Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

રાજકુમાર કોલેજ ખાતે કાલે યુધ્ધ ટ્રોફી ટેન્ક 'T-55'નું અનાવરણઃ પ્રદર્શન

આ ટેન્કનું વજન ૩૭ ટન છેઃ તે બીજા વિશ્વયુધ્ધ બાદ સોવીયટ સંઘ દ્વારા ડીઝાઇન કરાયેલઃ ર૦૦૮ સુધી ભારતીય સૈન્યનો ભાગ રહેલ : કાલે તા.ર૪ને ગુરૃવારે આ પ્રસંગે રાજદુત સુજન ચિનોય (નવી દિલ્હીના ડાયરેકટર જનરલ) તથા આર્મર્ડ કોર્પ્સના ડીરેકટર જનરલ એવીએસએમ લેફટનન્ટ જનરલ કે.એસ.બ્રારે ઉપસ્થિત રહેશે

શ્રી સુજન ચિનોય

(ભુતપુર્વ વિદ્યાર્થી ૧૯૬પ-૭૪) મનોહર પરીકર ઇન્સ્ટીટયુટ ફોર ડિફેન્સ  સ્ટડીઝ એન્ડ એનાલીસીસ, નવી દિલ્હીના ડાયરેકટર જનરલ

રાજકોટ, તા., ૨૩: રાજકુમાર કોલેજ રાજકોટ  ખાતે કાલે ર૪  યુધ્ધ ટ્રોફી ટેન્ક ટી-પપના અનાવરણને બંધુત્વના પ્રતિક રૃપે હંમેશા ખુબ જ ગર્વ સાથે યાદ રાખશે. રાજદુત  સુજન ચિનોય (ભુતપુર્વ વિદ્યાર્થી ૧૯૬પ-૭૪) મનોહર પરીકર ઇન્સ્ટીટયુટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલીસીસ, નવી દિલ્હીના ડાયરેકટર જનરલે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

વર્ષ ૧૯૮૧-ર૦૧૮ સુધી કારકીર્દી રાજદ્વારી તરીકે ફરજ બજાવતા રાજદુત સુજાન ચિનોય જાપાન અને મેકસીકોમાં ભારતના રાજદુત તથા બેલીઝ અને રિપબ્લીક ઓફ ધ માર્શલ આઇલેન્ડસમાં ભારતના હાઇ કમિશનર હતા. તેમના પિતા શ્રી રોમેશચંદ્ર ચિનોય વરિષ્ઠ  આઇપીએસ અધિકારી હતા જેમણે ૧૯પરમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે રાજકોટમાં ફરજ બજાવી છે. માતા શ્રીમતી ઉષા ચિનોય એક શિક્ષક, સંગીતકાર, એઆઇઆર/ ડીડી કલાકાર અને સામાજીક કાર્યકર હતા, જેમણે ૧૯૬૪-૭૪ સુધી રાજકુમાર કોલેજમાં ભણાવ્યું હતું અને ૧૯૬૦ના દાયકાના મધ્યમાં આરકેસીમાં આટર્સ, ક્રાફટ એન્ડ મ્યુઝીક વિભાગની સ્થાપના પણ કરી હતી.

આર્મ્ડ કોર્પ્સના ડિરેકટર જનરલ એવીએસએમ લેફ્ટનન્ટ જનરલ કે.એસ.બ્રાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ટ્રસ્ટી મંડળ પ્રમુખશ્રી રાજકોટના એચ. એચ. ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી, ટ્રસ્ટી મંડળ- ભાવનગરના એચ. એચ. મહારાજા રાઓલ શ્રી વિજયરાજસિંહજી, લીંબડીના એચ.એચ.ઠાકોર સાહેબ શ્રી જયદિપસિંહજી, ધ્રોલના એચ. એચ. ઠાકોર સાહેબ શ્રીપદ્મરાજસિંહજી, ચુડાના ઠાકોર સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી, લાઠીના ઠાકોર સાહેબ શ્રી કિર્તીકુમારસિંહજી અને મુળીના ઠાકોર સાહેબ શ્રી જીતેન્દ્રસિંહજી, સંસ્થાપક પરિવારોના સભ્યો, આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓના માતા-પિતા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શુભેચ્છકો તેમજ મહત્વપૂર્ણ સરકારી અધિકારીઓ અને શહેરની અન્ય પ્ર સિધ્ધ હસ્તીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

રાજકુમાર કોલેજના ટ્રસ્ટીશ્રીઓએ જણાવેલ કે, ભારત સરકાર, ભારતીય સેના અને રાજદૂત સુજાન આર. ચિનોય (ભૂતપૂર્વ વિદ્યાર્થી ૧૯૬૫-૭૪), મનોહર પરિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસીસ, નવી દિલ્હીના ડાયરેકટર જનરલના આભારી છીએ કે જેમણે અમને સંરક્ષણ મંત્રાલય, નવી દિલ્હીના ડિરેકટોરેટ ઓફ ઓર્ડનન્સ દ્વારા સેન્ટ્રલ આર્મ ફાઈ ટંગ વિહકલ ડંપ (સીએએફવીડી), કિર્કી, પુણે પાસેથી યુધ્ધ ટ્રોફી ટેન્ક ટી-પપ શાળા પરિસરમાં પ્રદર્શન માટે ખરીદવામાં  અમને મદદ કરી છે.

ટી-૫૫, જેનું વજન ૩૭ ટન છે, તે બીજા વિશ્વયુધ્ધ પછીના સમયગાળામાં સોવિયેટ સંઘ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી સૌથી મજબત યૃધ્ધ ટેન્ક હતી. ભારતે ૧૯૬૬-૬૭માં રશીયા, પોલેન્ડ અને ચેકોસ્લોવાકિયા પાસેથી વિવિધ સ્થળોએ ટી-પપ ટેન્કસ ખરીદ હતી. આઈઆઈએસએસ મિલિટરી બેલેન્સ અનુસાર, ૨૦૦૦ પછી ૭૧૫માંથી માત્ર ૪૫૦ ટી-પપ કાર્યરત હતા. જેમાં નાઈટ વિઝન સાધનો સાથે સંશોધિત કરવામાં આવી હતી અને ફાયર કન્ટ્રોલમાં સુધારો કરવામાં આવ્યો હતો. અને ૨૦૦૮ સુધીમાં સક્રિય સેવામાં જાળવી રાખવામાં આવી હતી. જેમાંથી ૬ ૭ને અનામત રાખવામાં આવી હતી.

ભારતીય સેનામાં રજૂ કરવામાં આવેલી સોવિયેટ સંઘની પ્રથમ ટેન્કોમાંની એક એવી આ મશીને ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જે દરમિયાન તેને પંજાબના સરહદી જિલ્લા ફાજિલ્કામાં તેનાત કરવામાં આવી હતી.

આ યુધ્ધ ટ્રોફી ટેન્ક ટી- પપ આપણને પાછલા યુધ્ધો અને લડાઈઓમાં આપણા સશસ્ત્ર દળોના બહાદુરીભર્યા બલિદાનની યાદ અપાવશે. રાજકુમાર કોલેજ, રાજકોટ તેના પ્રખ્યાત ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો ગર્વ અનુભવે છે, જેઓ સંરક્ષણ સેવાઓમાં જોડાયા છે. અમારા ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ ૧૯૧૪-૧૯૧૮ દરમિયાન યુધ્ધમાં પણ સેવાઓ આપી છે. આ શુભ દિવસે આપણે આર. કે. સી. ના તે તમામ બહાદુર શહીદોને પણ યાદ કરશે. જેમણે યુધ્ધ સમયે પોતાનો જીવ ગુમાવ્યો હતો.  વિદ્યાર્થીઓને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રોત્સાહીત કરવા માટે, આર. કે. સી. તેના વિદ્યાર્થીઓને એનસીસીનો ભાગ બનવા માટે પ્રોત્સાહીત કરે છે. ગુજરાતમાં એક માત્ર સ્કુલ છે, જેના એનસીસીની ૩ પાંખો-આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે.

સ્કુલ કેમ્પસમાં વોર ટ્રોફી ટી-પપ નું પ્રદર્શન અમારી શાળાના વધુ વિદ્યાર્થીઓ તેમજ અમારા શહેરના અન્ય યુવાનોને દળોમાં જોડાવા માટે પ્રોત્સાહીત કરશે.

અનાવરણ સમારોહ બાદ રાજકોટની રાજકૂમાર કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ત્રણેય પાંખોના એનસીસી કેડેટસ દ્વારા ડ્રિલ, બેન્ડ પ્રેઝન્ટેશન, ઇનામ વિતરણ અને નૃત્ય સંગીતમય 'આઝાદી કા અમૃત મહોત્સવ' જેવા અનેક કાર્યક્રમો યોજાશે.

'આઝાદી કા અમૃત મહોત્સવ' નું સંગીતમય નૃત્ય નિર્દેશન શ્રી સુમિત નાગદેવે કર્યુ છે. શ્રી સુમિત નાગદેવ મુંબઇ ખાતેની ભારતની અગ્રણી કન્ટેમ્પરરી ડાન્સ એકેડેમીના ડાન્સ આટર્સના કલાત્મક નિર્દેશક અને સ્થાપક છે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' એ ભારતની એક બહુપરિમાણીય યાત્રાની વાર્તા છે, જેમાં ભારતનો આગવો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો અને ર૧ મી સદીની ઉત્ક્રાન્તિનો સમાવેશ થાય છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આ વર્ષ દરમિયાન 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની શરૃઆત ૧પમી ઓગષ્ટ, ર૦રર ના રોજ કરી છે, જે સ્વતંત્રતાના ૭પ વર્ષ અને તેના લોકોના ગૌરવપૂર્ણ ઇતિહાસ, સંસ્કૃતિ અને સિધ્ધીઓની ઉજવણી કરે છે.

આ કાર્યક્રમ દ્વારા અમે તેમના ઉમદા પ્રયત્નોમાં તેમની સાથે જોડાવાનો અને તેમને સમર્થન આપવાનો પ્રયાસ કરીએ છીએ. લગભગ ૪૦૦ વિદ્યાર્થીઓ-બોર્ડર્સ, ડે બોર્ડર્સ  અને ડે સ્કોલર્સ આ કાર્યક્રમ માટે છેલ્લા દસ દિવસથી સખ્ત પ્રેકટીસ કરી રહ્યા છે. અંતમાં  આર. કે. સી. નું વિશેષ પારંપારિક આકર્ષક ટોર્ચ લાઇટ એકસરસાઇઝ તો ખરી જ, જે લગભગ ૧૬પ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવશે.

આ પ્રસંગે આચાર્ય, શ્રી ચાકો થોમસ, કોર ટીમના સભ્યો, સુશ્રી કેયુરી ગોહીલ, શ્રી મીનુ પાલા, ડો. સુભેશ ઉપાધ્યાય, શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી સંદીપ દેશમુખ, શ્રી પદમ બહાદુર ગુરૃંગ અને તમામ સ્ટાફના સભ્યોના  માર્ગદર્શન અને અથાગ પ્રયત્નોથી આ કાર્યક્રમને આખરી ઓપ અપાયો છે.

(3:54 pm IST)