Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રાષ્ટ્રવાદી પત્રકાર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ કાલે રાજકોટમાં

'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત હેમુગઢવી હોલમાં વ્યાખ્યાન : ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન અને ડાયનેમીક કલબનું આયોજન

રાજકોટ તા. ૨૫ : રાષ્ટ્રીયતાના રંગે  રંગાયેલા પ્રખર રાષ્ટ્રવાદી પત્રકાર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠના વ્યાખ્યાનનો એક કાર્યક્રમ કાલે તા. ૨૬ ના મંગળવારે રાજકોટમાં યોજાયો છે. ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન અને ડાયનેમીક કલબ સંચાલિત 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ તળે યોજાયેલ આ કાર્યક્રમની વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવ્યુ હતુ કે હેમુ ગઢવી હોલ ખાતે કાલે મંગળવારે રાત્રે ૮.૩૦ વાગ્યે વ્યાખ્યાનમાં પુષ્પેન્દ્રજી 'રાષ્ટ્ર સામેના પડકારો અને આપણી ભુમિકા' વિષય પર છણાવટ કરશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જાણીતા ઉદ્યોગપતિ ગૌતમભાઇ ધમસાણિયા ખાસ ઉપસ્થિત રહેશે.

પુષ્પેન્દ્રજીએ પોતાની ૨૬ વર્ષની પત્રકારત્વની કારકીર્દીમાં સતત ૧૩ વર્ષ સુધી પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલ 'આજ ટી.વી. ન્યુઝ' માટે કામ કરેલ. ભારતના પ્રેસ કલબ ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરતી તરીકે સેવા આપી ચુકયા છે. બીબીસી ન્યુઝ ઉપરાંત ઝી ન્યુઝમાં પણ કામ કરેલ છે. તેઓ દેશ વિદેશના સાંપ્રત પ્રવાહો અને દેશની આંતરીક સુરક્ષાના વિશેષજ્ઞ તરીકે વકતવ્યો આપે છે.

રાજકોટમાં તેમના વ્યાખ્યાનના યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન ન્યુ દિલ્હીના સૌરાષ્ટ્ર ક્ષેત્ર ગુજરાતના અધ્યક્ષ પ્રા. ડો. જે. એમ. પનારા, પ્રા. ડો. યશવંત યોસ્વામી, મહેશ ટોપીયા, રાજેશ પારેખ તેમજ ડાયનેમીક કલબના સર્વશ્રી માતંગ પટેલ, મનોજ ગાંભવા, પંકજ કાલાવડીયા, હાર્દીકભાઇ કોરીંગા, વિપુલ વિરમગામા, ભૂમિત વાઘાણી, હિન્દુ જાગરણ મંચના અધ્યક્ષ મંગેશ દેસાઇ અને તેમની ટીમ તથા હિન્દુ યુવા વાહીનીની ટીમ અને તમામ રાષ્ટ્રવાદી સંસ્થાઓ જહેમત ઉઠાવી રહેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગૌતમભાઇ ધમસાણીયા, ડો. જે. એમ. પનારા, ડો. યશવંત ગોસ્વામી, મનોજભાઇ ગાંભવા, પંકજભાઇ કાલાવડીયા, હાર્દીકભાઇ કોરીંગા, ભુમિત ભાઇ વાઘાણી, વિપુલભાઇ વિરમગામા નજરે પડે છે.

(3:39 pm IST)