Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કોરોના મૃતકોની સહાય માટે કાલથી 'મરણ નોંધના' પ્રમાણપત્રો આપવાનો થશે પ્રારંભ : પુષ્કર પટેલ

કાલે બપોર બાદ ૨૦ નવેમ્બર સુધીના અરજદારોને હાલ તુરંત પ્રમાણપત્રો આપવાની વ્યવસ્થા : આજ સુધીમાં કુલ ૧૩૫૦ અરજીઓ જમાઇ થઇ

રાજકોટ તા. ૨૪ : રાજ્ય સરકાર દ્વારા કોરોનાના મૃતકોના વારસદારોને સહાય માટે મરણના કારણ સાથેનું પ્રમાણપત્ર આપવાનો આવતીકાલે બપોર બાદ પ્રારંભ થશે તેમ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે જાહેર કર્યું હતું.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનશ્રીએ વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામનાર વ્યકિતના વારસદારોને સહાય માટે જરૂરી એવા મરણનું કારણ દર્શાવતા મરણનોંધના પ્રમાણપત્રો આપવા માટે મ.ન.પા. દ્વારા સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન સિવિક સેન્ટરમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થા મુજબ આ પ્રમાણપત્રો માટેની અરજીઓ બંને સ્થળે સ્વીકારવામાં આવી રહી છે. જેમાં આજ સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૧૧૦૦ અને વેસ્ટ ઝોનમાં ૨૫૦ મળી કુલ ૧૩૫૦ અરજીઓ આવી છે.

આથી હવે આવતીકાલથી આ અરજીઓ અન્વયે અરજદારોને મરણનોંધના પ્રમાણપત્રો આપવાનો પ્રારંભ થઇ જશે. હાલ તુરંત ૨૦ નવેમ્બર સુધીના અરજદારોના પ્રમાણપત્રો તૈયાર હોઇ તે આપવામાં આવશે ત્યારબાદ ૨૦ નવેમ્બર પછીના અરજદારોને આ પ્રમાણપત્રો આપવાનો પ્રારંભ થશે. આમ મરણનોંધ પ્રમાણપત્રો માટે મ.ન.પા.એ કરેલી આ વ્યવસ્થામાં સહયોગ આપવા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનશ્રીએ અનુરોધ કર્યો છે.

(3:26 pm IST)