Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કોઠારીયામાં થયેલી રૂ. ૨.૨૨ લાખની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો : રીઢા ચોર પદીયાને સોની બજારમાંથી પકડ્યો

ઘરધણી મકાનની ચાવી બાથરૂમમાં રાખી કરિયાણુ લેવા ગયા ત્યારે તસ્કરે વોચ રાખી હોઇ ચાવીથી તાળુ ખોલી ચોરી કરી'તી : ચોરાઉ દાગીના વેંચવા આવ્યો ને દબોચી લેવાયોઃ અગાઉ ચોરીના ૭ ગુનામાં સંડોચાઇ ચુકયો હતો : ગુલાબનગરના આ તસ્કરને દિવસે જ ચોરી કરવાની આદત : કોન્સ. નગીનભાઇ ડાંગર અને ભાવેશભાઇ ગઢવીની બાતમીઃ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમની કામગીરી

રાજકોટ,તા. ૨૫ : કોઠારિયા ગામમાં બંધ મકાનમાં થયેલી ૨.૨૨ લાખના દાગીનાની ચોરીનો ક્રાઇમ બ્રાંચની ટીમે ભેદ ઉકેલી રીઢા તસ્કરને સોની બજારમાંથી ચોરાઉ સોના-ચાંદીના દાગીના સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સોનીબજારમાં એક શખ્સ ચોરાઉ દાગીના વેચવા આવ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. નગીનભાઇ ડાંગર અને ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા સોની બજારમાંથી પ્રદીપ ઉર્ફે પદીયો કાળુભાઇ પઢારીયા (ઉવ. ૨૧) (રહે. ગુલાબનગર શેરી નં. ૫ રોલેક્ષ કારખાના પાસે મૂળ વિંછીયાના લાખાવડ ગામ) ને રૂ. ૨,૨૨,૨૫૦ની કિંમતના ચોરાઉ સોના-ચાંદીના દાગીના સાથે પકડી લીધો હતો. પુછપરછમાં તેણે પાંચ દિવસ પહેલા કોઠારિયા ગામ ચબુતરાના ચોક પાસે રહેતા યશભાઇ કનૈયાલાલભાઇ જીવરાજાની બંધ મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. તે અલગ અલગ વિસ્તારમાં આંટાફેરા કરી રેંકી કરતો હતો. અને જે મકાન બંધ હોય તે મકાનમાં ધોળા દીવસે ચોરી કરતો હતો તે અગાઉ યુનિવર્સિટી, ગાંધીગ્રામ, એ ડીવીઝન, બી ડીવીઝન અને માલવીયાનગર પોલીસ મથક ઘરફોડ ચોરીના છ ગુનામાં પકડાઇ ચૂકયો છે અને આજીડેમ પોલીસ મથકમાં જુગારના કેસમાં પણ પકડાઇ ચુકયો છે.

આ કામગીરી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.એમ. ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજા, તથા ભાવેશભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી. 

(3:46 pm IST)