Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

દેશપ્રેમ અને સંવેદનાથી છલોછલ એકશનફુલ ગુજરાતી ફિલ્‍મ ‘ધમણ'

જેસ્‍સુ જોરદારની સફળ રજુઆત બાદ શિવમ જૈમિન એન્‍ટરપ્રાઇઝનું નવું નજરાણું : ર ડીસેમ્‍બરથી પડદા ઉપર રીલીઝ થવા જઇ રહેલ ‘ધમણ' માં સોલ્‍ઝર ગૌરવના પાત્રને ન્‍યાય આપતો આર્જવ ત્રિવેદી : કથા પટેલ રાશીની ભુમિકામાં : ટ્રેલર લોન્‍ચ થતા ૩ મિલિયનથી વધુ કલાપ્રેમીઓનો જબ્‍બર પ્રતિસાદ : ટીમ ‘અકિલા'ની શુભેચ્‍છા મુલાકાતે

રાજકોટ તા. ૨૫ : દેશની સરહદો પર ફરજ બજાવતા બજાવતા ઘર પરિવાર સાથે તાલમેલ જાળવી રાખતા એક સૈનિકની જીવનગાથા લઇને બનેલ ફિલ્‍મ ‘ધમણ' ર ડીસેમ્‍બરથી રીલીઝ થવા જઇ રહ્યુ છે.

‘અકિલા'ની શુભેચ્‍છા મુલાકાત દરમિયાન ફિલ્‍મમાં મુખ્‍ય પાત્ર નિભાવતા આર્જવ ત્રિવેદી અને કથા પટેલે જણાવ્‍યુ હતુ કે ગુજરાતી ફિલ્‍મોનો શીલશીલો હમણા સારો ચાલ્‍યો છે. જે રીતે દર્શકો ગુજરાતી ભાષાને પ્રેમ કરતા રહેશે તે રીતે કલાકારો અને ફિલ્‍મ મેકરો પણ વધુને વધુ સારી ગુજરાતી ફિલ્‍મો આપવા ઉત્‍સાહીત થતા રહેશે. વાત ‘ધમણ'ની કરીએ તો શિવમ જૈમિન એન્‍ટરપ્રાઇઝ દ્વારા નિર્મિત આ ફિલ્‍મ બોલીવુડને પણ ટકકર આપે તેવી એકશનફુલ છે. દીધડક સ્‍ટંટ સીન અને સંવાદો દર્શકોને સ્‍પર્શી જાય તે રીતે ઉમેરવામાં આવ્‍યા છે.

ત્રણેક ગીતો આવરી લેવાયા છે. જેમાં ‘વતન.. ' ગીત હિન્‍દીમાં છે. જયારે ‘ઘમ્‍મર ઘાઘરો' ઇશાની દવે અને કુશલ ચોકસીના સ્‍વરમાં છે. એવી જ રીતે ‘કહી દે..' ગીત સુરજ ચૌહાણ અને ક્રિશાની ગઢવીના સ્‍વરમાં કંડારવામાં આવ્‍યુ છે. મોટાભાગનું શુટીંગ રાજકોટમાં અને એકાદ ગીતનું શુટીંગ અમદાવાદમાં કરાયુ છે.

આ તકે ફિલ્‍મ નિર્માતા બોદર પરિવારના ભુપતભાઇએ જણાવેલ કે દેશપ્રેમ અને સંવેદના છલકાવતા આ ફિલ્‍મના ડાયલોગ ટ્રેલર લોન્‍ચ થતાની સાથે જ લોકોના મોઢે વસી ગયા છે. ખાસ કરીને ‘હિન્‍દુસ્‍તાનમાં રહેવું હોય તો વંદેમાતરમ બોલવું પડશે' ડાયલોગ લોકોને ખુબ સ્‍પર્શી ગયો છે.

જેસ્‍સુ જોરદારને મળેલી જોરદાર સફળતાથી પ્રેરાઇને ‘શિવમ જૈમિન એન્‍ટરપ્રાઇઝ' પ્રસ્‍તુત શોભના બોદર અને શિવમ ભુપત બોદર દ્વારા નિર્મિત આ ફિલ્‍મ વૃંદા બ્રહ્મભટ્ટ દ્વારા સહ નિર્માતા બંટી રાઠોડ લિખિત સંવાદોથી મઢેલુ છે. નયનરમ્‍ય સીનેમેટોગ્રાફી નસીમ અહેમદની છે. દિગ્‍દર્શક તરીકે રાજન આર વર્માએ કસબ અજમાવ્‍યો છે. મુવી એડીટર અંકિત એચ. બ્રહ્મભટ્ટ અને પ્રતિક એસ. પાટીલે સેવા આપી છે.

મુખ્‍ય અભિનય આર્જવ ત્રિવેદી અને કથા પટેલનો છે. ઉપરાંત જયેશ મોરે, અનંગ દેસાઇ, ભાવિની જાની, કિશન ગઢવીએ પણ કાબીલેદાદ અભિનયના ઓજશ પાથર્યા છે.

ઉલ્લેખનીય છે કે સોલજરની ભુમિકા કરી રહેલ આર્જવ ત્રિવેદી આ પહેલા છેલ્લો દિવસ, શુભારંભ, દુનિયાદારી, હેલ્લારો, શું થયું? જેવી ગુજરાતી ફિલ્‍મો અને બીગબુલ, મન્‍ટો જેવી હિન્‍દી ફિલ્‍મો કરી ચુકયા છે. જયારે કથા પટેલ ખાસ તો મોડેલીંગના ક્ષેત્રમાંથી આવી રહ્યા છે. ‘સ્‍વાગતમ' પ્રથમ ફિલ્‍મ કર્યા પછી ‘ધમણ' તેમનું બીજુ ફિલ્‍મ છે. અભિનય અને મોડેલીંગ ઉપરાંત ડાન્‍સ અને રેકી માસ્‍ટર તરીકેનું પણ સારૂ નોલેજ ધરાવે છે.

એમેઝોન પ્રાઇમ પર ટ્રેન્‍ડ કરી રહેલ ‘ધમણ' (ધ સેવિયર) ની ટીમે ‘અકિલા'ની શુભેચ્‍છા મુલાકાત લઇ મોભીશ્રી કિરીટભાઇના આશીર્વાદ મેળવ્‍યા હતા. તસ્‍વીરમાં ફિલ્‍મ નિર્માતા ભુપતભાઇ બોદર, મુખ્‍ય અભિનેતા આર્જવ ત્રિવેદી, અભિનેત્રી કથા પટેલ, ફિલ્‍મ એડીટર અંકિત બ્રહ્મભટ તેમજ પ્રચાર પ્રસાર ટીમના નિલેશભાઇ ખુંટ વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

પિતાના પગલે ફિલ્‍મ નિર્માતા તરીકે સફળ કેડી કંડારતા શિવમ બોદર

રાજકોટ : ભુપતભાઇ બોદર અને શોભનાબેન બોદરના શિવમ જૈમિન એન્‍ટરપ્રાઇઝ દ્વારા ‘દુખિયાના બેલી બાપા સીતારામ', ‘પાત્ર', ‘જેસ્‍સુ જોરદાર' જેવી સફળ ગુજરાતી ફિલ્‍મો ઉપરાંત છએક જેટલી મરાઠી ફિલ્‍મોનું નિર્માણ થયુ છે. ત્‍યારે પિતાના પગલે હવે શિવમ ભુપતભાઇ બોદરે પણ પ્રોડયુસર તરીકેની કારકીર્દીની શરૂઆત ફિલ્‍મ ‘ધમણ'થી કરી છે. સોશ્‍યલ મીડિયા પર રજુ થયેલ ટ્રેલર ૩ મિલિયનથી વધુ દર્શકોનો પ્રેમ જીતી ચુકયુ છે. ત્‍યારે આવુ રાષ્‍ટ્રપ્રેમથી છલકતુ અને સંવેદનાઓથી રસતરબોળ ગુજરાતી ફિલ્‍મ ‘ધમણ' તા. ૨ ડીસેમ્‍બરથી રીલીઝ થવા જઇ રહ્યુ હોય દર્શકોએ અચુક નિહાળવા શિવમભાઇ, ભુપતભાઇ અને શોભનાબેન બોદરે અનુરોધ કરેલ છે.

 

છ ભાષામાં ડબ થયુ હોય તેવુ આ પ્રથમ ગુજરાતી ફિલ્‍મ છે ‘ધમણ'

રાજકોટ : ‘અકિલા' સાથેની મુલાકાત દરમિયાન ભુપતભાઇ બોદરે જણાવ્‍યુ હતુ કે દેશદાઝ વ્‍યકત કરતુ ફિલમ ‘ધમણ' એવુ પ્રથમ ગુજરાતી ફિલ્‍મ છે કે જે છ ભાષાઓમાં ડબીંગ થયુ છે. ગુજરાતી ઉપરાંત તમીલ, તેલુગુ, કન્નડ, ભોજપુરી અને હિન્‍દી એમ છ ભાષાઓમાં ડબ થયુ છે. સંપુર્ણ પારિવારિક અને મનોરંજનથી ભરપુર રાષ્‍ટ્રપ્રેમથી છલકતી ફિલ્‍મ ‘ધમણ' દરેક દેશવાસીઓએ જોવાજેવી છે.

(4:08 pm IST)