Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

૧૪ વર્ષની અપહૃત પુત્રીનો સાત સાત મહિનાથી કોઇ પત્તો નથીઃ માતાનો વલોપાત

લવજેહાદ જેવા કિસ્‍સામાં પોલીસ નક્કર પગલા લે તે જરૂરી : બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં અપહરણની ફરિયાદ બાદ હજુ સુધી કોઇ ભાળ મળતી નથીઃ ઇન્‍દોરના સાજીદખાન નામના શખ્‍સ સામે શંકા દર્શાવાઇ છેઃ પોલીસ તાકીદે તપાસ કરી પુત્રીને હેમખેમ શોધી કાઢે તેવી માતાની અરજ

રાજકોટ તા. ૨૫: મોરબી રોડ પર નાની ફાટક નજીક તુલસી ટેનામેન્‍ટ બ્‍લોક નં. ૩, આરડી રેસિડેન્‍સી રોડ પર રહેતાં મહિલા પ્રેમિલાબેન મહેશભાઇ ઠક્કરે સાત મહિના પુર્વે તા. ૨૭/૫/૨૨ના તેમની ૧૪ વર્ષની સગીર પુત્રી ખ્‍યાતિને અજાણ્‍યો શખ્‍સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની તા. ૩૦/૫/૨૨ના રોજ બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સંદર્ભે હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી નહિ થતાં આજે ભારે વલોપાત સાથે માતા પ્રેમિલાબેન ઠક્કરે માધ્‍યમો પાસે વધુ એક વખત ન્‍યાયની ભીખ માંગી હતી.

પોતાની લેખિત રજૂઆતમાં પ્રેમિલાબેને જણાવ્‍યું છે કે પ્રથમ લગ્ન થકી તેમને ત્રણ દિકરીઓ હતી. તેમના પતિના મૃત્‍યુ બાદ તેણીએ ગાંધર્વ લગ્ન કર્યા હતાં. તેના થકી એક દિકરી અને દિકરો છે. પતિ જૂગાર રમવાની આદત ધરાવતા હોવાથી ૨૦૧૧ની સાલમાં તેણીએ છુટાછેડા લઇ લીધા હતાં અને સગીર પુત્રી-પુત્રનું ગુજરાન ચલાવવા માટે ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે લક્‍ઝરી બસના પાર્કિંગ પાસે પાણી-વેફરની કેબીન ચાલુ કરી હતી. પોતે ૧૪ વર્ષની દિકરી સાથે આ કેબીને બેસતાં હતાં. ગત તા. ૨૭મીએ બપોરે પુત્રી ખ્‍યાતીને કેબીને બેસાડી પોતે જમવા ગયા અને પરત આવ્‍યા ત્‍યારબાદ અઢી વાગ્‍યા આસપાસ બાથરૂમ જવાનું કહી દિકરી નીકળી ગઇ હતી. જે આજ સુધી પરત આવી નથી.

આ બારામાં ગૂમ થયાના ત્રણ દિવસ પછી અજાણ્‍યા શખ્‍સ સામે બી-ડિવીઝનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. મહિલાએ વધુમાં જણાવ્‍યું છે તેમની પુત્રી ગૂમ થયા પહેલા તેમની કેબીને અવાર-નવાર પાણી કે વેફર લેવાના બહાને ઇન્‍દોરનો સાજીદ ખાન નામનો શખ્‍સ તેમની દિકરીની મજાક મશ્‍કરી કરતો હતો. જે તે વખતે તેને ટપાર્યો પણ હતો. દિકરી ગૂમ થઇ એ દિવસથી આ છોકરો પણ ગૂમ હોય અને તેનો મોબાઇલ ફોન પણ બંધ હોઇ એ જ ભગાડી ગયાની દ્રઢ શંકા છે. ત્‍યારે બી-ડિવીઝન પોલીસ અને શહેર પોલીસ કમિશનરની મહત્‍વની બ્રાંચો સગીર દિકરીને હેમખેમ પરત લાવે તેવી આજીજી પ્રેમિલાબેને કરી છે. લવજેહાદની શંકા જગાવતાં આ કિસ્‍સાને પોલીસ ગંભીરતાથી લઇ પરિણામ લાવે તેવી માંગણી દોહરાવવામાં આવી છે.

(3:44 pm IST)