Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

નાગેશ્વર રોડ એપલ ગ્રીન એપાર્ટમેન્ટમાં નવમા માળેથી વૃધ્ધા દક્ષાબેન ચોટાઇની મોતની છલાંગ

બીમારીથી કંટાળીને મોડી રાતે પગલુ ભર્યુઃ અવાજ થતાં બીજા રહેવાસીઓ દોડી ગયાઃ ૧૦૮ બોલાવાઇ પણ મોડુ થઇ ગયું

રાજકોટ તા. ૨૫: જામનગર રોડ નાગેશ્વર જૈન દેરાસર મેઇન રોડ પર આવેલા એપલ ગ્રીન એપાર્ટમેન્ટમાં નવમા માળેથી વૃધ્ધાએ છલાંગ મારતાં માથું ફાટી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

બનાવની જાણવા મળેલી વિગત મુજબ નાગેશ્વર જૈન દેરાસર રોડ યુનિકેર હોસ્પિટલની સામે આવેલા એપલ ગ્રીન એપાર્ટમેન્ટમાં રાત્રીના અગિયારેક વાગ્યે નવમા માળે રહેતાં દક્ષાબેન ઇશ્વરભાઇ ચોટાઇ (ઉ.વ.૭૫) નામના વૃધ્ધાએ એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી છલાંગ લગાવતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાની જાણ ૧૦૮ના ઇએમટી વિજયભાઇ ગઢવીએ કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ ગાંધીગ્રામ પોલીસને વાકેફ કરતાં પીએસઆઇ એચ. વી. સોમૈયા અને કૃષ્ણસિંહ સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ રાત્રીના દક્ષાબેન હોલમાં બેઠા હતાં. તે વખતે તેના પુત્ર, પુત્રવધુ અને પોૈત્રી રૂમમાં હતાં. એ વખતે દક્ષાબેને હોલની ગેલેરીમાંથી પડતું મુકયું હતું. અવાજ થતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને દક્ષાબેનના દિકરાને જાણ કરતાં સ્વજનો નીચે દોડી આવ્યા હતાં. ૧૦૮ બોલાવાઇ હતી. પણ તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.દક્ષાબેનને અનેક બિમારીઓ હતી. તેનાથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. વધુ તપાસ યથાવત રાખવામાં આવી છે.

(11:44 am IST)