Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

કાલે પ્રજાસત્તાક પર્વ : ચોમેર રાષ્ટ્રપ્રેમ છલકશે

છોડો કલકી બાતે કલકી બાત પૂરાની, નયે દોરપે લિખેંગે હમ મિલકર નયી કહાની, હમ હિન્દુસ્તાની : શાળા કોલેજોમાં ધ્વજ વંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો : વિવિધ સંસ્થાઓમાં પણ રાષ્ટ્રીય પર્વ ઉજવવા અનેરો થનગનાટ

રાજકોટ તા. ૨૫ : કાલે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ગૌરવભેર ઉજવણી કરાશે. આન, બાન અને શાનભેર તિરંગાને સલામી અપાશે. રાજકોટમાં પણ વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓમાં ધ્વજ વંદન સાથે દેશભકિતસભર સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા છે. પોલીસ, હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ થશે. રાષ્ટ્રીય પર્વ નિમિતે આયોજીત વિવિધ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

સેન્ટગાર્ગી સ્કુલ

અમીનુર ફાઉન્ડેશન અને સેન્ટ ગાર્ગી સ્કુલ દ્વારા કાલે તા.૨૬ ના ગુરૃવારે ૭૪ માં પ્રજાસત્તાક પર્વ નિમિતે સવારે ૧૧ વાગ્યે નહેરૃનગર ગાર્ડન, સદ્દગુરૃ તીર્થધામ કોમ્પલેક્ષ પાસે, રૈયા રોડ ખાતે ડે. પોલીસ કમિશ્નર શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલના હસ્તે ધ્વજ વંદન કરાશે. મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રિન્સીપાલ શ્રીમતી રમાબેન હેરમા, મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઇ હેરભા, અમીનુર ફાઉન્ડેશનના પ્રમુખ સૈયદ એજાજબાપુ બુખારી, રજાકભાઇ કારીયાણી, વકાર બ્લોચ સકલૈની તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે.

સફાઇ કામદાર જાગૃતિ મંડળ

 સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા કાલે પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનભેર ઉજવણી કરાશે. કાલે તા. ૨૬ ના ગુરૃવારે સવારે ૧૧ વાગ્યે સફાઇ કામદાર જાગૃતિ મંડળની ઓફીસ નં. ર, ડો. આંબેડકર ભવન, સીવીક સેન્ટર પાસ,ે ગ્રાઉન્ડ ફલોર, ઢેબર રોડ ખાતે પ્રજાસત્તાક પર્વની સીલ્વર જયુબેલીની ઉજવણી કરાશે.

લોહાણા સ્થાપિત મહિલા અધ્યાપન મંદિર

લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહ ટ્રસ્ટ, અધ્યાપન મંદિર, છાત્રાલય સ્વસ્તિક ભવન, કસ્તુરબા રોડ ખાતે કાલે પ્રજાસત્તાક પર્વ નિમિતે સવારે ૯ વાગ્યે અધ્યાપન મંદિરના આચાર્યશ્રી રશ્મિબેન આર. મજીઠીયાના હસ્તે ધ્વજ વંદન કરાશે. આ પ્રસંગે તાલીમાર્થી બહેનો, છાત્રાલયના બહેનો અને અંતેવાસી બહેનોને પ્રોત્સાહીત કરવા સંસ્થાના ઉપપ્રમુખ ધીમંતભાઇ ઘેલાણી, માનદમંત્રી રામકુમાર બરછા, ટ્રસ્ટી સરોજબેન બરછા, એડવાઇઝરી કમીટીના મેમ્બર શ્રીમતી અલ્પાબેન બરછા, શ્રીમતી જાગૃતિબેન ઘેલાણી, મેનેજર સંજયભાઇ જાદવ, આચાર્યશ્રી રશ્મિબેન મજીઠીયા તથા સ્ટાફગણ ઉપસ્થિત રહેશે.

વિજ્ઞાન જાથા અને

જીવનનગર વિકાસ સમિતિ

ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે કાલે ૨૬ મી જાન્યુઆરીના ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, વેશભુષા સહીતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. સવારે ૮.૩૦ વાગ્યાથી કાર્યક્રમો શરૃ થશે. સામુહીક સ્વચ્છતા, રોશની, રંગોળી સ્પર્ધા પણ થશે. તેમ વિજ્ઞાન જાથાના જયંત પંડયાની એક યાદીમાં જણાવાયુ છે.

(3:21 pm IST)