Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

પોલીસમેને ભાડાનો ફલેટ પચાવી પાડ્યો, ખાલી કરવા સામા પૈસા માંગ્યાઃ નવા કાયદા હેઠળ ગુનોઃ ધરપકડ

બાંધકામ કોન્ટ્રાકટર દિલીપભાઇ વાઢેરની ફરિયાદઃ રૈયા રોડ શિવાજી પાર્ક પાસે અમરનાથ એપાર્ટમેન્ટનો ફલેટ ગોૈતમ વાઘેલાએ પચાવી પાડ્યાનો આરોપઃ એસીપી દિયોરા અને પીઆઇ વાળાએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૫: મોટા મવા ગામ પાછળ મીરા માધવ એપાર્ટમેન્ટ સામે રહેતાં બાંધકામના ધંધાર્થી દિલીપભાઇ રતિભાઇ વાઢેર (ઉ.વ.૬૦)નો રૈયા રોડ ગુરૂ ગોલવાલકર માર્ગ શિવાજી પાર્ક પાસે આવેલા અમરનાથ ફલેટ પૈકી બી બિલ્ડીંગમા પહેલા માળે આવેલો ફલેટ નં. બી/૨ પોલીસ કર્મચારી ગોૈતમ જેમલભાઇ વાઘેલાએ ભાડેથી રાખ્યો હોઇ છેલ્લા ત્રણ મહિનાથી ભાડુ પણ નહિ આપી ફલેટ પચાવી પાડી માથે જતાં ફલેટ ખાલી કરવાના સામા પૈસા માંગતાં દિલીપભાઇએ જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ અરજી કરતાં કલેકટરશ્રીના આદેશથી આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દિલીપભાઇ વાઢેરે આ બાબતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મેં ૨૦૧૯માં મારો અમરનાથ એપાર્ટમેન્ટમાં આવેલો ફલેટ શહેર પોલીસ હેડકવાર્ટરમાં અને હાલ માર આ ફલેટમાં જ રહેતાં ગોૈતમ વાઘેલાને રૂ. ૧૨ હજારના માસીક ભાડાથી ૧૧ માસનો કરાર કરીને ભાડેથી આપ્યો હતો. તે અને તેનો પરિવાર આ ફલેટમાં ભાડેથી રહેતો હતો. ૧૧ માસનો ભાડા કરાર પણ મેં કરાવ્યો હતો. હાલ તે મોરબી પોલીસમાં ફરજ બજાવે છે. તેણે પ્રારંભે ત્રણેક મહિના સુધી ભાડુ નિયમીત આપ્યું હતું. એ પછી ભાડુ સમયસર ન ચુકવતાં મેં વારંવાર ઉઘરાણી કરી હતી. પણ તેણે ખોટા બહાના બતાવ્યા હતાં અને ફલેટ ખાલી કરી દેશે તેવી વાતો કરી હતી.

પરંતુ ભાડુ ચુકવ્યું નહોતું અને મેન્ટેનન્સ પણ આપ્યું નહોતું. ભાડા કરારનો ૧૧ માસનો સમય પુરો થતાં મેં તેને ફલેટ ખાલી કરવાનું અને બાકી ભાડુ ચુકવી આપવાનું કહેતાં તેણે બહાના બતાવી બાદમાં ફલેટ ખાલી ન કરી છેલ્લે તો ફલેટ ખાલી કરવો હોય તો તમારે સામા પૈસા આપવ પડશે તેમ કહી મને એટ્રોસીટીના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. અંતે મારે કલેકટરશ્રીને આરજી કરવી પડી હતી.

આ અરજી અંતર્ગત જીલ્લા કલેકટરશ્રીની કચેરી ખાતે તા.૧૬/૧૦/૨૦૨૧ના રોજ કમિટીના નિર્ણય આધાર ગુનોે દાખલ કરવા સુચના મળતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૩, ૪ (૩), ૫ (ગ), (ધ) ૩, ૪ (૩), ૫ (ખ), (ગ) મુજબ ગુનો નોંધી આરોપી ગોૈતમ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. તેની હાલમાં મોરબી પોલીસ સ્ટેશનથી ડાંગ આહવા ખાતે બદલી થઇ ચુકી છે. 

આ કામગીરી પો.ઇન્સ. કે.એ.વાળા તથા પીએસઆઇ જે.જી.રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી, હેડકોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, દીગ્વિજયસિંહ, ગોપાલભાઇ પાટીલ, ગોપાલભાઇ બોળીયા, દીનેશભાઇ તથા મહિલા કોન્સ. ભુમીકાબેન સોલંકી,  એએસઆઇ પર્વતસિંહ પરમાર, સુધાબેન સોલંકી, એએસઆઇ વિજેન્દ્રસિંહ જાડેજા હેડકોન્સ. બ્રીજરાજસિંહ ઝાલાએ ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. એસીપી પશ્ચિમ પી. કે. દિયોરા વધુ તપાસ કરી રહ્યા છે.

(2:54 pm IST)