Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

મંદિરેથી દર્શન કરીને ઘરે જઇ રહેલા ૧૧ વર્ષના મયંકની જિંદગી ટ્રકની ઠોકરે ખતમ

ગ્રીનલેન્ડ ચોકડી લક્ષમણ પાર્ક પાસે 'હિટ એન્ડ રન': અકસ્માત સર્જી ચાલક ટ્રક લઇ છનનન : એકના એક લાડકવાયાના મોતથી હાપલીયા-પટેલ પરિવારમાં કલ્પાંતઃ છઠ્ઠુ ધોરણ ભણતો મયંક દરરોજ સાઇકલ લઇ દર્શન કરવા જતો હતો

રાજકોટ તા. રપ :.. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લક્ષ્મણપાર્કમાં 'હીટ એન્ડ રન' ની ઘટનામાં મીની ટ્રકના ચાલકે સાયકલને ઉલાળતા ૧૧ વર્ષના તરૂણનું મોત નિપજાવી ચાલક મીની ટ્રક લઇ નાસી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા ગુરૂદેવ પાર્ક શેરી નં. ર માં રહેતો મયંક હસમુખભાઇ હાપલીયા (ઉ.વ.૧૧) સવારે સાયકલ લઇને પોતાના ઘરેથી નીકળી ઘર પાસે આવેલા મંદિરે દર્શન કરવા માટે ગયો હતો. દર્શન કરીને સાયકલ લઇ પરત આવતો હતો. ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લક્ષ્મણ પાર્ક પાસે મીની ટ્રકના ચાલકે સાયકલને હડફેટે લેતા, મયંક ફંગોળાઇ ગયો હતો. અકસ્માત સર્જી ચાલક મીની ટ્રક લઇને નાસી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બાદ મયંકને તાકીદે સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ  મથકના પીએસઆઇ. જે. આર.  સરવૈયા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતક મયંક ધોરણ-૬ માં અભ્યાસ કરતો હતો. તેના પિતા ગેરેજ ચલાવે છે. એકના એક પુત્રના મૃત્યુથી પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે. 

(3:33 pm IST)