Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડો. ધવલની ધમાલ-મહિલા તબિબને મારવા દોટ મુકીઃ ભારે હંગામોઃ અગાઉ પણ વિવાદ જગાવ્યો'તો

ડો. કાજલ વઘેરા મોકલેલા બાળ દર્દીને ડો. ધવલ બારોટે રજા આપી દીધી અને પછી કહ્યું કે મારા વોર્ડમાં દર્દી આવ્યું જ નથીઃ દર્દી મોકલ્યું છે તેનો પુરાવો ડો. કાજલે બીજા સિનીયરોની હાજરીમાં આપતાં ડો. ધવલ બારોટે મિજાજ ગુમાવ્યોઃ ભારે દેકારોઃ બીજા તબિબો અને સિકયુરીટી સ્ટાફ દોડી ગયો : ઉપલેટા સિવિલના ડો. કાજલ વઘેરા છ મહિનાથી રાજકોટ સિવિલમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવે છેઃ બનાવની જાણ થતાં ડો. કાજલ અઘેરાના માસી વોર્ડ નં. ૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા તથા માસા મનહરભાઇ બાબરીયા દોડી આવ્યાઃ વાત પોલીસ સુધી પહોંચીઃ ડો. ધવલ બારોટથી બીજા સિનીયરો પણ નારાજ હોવાનું ડો. કાજલનું કથન

ડોકટરનો ડખ્ખોઃ  સિવિલ હોસ્પિટલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં સિનીયર ડોકટરે ડેપ્યુટેશન પર આવેલા મહિલા તબિબ સાથે બાળ દર્દીને શા માટે દાખલ ન રખાયું? તે મુદ્દે માથાકુટ કરી હાથ ઉગામવાનો પ્રયાસ કરતાં દેકારો મચી ગયો હતો. તસ્વીરમાં હોસ્પિટલ, જેમની સાથે માથાકુટ થઇ એ ડો. કાજલ વઘેરા જોઇ શકાય છે. દર્દીઓના સગા પણ મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં. ડો. કાજલ વઘેરાના માસી કોર્પોરેટર ભાનુબેન બાબરીયા તથા માસા મનહરભાઇ બાબરીયા પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં. પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ બી. વી. બોરીસાગર, એએસઆઇ હરેશભાઇ રત્નોતર, મહિલા કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ પણ જોઇ શકાય છે. સોૈથી છેલ્લી તસ્વીરમાં ડો. કાજલને મારથી બચાવનાર ડો. મયુર કાચા સહિતના જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫: સિવિલ હોસ્પિટલના કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો. ધવલ બારોટે આ હોસ્પિટલમાં જ ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહેલા ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મહિલા તબિબ ડો. કાજલ વઘેરા સાથે ધમાલ મચાવી તેને મારવાનો પ્રયાસ કરતાં દેકારો મચી ગયો હતો. જો કે આ વખતે બીજા સિનીયર તબિબ હાજર હોઇ તેમણે મહિલા તબિબને મારથી બચાવી લીધા હતાં. મહિલા તબિબે એક દર્દીને ડો. ધવલના વોર્ડમાં રિફર કર્યુ હોઇ તેણે આ દર્દીને બારોબાર રજા આપી દીધી હતી. એ પછી એવું કહ્યું હતું કે મારા વોર્ડમાં દર્દી આવ્યું જ નથી. આ વાતની સાબિતી આધારપુરાવા સાથે આપવા ડો. કાજલ બીજા સિનીયર તબિબને સાથે લઇને આપવા જતાં ડો. ધવલ ખોટા સાબિત થતાં તેણે મિજાજ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

ઘટનાની વિગતો આપતાં ડો. કાજલ વઘેરાએ જણાવ્યું હતું કે-પીઆઇસીયુમાં પ્રિન્સી નામનું એક બાળ દર્દી દાખલ હતું. દસ પંદર  દિવસ અહિ સારવાર આપી તેને ઇમર્જન્સીમાં શિફટ કર્યુ હતું. કે. ટી. ચિલ્ડ્રનમાં ચાર અલગ અલગ વોર્ડ છે. ઇમર્જન્સીમાંથી પેશન્ટ આવે એટલે સિસ્ટરના ચોપડે ચડે. એક દર્દી ઇમર્જન્સીમાંથી આવતાં અમે તેને ડો. ધવલ બારોટના વોર્ડમાં રિફર કર્યુ હતું. આ અંગેની નોંધ સિસ્ટર પાસે અલગ અલગ ચાર ચોપડામાં થતી હોય છે. અમે દર્દીને મોકલ્યું હતું છતાં ડો. ધવલ બારોટે દર્દી આવ્યુ જ નથી એવી વાત કરી હતી. તે અવાર નવાર દર્દીની સારવારની જરૂર હોય છતાં રજા આપી દઇ ભગાડી દેતાં હોઇ જેથી હું અને બીજા સિનીયર ડો. મયુર કાચા અમે ડો. ધવલના વોર્ડમાં દર્દી રિફર કર્યુ જ છે તેના પુરાવા સાથે ત્યાં ગયા હતાં. રજીસ્ટરમાં નોંધ હોવા ઉપરાંત મારા મોબાઇલ ફોનમાં પણ દર્દીના કેસ, રિફર નોંધ સહિતના પુરાવા હતાં. આથી ડો. કાચાએ ડો. ધવલને દર્દી આવ્યુ જ છે છતાં તમારા વોર્ડમાં કેમ નથી? કોને પુછી ડિસ્ચાર્જ કર્યુ? તેમ પુછી ખુલાસો માંગ્યો હતો.

ડો. ધવલ બારોટને આ અંગે વાત કરતાં અને દર્દી રિફર કરાયું એ કયાં છે? તે અંગે સિનીયર ડો. મયુર કાચાએ પુછતાં તે પોતે ખોટા છે એવું સાબિત થઇ જતાં ઉશ્કેરાઇ ગયા હતાં અને મને મારવા માટે દોડ્યા હતાં, હાથ ઉગામી લીધો હતો. પણ સિનીયર ડોકટરે મને બચાવી લીધી હતી. અગાઉ પણ તેણે માથાકુટ કરી હતી. પણ આજે હાથ ઉગામ્યો હોઇ મેં મારા વાલીને જાણ કરી હતી. ડો. કાજલ વઘેરાએ વધુમાં કહ્યું હતું  બે મહિના પહેલા પણ તેણે માથાકુટ કરી હતી.

ડો. કાજલે આગળ કહ્યું હતું કે  હું ઉપલેટા સિવિલ હોસ્પિટલની પિડીયાટ્રીક છું, અહિ ડેપ્યુટેશન પર છુ઼. મને ડો. ધવલે 'તું કોણ છો મારી સમકક્ષ બન પછી વાત કરજે' તેમ કહી અપશબ્દો પણ કહ્યા હતાં.  ડો. ધવલ અવાર નવાર માથાકુટ કરે છે અને તેની સાથેના બીજા સિનીયર તબિબો પણ તેની હેરાનગતિનો ભોગ બની ચુકયા છે. અગાઉ પણ તેણે એક ડોકટર સાથે માથાકુટ કર્યા બાદ પોતાને બધા હેરાન કરે છે એવો દેખાવ ઉભો કરી દીધો હતો. હું નવ મહિનાથી રાજકોટ સિવિલમાં ડેપ્યુટેશન પર છું અને છ મહિનાથી કે. ટી. ચિલ્ડ્રનમાં ફરજ બજાવુ છું. અહિ મારા કામથી તમામ સિનીયર, રેસિડેન્ટ અને બીજો સ્ટાફ ખુબ જ ખુશ હોઇ અને મારા વખાણ થતાં હોઇ તે ડો. ધવલ બારોટને ગમતું ન હોઇ તેણે માથાકુટ કરી હતી. તેમ વધુમાં ડો. વધેરાએ કહ્યું હતું.

ડો. બારોટ સતત મને ફસાવવાની કોશિષ કરી પેપર વર્ક સહિતના કામોમાં મારો વાંક કાઢતા રહે છે. આજે તો હાથચાલાકી કરવાનો પ્રયાસ થતાં મેં અંતે મારા વાલીને જાણ કરી હતી. અગાઉ મેં કે. ટી. ચિલ્ડ્રન વિભાગના વડા ડો. પંકજ બુચને પણ ડો. ધવલ બારોટની ફરિયાદ કરી હતી. ત્યારે તેમણે કહેલુ કે આપણે તેને સમજાવીશું. પણ આજે વાત વધી ગઇ હતી. તેમ ડો. કાજલ વઘેરાએ કહ્યું હતું.

બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસનો સ્ટાફ અને હોસ્પિટલની સિકયુરીટીનો વધારાનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો. જો કે ડો. ધવલ બારોટ મળી આવ્યા નહોતાં.  ડો. ધવલ બારોટનો સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ફોન સ્વીચ આવતો હોઇ તેના તરફથી આ ઘટના સંદર્ભે કોઇ વિગતો મળી શકી નથી.

પૂર્વ ધારાસભ્ય અને વોર્ડ નં. ૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા જેની સાથે માથાકુટ થઇ એ ડો. કાજલ વઘેરાના માસી થતાં હોઇ બનાવની જાણ થતાં ભાનુબેન બાબરીયા અને માસા મનહરભાઇ બાબરીયા પણ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. આ ઘટનામાં મોડી બપોર સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી.

  • ડો. ધવલ બારોટ હોસ્પિટલમાંથી ગાયબઃ ફોન સતત સ્વીચ ઓફઃ તેની ધોલધપાટ થયાની ચર્ચા

. ઘટનાની બીજી બાજુ જાણવા માટે 'અકિલા'એ જેના વિરૂધ્ધ આક્ષેપો થયા છે ડો. ધવલ બારોટનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. હોસ્પિટલમાં પણ અલગ અલગ વિભાગોમાં તપાસ કરવા છતાં તેનો સંપર્ક થયો નહોતો. તેની સાથે પણ ધોલધપાટ થયાની અને તેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધાની પણ ચર્ચા થઇ રહી હતી. તેમના સગા સંબંધીઓ બનાસકાંઠા તરફથી રાજકોટ આવી રહ્યાનું પણ જાણકારો કહે છે. જો કે આ મામલે ડો. કાજલ વઘેરા કે ડો. ધવલ બારોટ તરફથી પોલીસને કોઇ ફરિયાદ મોડી બપોર સુધી મળી નથી.

(3:31 pm IST)