Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ગુજરાતમાં ભગવો છવાઇ જશેઃ સુધાંશુજી

મુખ્‍ય જંગ કોંગ્રેસ સાથે, ‘આપ' કા શૌર હે, પર જોર નહિ : ભાજપના રાષ્‍ટ્રીય પ્રવકતા ‘અકિલા'ની મુલાકાતેઃ નરેન્‍દ્રભાઇનો વિક્રમ ભુપેન્‍દ્રભાઇ તોડશે

ભાજપના રાષ્‍ટ્રીય પ્રવકતા સુધાંશુ ત્રિવેદી, રામભાઇ મોકરિયા, રાજુભાઇ ધ્રુવ, રાજુ દેસાઇ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)(૬.૨૬)

રાજકોટ તા. રર :.. ગુજરાતમાં ભગવો રંગ છવાઇ જશે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે. આ શબ્‍દો ભાજપના પ્રવકતા સુધાંશુજી ત્રિવેદીના છે. તેઓ ‘અકિલા' ની મુલાકાતે આવ્‍યા હતાં.

સુધાંશુજીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં દરેક પક્ષો અલગ-અલગ ધ્‍યેયથી મેદાનમાં  છે. કોંગ્રેસ અસ્‍તિત્‍વ જાળવવા લડે છે. ‘આપ ગુજરાતમાં અસ્‍તિત્‍વ સ્‍થાપવા લડે છે. ઓવૈસી વિવાદની આગ સર્જવાના ધ્‍યેયથી છે, એક માત્ર ભાજપ જ ગુજરાતમાં સરકાર રચવા લડે છે.

‘અકિલા' ની મુલાકાત પૂર્વે સુધાંશુજીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ પાસે કોઇ નેતા-નીતિ કે નેટવર્ક નથી. ‘આપ' માત્ર શૌર કરવામાં રસ લે છે. અનેક સર્વે પ્રમાણે ગુજરાતમાં ભાજપ જ સરકાર રચે છે.

‘અકિલા' સાથેની વાતચીતમાં સુધાંશુજીએ કહ્યું હતું કે, ગુજરાત હિન્‍દુત્‍વથી  પ્રભાવિત રાજયોમાં આવે છે. અહીં મોદીજીનું કાર્ય અને પ્રભાવ પણ જોરદાર છે. ગુજરાતમાં કેસરીયો છવાયેલો જ દર્શાય છે.

પ્રવકતાના અનુભવો અંગે તેઓએ કહ્યું હતું કે, અટલજી કહેતા બોલવા સમયે બુધ્‍ધિ જોઇએ અને કયારે ચૂપ રહેવું તેનો વિવેક જોઇએ. પ્રવકતા સામે અનેક પ્રશ્નો આવે, પણ તેના ઉકેલ અનુભવોથી મળતા હોય છે.

આજે અત્રે શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના  રાષ્‍ટ્રીય પ્રવક્‍તા શ્રી સુધાંસુ ત્રિવેદીએ એક પત્રકાર પરીષદને સંબોધતા જણાવેલ કે ગુજરાતના  વિધાનસભા ચૂંટણી-૨૦ર૨ની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. અમારા પક્ષના વરિષ્ઠ નેતાઓનું સંપર્ક  અભિયાન ચાલુ છે.તેમણે વધુમાં જણાવ્‍યુ કે રાજકોટ નું ગુજરાતની રાજનીતિમાં મહત્‍વ છે. જનસંઘના  સમયથી રાજકોટ ભાજપનો એક ગઢ રહયો છે. આપણા યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી  રાજકોટમાંથી ચૂંટાઈને રાજકીય કારકીર્દીની શરૂઆત કરેલ છે.  

ગુજરાતમાં ભાજપના કેન્‍દ્ર અને રાજય સરકારના સધન પ્રયાસોથી વિકાસના નવા  સ્‍વરૂપો જોવા મળેલ છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાજકોટની એઈમ્‍સ અને આંતરરાષ્‍ટ્રીય  વિમાનમથક હીરાસરની ભેટ આપી છે. રાષ્‍ટ્રીય ધોરી માર્ગ સીક્‍સ લેન બનાવવાનું કાર્ય ચાલી રહયુ  છે. રેલ્‍વેનું ઈલેક્‍ટ્રીફીકેશન કાર્ય પણ ચાલી રહયુ છે.આપણા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ  ગુજરાતમાં સરદાર સરોવર યોજનાનું અમલીકરણ કરી પાણીની સમસ્‍યાને હલ કરેલ છે. ગુજરાતના  વિરોધીઓ સરદાર સરોવર-- નર્મદા યોજનાના અમલીકરણમાં ઘણા અવરોધ ઉભા કર્યા હતા. પરંતુ  આપણા વડાપ્રધાનશ્રીના પ્રયત્‍નોથી નર્મદા યોજના સફળ થઈ છે.  

મહિલાઓને પીવાના પાણીની અછતમાંથી મુક્‍તિ આપેલ છે. ભારતના વાયુસેના  માટે હવાઈ જહાજનું નિર્માણ ગુજરાતમાં થશે અને વિકાસના નવા સોપાનો સર કરશે. આજે આપણા  વડાપ્રધાનશ્રી નરેન્‍દૂભાઈ મોદીને વિશ્વના સર્વાધિક લોકપ્રીય નેતા માનવામાં આવે છે. અખંડ  ભારતના શીલ્‍પી એવા સરદાર વલ્લભભાઈ પટેલએ બાર જયોર્તીલીંગમાં પ્રથમ એવા સોમનાથ  મહાદેવના મંદીરનો જીર્ણાઘ્‍ધાર કર્યો હતો જેમના વિચારને આગળ લઈ જઈને વડાપ્રધાનશ્રી  નરેન્‍દ્રભાઈ મોદીએ વારાણસી, કાશી, કેદારનાથ જેવા ધાર્મિક સ્‍થળોનો જીર્ણાઘ્‍ઘાર કરવાનુ કાર્ય કરેલ  છે અને અયોઘ્‍યા ખાતે રામમંદીરનું નિમાર્ણકાર્ય ચાલી રહયુ છે.   

તેમજ નાના મઘ્‍યમ અને સુક્ષ્મ ઉધોગોનો વિકાસ થાય અને તેઓને પ્રોત્‍સાહન મળે તે માટે કેન્‍દ્ર સરકારે રૂપિયા ૨૦૦ કરોડ સુધીના કામોનો આંતરરાષ્‍ટ્રીય ઈ-ટેન્‍ડર નહી કરવાનો નિર્ણય  લીધેલ છે તેથી નાના ઉદ્યોગોને વિકાસની તકો મળશે.

તેમણે અંતમાં જણાવેલ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોકો ભાજપને સમર્થન આપી જીતાડશે તેમા રાજકોટ ની જનતા અગ્રેસર રહેશે તેવી મને આશા છે. પ્રારંભમાં ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવએ સ્‍વાગત કર્યું હતું. આ તકે શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, શહેર ભાજપ મીડીયા સેલના રાજન ઠકકર, અરવીંદભાઈ જોષી સહિતના ઉપસ્‍થિત રહયા હતા. તેમજ પ્રીન્‍ટ ઈલેક્‍ટ્રીક મીડીયાના પ્રતિનિધિઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

(2:50 pm IST)