Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ખેડૂતોને સ્માર્ટ ફોન માટે સહાયથી નવી ટેકનોલોજી તરફ કદમઃ વિજયભાઈ કોરાટ

રાજકોટ, તા. ૨૫ :. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન ઉપર સહાય આપવાના નિર્ણયને ગુજરાત પ્રદેશ ભાજપા કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટે આવકારેલ છે.

કૃષિ ક્ષેત્રે ડીજીટલ સેવાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈ.ટી. ટેકનોલોજીના ઉપયોગ થકી નવી ખેત ઉપયોગી અદ્યતન તકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયેલ છે. જેમાં ખેડૂતો દ્વારા હવામાનની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત, ખેત પદ્ધતિ, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા વગેરે જેવી બાબતો માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. રાજ્યની ભાજપા સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો લેટેસ્ટ ટેકનોલોજી સાથે જોડાયેલા રહે અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી રાજ્યના ખેડૂતો માહિતગાર રહે તે માટે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી પર રૂ. ૧૫૦૦૦ સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે. જેમાં ખેડૂતને ફોનની કિંમતના ૧૦ ટકા અથવા તો રૂ. ૧૫૦૦ બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર રહેશે તેમ અંતમાં પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટએ જણાવ્યુ છે.

(2:44 pm IST)