Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

લોકો જ કહે છે, આ વખતે ઝાડુ કચરો સાફ કરી નાખશે : વશરામ સાગઠીયા : પ્રજા પરિવર્તન ઈચ્છે છે, મધ્યમ વર્ગ પીસાય રહ્યો છે : દિનેશ જોષી

અમારા હોર્ડીંગ્સ લગાવવા દેવામાં આવતા નથી, જયારે ભાજપવાળાઓએ તો ચોમેર હોર્ડીંગ્સ ઠોકી દીધા :સુચિત સોસાયટીના રહેવાસીઓ કહે છે ભાજપવાળાઓએ મત માંગવા આવવુ જ નહિં, જયારે અમારી વાત શાંતિથી સાંભળે છે

રાજકોટ, તા. ૨૪ : આમ આદમી પાર્ટીના વિધાનસભા ૭૧ના ઉમેદવાર વશરામભાઈ સાગઠીયા અને વિધાનસભા ૬૯ના ઉમેદવાર દિનેશ જોષી આજરોજ અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા અને તેઓએ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ તંત્ર દ્વારા કરવામાં આવતી કનડગત અંગે વાત કરી હતી.

વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યુ હતું કે, શહેરમાં અમારા પક્ષના હોર્ડીંગ્સ હોય કે બોર્ડ લગાવીએ તો તંત્ર દ્વારા તુરંત જ કાઢી નાખવામાં આવે છે જયારે ભાજપે ખાનગી કોન્ટ્રાકટરોને સાથે રાખી શહેરભરમાં હોર્ડીંગ્સ લગાવી દીધા છે. હોર્ડીંગ્સ લગાવવા માટે અમે કોન્ટ્રાકટરોનો સંપર્ક કર્યો તો અમોને ઉંચા ભાવો કહેવામાં આવ્યા હતા. અમોને બમણા ભાવ ખાનગી કોન્ટ્રાકટરો દ્વારા જણાવવામાં આવેલ, જયારે ભાજપને હોર્ડીંગ્સ લગાવવા માટેની લ્હાણી કરી દીધી હતી. 

વશરામભાઇએ વધુમાં જણાવેલ કે, ભાજપ દ્વારા એક જ પરિવારને ૨૫ વર્ષ સુધી ટીકીટ આપી જયારે અન્ય સમાજના  લોકોને તક આપવામાં આવી નથી. જેથી આ વિસ્તારના લોકો પણ ખૂબ નારાજ હોવાનું જણાવે છે. પ્રજા પણ પરિવર્તન ઈચ્છે છે. ભાનુબેન બાબરીયાને ૭ ગામોમાંથી અને લાખાભાઈ સાગઠીયાને ૩ થી ૪ ગામોમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

ભાજપના નેજા હેઠળ તંત્ર દ્વારા સત્તાનો ભરપૂર દુરૃપયોગ કરવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને મેયરના વોર્ડમાં તો અમારા સામાન્ય કાર્યકર નાનકડી ઝંડી પણ લગાડે તો ત્યાંથી કાઢી નાખવામાં આવે છે. આમ છતાં અમારી ટીમ દ્વારા છેલ્લા અઢી મહિનાથી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. અમારી ટીમે ગામડાઓમાં અત્યાર સુધીમાં બે થી ત્રણ વખત પ્રચાર કરી લીધો છે. જયારે હવે શહેરી વિસ્તારોમાં પણ બે થી ત્રણ દિવસમાં પ્રચાર પ્રસારની કામગીરી અમો પૂર્ણ કરી લેશુ. વશરામભાઈએ વધુમાં જણાવેલ કે જયારે પણ અમે પ્રચાર માટે જઈએ છીએ ત્યારે આમ જનતા અને ખાસ કરીને બહેનો જ સામે આવીને કહે છે કે આ વખતે તો ઝાડુ લઈને વાળી ચોળીને સાફ કરી નાખવા છે. ૨૫ થી ૩૦ વર્ષ સુધી ભાજપને મત આપ્યો હવે સાવરણાને આપીશુ.

આ તકે વિધાનસભા ૬૯ના આપના ઉમેદવાર દિનેશ જોષીએ જણાવેલ કે સાંજના સમયે પણ અમારા કાર્યાલયોએ માનવ મેદની ઉમટી પડે છે. ગામડાના લોકો સ્વયંભુ શહેરમાં આવી અને અમારા તરફે મતદાન કરવા અપીલ કરે છે. તેઓએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, ભાજપ દ્વારા ચોમેર બેનરો લગાવી દેવામાં આવ્યા છે. જયારે અમારો કોઈ પણ જગ્યાએ એક કાર્યક્રમ હોય તેના માટે પાથરણાના ભાડાના રૃપિયા ૯૦૦૦ ગણવામાં આવે છે. જયારે પાથરણાની કિંમત જ રૃપિયા ૩ હજાર છે.

દિનેશભાઈએ વધુમાં જણાવેલ કે, અમે પ્રચારમાં જઇએ છીએ ત્યારે સુચિત સહિત અનેક સોસાયટીઓમાં બેનરો લાગેલા જોવા મળે છે. જેમાં લખેલુ હોય છે કે ભાજપ વાળાઓએ મત માંગવા આવવુ નહિં અને જયારે અમે એ જ વિસ્તારોમાં જઈએ છીએ તો અમારી વાત પ્રેમથી સાંભળે છે. આમ ભય, ભ્રષ્ટાચાર, મોંઘવારીથી પ્રજા ત્રસ્ત બની ગઈ છે.

ઉપરોકત તસ્વીરમાં અકિલા કાર્યાલયે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે આમ આદમી પાર્ટીના વિધાનસભા ૭૧ના ઉમેદવાર વશરામભાઈ સાગઠીયા અને વિધાનસભા ૬૯ના ઉમેદવાર દિનેશ જોષી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:21 pm IST)