Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ઝુપડપટ્ટીના બાળકોને વિનામૂલ્‍યે શિક્ષણ આપતી ‘વિશ્વનિડમ ગુરૂકુલમ'નું શનિવારે લોકાર્પણ

પાઠયપુસ્‍તકના જ્ઞાનની સાથે- સાથે જીવનલક્ષી શિક્ષણ પણ અપાય છે : નૈસર્ગીક વાતાવરણમાં બાળકો અભ્‍યાસ કરશે, વાંસના રૂમ બનાવાયા, હાલ ધો.૧ થી ૮ના ૪૦૦ ભુલકાઓનો અભ્‍યાસ

રાજકોટ : વિશ્વનિડમ એક વિચાર છે, વિશ્વનિડમ એટલે સ્‍લમમાં કેળવણી આપતી સંસ્‍થા, ઝુપડપટ્ટીના બાળકો માટેનું આશાકિરણ. ૧૯૯૮માં હું વિરાણી હાઇસ્‍કૂલની બાજુમાં આવેલ બગીચામાં બેઠો હતો ત્‍યારે એક બાળક ભીખ માંગવા આવેલ, પછી તેની સાથે વાતોનો દોર શરૂ થાય છે, બસ અહી થી શરૂઆત. વિપુલ ઠાકર અને જીતુ એ લક્ષ્મીનગરના નાલાએ રાત્રિ શાળા થી શરૂઆત કરી અને પછી તો વિવિધ વિસ્‍તારોમાં એક પછી એક ૧૪ જેટલા કલરવ કેન્‍દ્રો (ઝુપડપટ્ટીના વિધ્‍યાર્થીઓને શિક્ષણ આપવાના કેન્‍દ્રો) શરૂ કરેલ. માત્ર ભણતર પૂરતી કે ઝુપડપટ્ટી ના બાળકો પૂરતીનો રહી. અહી તો સમગ્ર સમસ્‍યાના મૂળમાં પહોંચવાની વાત હતી.  ઝુપડપટ્ટીના સમાજમાં અનેક પ્રકારની બદીઓ, કુરિવાજો, વ્‍યસનો, અંધવિશ્વાસ, ભીખ માંગવીને મોટા કુટુંબ સુખી કુટુંબની વ્‍યાખ્‍યાઓનો ભરપૂર ખજાનો હતો.

અભ્‍યાસ કરવા આવતા દરેક બાળક પાસે એક વચન લેવામાં આવે છે કે અમે કદી ભીખ નહીં માંગીએ, અમારા વિસ્‍તારમાં કોઈ પણ વ્‍યકતી દાન દેવા આવશે. તો અમે તેને કહેશું કે  ખાવા પીવાનું નથી જોઈતું પણ અમને ભણવા માટેના સાધનો આપો, અને આમ ઝુપડપટ્ટીમાં વિશ્વનિડમના અભ્‍યાસ અને સંસ્‍કાર આપતા કેન્‍દ્રો શરૂ થયા, આમ ધીમે ધીમે અમારા કલરવ કેન્‍દ્રોમાં આવતા દાતાઓના વિચારો બદલવા લાગ્‍યા, જેઓ ગઈ કાલ સુધી મનગમતી વસ્‍તુઓ આપવા વારંવાર ઝુપડપટ્ટીમાં આવતા તેમના પણ અભિગમો બદલાતા અમારા બાળકો માટે પાટી-પેન, પુસ્‍તકો, દફતરો અને ડ્રેસ આપવા લાગ્‍યા. આમ જ્ઞાનનો દિપક પ્રજવલિત થવા લાગ્‍યો.

પછીતો એક પછી એક મોટી શાળાઓએ પણ અમારા બાળકોના ભણતર માટે તેઓની સંસ્‍થામાં દાખલ કરવા લાગ્‍યા, એટલે અમારે તો દોડવું હતું અને ઢાળ મળ્‍યો. બાળકો ભણતા ભણતા વિવિધ શાળાઓમાં ભણવા જવા માંડ્‍યા. આમ અમારા બાળકો ધીમે ધીમે શિક્ષિત લોકોના સંપર્કમાં આવતા બાળકો અને વાલીઓ માં ઘણો બદલાવ આવવા લાગ્‍યો, આમ ઝુપડપટ્ટીમાં લોકોની વિચારસરણી માં આમૂલ પરિવર્તન આવવા લાગ્‍યો, બાળકો વ્‍યસન મુકત અને વહેવારુ થયા, ભીખ માંગવાનું બંધ થયું, અંધશ્રદ્ધા ધીમેધીમે ઓછી થવા લાગી, સત્‍ય બોલતા થયા, સાથે સાથે સંસ્‍કારોમાં વૃદ્ધિ થતાં અપસબ્‍દો બોલવાનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું, માં-બાપને માન-સમ્‍માન આપતા થયા, આવી રીતે વિશ્વનિડમની ઝુપડપટ્ટીના કલ્‍યાણની યાત્રાને ૨૪ વર્ષ થયા.

૨૦૧૮માં વિશ્વનિડમનું પોતાનું માળખાકીય બિલ્‍ડિંગ બન્‍યું અને તેને ગુરુકુલમ નામ આપવામાં આવ્‍યું, હવે ૨૦૨૨ના દિવાળી પછી થી પોતાની જ શાળામાં શિક્ષણ શરૂ થયું, જેમાં પાઠ્‍યપુસ્‍તકના જ્ઞાનની સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ આપવાની શરૂઆત કરી જેવી કે ઘોડેસવારી, પશુપાલન, પક્ષીઓને ચણ અને પાણીની વ્‍યવસ્‍થા કરવી, આંગણે વાવો શાકભાજી, વિવિધ જાતની રસોઈઓ બનાવવી, મકાન સાફસૂફી, સીવણ, બ્‍યુટી પાર્લર, સુથારી અને વેલ્‍ડિંગ કામ, ઇલેક્‍ટ્રિક અને પ્‍લમ્‍બિંગ કામ, અળસિયાનું ખાતર બનાવવું, વિવિધ દેસી રમતોમાં પારંગત થવું.

વિશ્વનિડમનું સૂત્ર છે કે  ચાલો હાથ લંબાવીએ, ભીખ આપવા નહીં પરંતુ સમાજ ને ઉપર ઊઠાડવા માટે તા.૨૬ના શનિવારે વિશ્વનિડમ માં આ ભણતર કાર્ય નું લોકાર્પણ થનાર છે. જેમાં ઝુપડપટ્ટીના બાળકો માટે વિનામૂલ્‍યે શિક્ષણની વ્‍યવસ્‍થા ઊભી કરેલ છે, ગુરૂકુલમમાં ભણતા બાળકો આત્‍મનિર્ભર બને તેવી આશા સાથે શાળાની શરૂઆત કરવામાં આવશે.

સ્‍થળઃ વિશ્વનિડમ ગુરૂકુલમ, ઇલયુજમની બાજુમાં, ક્રાઇસ્‍ટ કોલેજ રોડ, ખોડિયાર માં ના ઘુના પાસે,  ઈશ્વરીયા વીડી, રાજકોટ. તા.૨૬ શનિવાર, સમય સાંજે ૪ થી શરૂ. તસ્‍વીરમાં જીતુભાઈ વિશ્વનિડમ મો.૯૪૨૭૭ ૨૮૯૧૫, વી.ડી.બાલા મો.૯૪૨૭૫ ૬૩૮૯૮, મકનભાઈ મુંગરા, અનીલભાઈ ડાંગર, પરસોતમભાઈ અજુડીયા, હિતેષભાઈ સોરઠીયા, ઉર્વેશભાઈ પટેલ અને અર્જુનભાઈ ડાંગર નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:08 pm IST)