Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

મનપાની જુનીયર કલાર્કની પરીક્ષામાં ૪૪ ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા

૧૨૨ જગ્યા : કુલ ૪૫,૩૯૭ ઉમેદવારોમાંથી ૧૯,૮૧૮ ઉમેદવારો ગેરહાજર રહ્યા અને ૨૫,૫૭૯ ઉમેદવારોએ પરીક્ષા આપી : ૬ શહેરોમાં પરીક્ષા યોજાઇ

રાજકોટ, તા.૨૫: મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક સંવર્ગની લેખિત પરીક્ષા તા .૨૪ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી ૧:૩૦ કલાક સુધી રાજયના કુલ -૦૬ કેન્દ્રો રાજકોટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, જુનાગઢ અને જામનગર ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવી. આ લેખિત પરીક્ષાના કુલ ઉમેદવારો -૪૫,૩૯૭ નોંધાયેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરીક્ષા અન્વયે કુલ -૯૫ જેટલાં વિડીયોગ્રાફર તથા દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ. તેમજ પરીક્ષામાં રાજકોટ મહાનગરપાલિકાનાં કુલ -૨૧૫ જેટલા અધિકારી/કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવેલ હતી.

હાલની નોવેલ કોરોના વાયરસની સરકારશ્રીની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ . જેમાં ખાસ કરીને, દરેક પરીક્ષા કેન્દ્રમાં બ્લોક દીઠ ફકત ૨૮ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ. પરીક્ષામાં આવનાર તમામ ઉમેદવારો તથા સ્ટાફનું પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર સેનીટાઇઝેશન, મો તથા નાક સંપૂર્ણ ઢંકાય તે રીતે માસ્ક પહેરવા સુચના આપવામાં આવેલ. વિશેષમાં પરીક્ષા કેન્દ્ર પર સોશીયલ ડીસ્ટન્સ જળવાઇ રહે તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવેલ. આમ, રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક સંવર્ગની લેખિત પરીક્ષા એકંદરે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે.

(3:46 pm IST)