Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રૂ.૨૧ લાખની દવાના કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિત ત્રણ આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

દર્દીઓના જીવન સાથે ચેડા કરનારાઓને જામીન આપી શકાય નહિ : અદાલત

રાજકોટ,તા. ૨૫: રાજકોટની એડીશ્નલ સેશન્સ કોર્ટે આરોપી પરેશ હરીભાઈ ચોવટીયા, શ્રીમતી મિનલ પરેશભાઈ ચોવટીયા અને પ્રિન્સ હિતેષભાઈ ડઢાણીયાની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરતા ઠરાવેલ છે કે આયર્વેદિક દવાના નામે એકસ્પાયર થયેલ વિલાયતી દવાઓની બોટલો ઉપર ખોટા સ્ટીકરો લગાવી અસરકારક દવા તરીકે વેપાર કરી દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાઓ કરવાની વૃતિને હળવાશથી લઈ શકાય નહિ.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટના નવા બસ પોર્ટમા ઓશો મેડીકેર નામથી ડોકટર ન હોવા છતા સારવાર કેન્દ્ર ચલાવતા આરોપી પરેશ હરીભાઈ ચોવટીયા આયુર્વેદિક દવાના નામે એકસ્પાયર થયેલ વિલાયતી દવાઓમા ખોટા સ્ટીકરો લગાવી વેચે છે તેવી માહિતી એસ.ઓ.જી.ને મળતા એસ.ઓ.જી.એ આ જગ્યા ઉપર રેઈડ કરેલ હતી. આ જગ્યાએથી આરોપીપરેશ ચોવટીયા શ્રમજીવી સોસાયટીમાં આવેલ મકાનમા દવાનો શંકાસ્પદ જથ્થો રાખેલ છે તેમ જણાયેલ. આથી તપાસનીશ અમલદારે આરોપીની જગ્યાએ રેઈડ કરી. રા.મ્યુ.કો. ના આરોગ્ય અધિકારીનુ માર્ગદર્શન મેળવી આ દવાઓના નમુનાઓ લીધેલ. તપાસ દરમ્યાન જણાયેલ કે, આરોપી પરેશ હરીભાઈ ચોવટીયા અને તેમના પત્નિ શ્રીમતી મિનલ પરેશભાઈ ચોવટીયા એકસ્પાયર થયેલ દવાઓની બોટલો ઉપર નવી એકસ્પાયરી ડેઈટવાળા સ્ટીકરો ચોટાડી વેચાણ કરે છે.

આ દવાઓના નિર્માતાઓનો સપર્ક કરતા તેઓએ આવી કોઈ જ દવાઓનુ ઉત્પાદન નહી કરતા હોવાનુ જણાવેલ. તપાસ દરમ્યાન જણાયેલ કે આ દપતી આવી બનાવટી દવાઓના સ્ટીકરી સહઆરોપી પ્રિન્સ હિતેષભાઈ ડઢાણીયા પાસેથી બનાવડાવે છે. પ્રિન્સ હિતેષભાઈ ડઢાણીયા ગ્રાફીકસનુ કામ કરતા હોવાનુ જણાવી પોતાની નિર્દોષતા બતાવવા માટે ઓર્ડર મુજબ ફકત સ્ટીકર બનાવેલ હોવાનો બચાવ લીધેલ. આરોપી પરેશ ચોવટીયા અને મિનલ ચોવટીયાએ બચાવ લેતા જણાવેલ કે, આ દવાઓ એલોપેથીક હોવાનુ હજુ કોઈ વૈજ્ઞાનિક તારણ આવેલ નથી તેથી તેઓએ ગુન્હો કર્યાનુ પુર્વઅનુમાન થઈ શકે નહી.

શ્રી સરકાર તરફે રજુઆત કરતા જિલ્લા સરકારી વકિલશ્રી એસ.કે.વોરાએ જણાવેલ કે, સાહેદોના નિવેદનો પરથી ફલીત થાય છે કે, આરોપી પરેશ ચોવટીયા ૮-વર્ષ અગાઉ ડોકટરની ડીગ્રી ન હોવા છતા ડોકટર તરીકે પ્રેકટીશ કરતા પકડાઈ ગયેલ હતા, તેમ છતા આ જ પ્રકારની પ્રવૃતિ હજુ ચાલુ રાખેલ છે. આ ઉપરાત જણાવવામા આવેલ કે તેઓ આયુર્વેદિક દવાથી સારવાર આપતા હોવાનુ જણાવી એલોપેથીક દવાનો ગેરકાનુની ઉપયોગ કરે છે. આરોપીઓના મકાનેથી જે દવાઓ જપ્ત કરવામા આવેલ તે તમામ દવાઓની બોટલો ઉપર કોઈપણ આયુર્વેદિક દવાના નામ જણાયેલ નથી. જે દવાઓ જપ્ત થયેલ છે તે તમામ દવાઓના નામ એલોપેથીક છે. આ ઉપરાત જયારે આયુર્વેદિક દવામા કોઈ એકસ્પાયરી ડેઈટ દર્શાવવામાં આવતી ન હોય ત્યારે આરોપીઓ જો દવાઓની બોટલો ઉપર નવી એકસ્પાયરી ડેઈટના સ્ટીકરો લગાવતા હોય તો તેનાથી સ્પષ્ટ થાય છે કે આરોપોઓ અનઅધિકૃત રીતે એલોપેથીક ડોકટર તરીકે પ્રેકટીશ કરી દર્દીઓની સાથે છેતરપીડી ઉપરાંત તેઓના આરોગ્ય સાથે ચેડાઓ કરે છે. નાણા કમાવવાની લાલચમા દર્દીઓના સ્વાસ્થય સાથે આ પ્રકારે ગુનાહિત પ્રવૃતિ કરે છે તેને અતિશય ગભીરતાથી લેવુ જરૂરી છે. એક વખત બનાવટી ડોકટર તરીકે પકડાઈ જવા છતા આરોપી પરેશ ચોવટીયા સમાન પ્રકારની પ્રવૃતિ ચાલુ રાખતા હોય તો તેવા આરોપીને જામીન આપવામા આવે તો ફરીથી આ જ પ્રકારની પ્રવૃતિ કરવાની તક આપ્યા સમાન છે. આ તમામ રજુઆતોને ધ્યાનમા લઈ નામ. સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓની જામીન અરજીઓ રદ કરેલ છે.

આ કામમા સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ છે.

(3:03 pm IST)