Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

શાસ્ત્રીમેદાનની ફૂટપાથ પરથી એક વર્ષના બાળકને ઉઠાવવામાં ત્રણ જેલહવાલેઃ વધુ એકની ધરપકડ

બાળક ચોરાવનાર સલમા અને ચોરી કરનાર સલિમ તથા ફરીદા જેલહવાલેઃ સલમા-સલિમની મુલાકાત કરાવનાર બલભદ્રસિંહની ધરપકડ

રાજકોટ તા. ૨૫: દોઢ વર્ષ પહેલા શાસ્ત્રી મેદાનની ફુટપાથ પરથી ૧ વર્ષના બાળક જીગો જામસિંગ ભુરીયાનું અપહરણ થયું હતું. આ ગુનામાં જામનગરની ફાતીમા ઉર્ફ સલમા ઉર્ફ સીમા અબ્દુલમિંયા નાનુમિંયા કાદરી (ઉ.વ.૩૫) નામની મુસ્લિમ મહિલાએ દેવભુમિ દ્વારકાના મુસ્લિમ દંપતિની મદદથી રાજકોટથી ઉઠાવડાવ્યું હોઇ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. ફાતીમા ઉર્ફ સલમાએ પૂર્વ પતિની કરોડોની મિલ્કતની લાલચમાં બાળકનું અપહરણ-ચોરી કરાવી હતી. આ ગુનામાં ફાતીમા ઉર્ફ સલમા સાથે દ્વારકા ફુલવાડી શબીલ ચોકમાં રહેતાં સલિમ હુશેનભાઇ સુભણીયા (ઉ.વ.૩૩) તથા તેને મદદ કરનાર તેની પત્નિ ફરીદા સલિમ સુભણીયા (ઉ.૨૯)ની ધરપકડ થઇ હતી. આ ત્રણેયના રિમાન્ડ પુરા થતાં જેલહવાલે થયા છે. વધુ એક આરોપીની જામનગરથી ધરપકડ કરવામાં આવી છે.

સલમાએ જે પતિથી છુટાછેડા લીધા હતાં તેણે બે કરોડમાં જમીન વેંચતા ફાતીમા ઉર્ફ સલમાની દાઢ ઢળકી હતી અને ફરીથી આ પૂર્વ પતિના ઘરમાં બેસવા તેના થકી બાળક જન્મ્યું છે તેવું દેખાડવા રાજકોટથી એક વર્ષના બાળકની સલિમ-ફરીદા મારફત ઉઠાંતરી કરાવી હતી અને આ બાળક પૂર્વ પતિ નાથાલાલ સમક્ષ લઇ જઇ તેના થકી જ જન્મ થયાનું કહી તેના ઘરમાં રહેવા માંડી હતી. જો કે રાજકોટ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલતાં ફાતીમા, સલિમ, ફરીદાની ધરપકડ થઇ હતી. આ ત્રણેય રિમાન્ડ પર હતાં. જે રિમાન્ડ પુરા થતાં ત્રણેય જેલહવાલે થયા છે. સલિમ અને ફાતીમા ઉર્ફ સલમાની મુલાકાત જામનગરના બલભદ્રસિંહ પથુભા જાડેજા (ઉ.વ.૪૦) મારફત થયાનું ખુલતાં પીઆઇ એલ.એલ. ચાવડા, પીએસઆઇ પટેલ, જનકભાઇ, દેવશીભાઇ સહિતના સ્ટાફે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

(3:41 pm IST)