રાજકોટવાસીઓએ કોરોના વાયરસના સંક્રમણથી જરા પણ ભયભીત થવાની જરૂર નથી. આપણે સૌએ મજબૂત બની તેનો સામનો કરવાનો છે. કોરોનાને હરાવવા માટે આપણે સૌ માસ્ક પહેરશું, સેનીટાઈઝર કે સાબુથી વારંવાર આપણ હાથ સાફ કરશુ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીશું તો આપણે બહુ જલ્દી કોરોના સામેનો જંગ જીતી જશુ.

રાજકોટની જ વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના પ્રજ્ઞાચક્ષુ બહેનો તો કહે છે કે, અમે જોઈ નથી શકતાં તેમ છતાં અમને દેખાય છે કે કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પરેશાન છે. પરંતુ આપણે આ મહામારીથી ડરવાની જરાય જરૂર નથી. આજે નહી તો કાલે આ વાયરસ અવશ્ય જતો રહેશે.

લોકોને વાયરસથી બચાવવા માટે સરકારે જે માર્ગદર્શિકા બહાર પાડી છે તેનું આપણે સૌ પાલન કરીશું તો આપણે કોરોનાથી બચી શકીશું, તેમ જણાવતાં આ અંધ મહિલા વિકાસ ગૃહના પ્રજ્ઞાચક્ષુ બહેનો સર્વશ્રી ભારતીબેન લક્કડ, સરસ્વતીબેન પટેલ, જયોત્સનાબેન ડેડાણીયા અને ગોદાવરીબેન સંચાણીયા દ્રઢ વિશ્વાસ વ્યકત કરતાં એક સૂરે કહે છે, 'હારશે કોરોના, જીતશે રાજકોટ.'

(1:24 pm IST)