Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

માર્ચથી રાજકોટથી ગોવાની સીધી ફ્લાઈટ હવે મળી શકશે

રાજકોટવાસીઓ માટે સારા સમાચાર : ચાર દિવસ રાજકોટથી સીધી ગોવા ફ્લાઈટ, મોરબી અને જામનગર એર કનેક્ટિવિટી રાજકોટ એરપોર્ટ પર આધાર

રાજકોટ,તા.૨૫ : જો બધું ઠીક રહ્યું તો, માર્ચ મહિનાથી રાજકોટવાસીઓ સીધા ગોવા સુધી ઉડાન ભરી શકશે. પહેલી વખત હશે જ્યારે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટને સુંદર દરિયાકિનારા ધરાવતા ગોવા સાથે એર કનેક્ટિવિટી મળશે. માર્ચ મહિનામાં રાજકોટથી મુંબઈ સુધીની ફ્લાઈટમાં વધુ એકનો ઉમેરો થશે. એરપોર્ટના અધિકારીઓે કહ્યું કે, તેમને પુષ્ટિ મળી છે કે સ્પાઈસ જેટ માર્ચથી હૈદરાબાદ અને બીજી માર્ચથી મુંબઈ જવા માટે એક દૈનિક ફ્લાઈટ શરૂ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્પાઈસ જેટ દ્વારા માર્ચથી ગોવાની સીધી ફ્લાઈટ શરૂ કરવા અંગેની પણ એરપોર્ટ ઓથોરિટીને પુષ્ટિ મળી છે.

ખાનગી એરલાઈને રાજકોટ એરપોર્ટ પાસેથી પરવાનગી પણ લઈ લીધી છે. ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ ઉપડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પાઇસ જેટ દ્વારા માર્ચથી ગોવાની સીધી ફ્લાઇટ શરૂ કરવા અંગે એરપોર્ટ ઓથોરિટીને પણ સૈદ્ધાંતિક પુષ્ટિ મળી છે. સૌરાષ્ટ્રનું વ્યવસાય હબ હોવાથી, રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દેશના અન્ય મોટા શહેરોમાં વધુ સારી એર કનેક્ટિવિટીની માગ કરી રહ્યા છે. પહેલા, રાજકોટથી માત્ર દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ હતી. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માનવું છે કે, નવી ફ્લાઈટના ઉમેરાથી વેપાર તેમજ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પર્યટનને વેગ મળશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ કહ્યું કે, 'જૂનાગઢના ગીરની મુલાકાત લેતા પ્રવાસીઓ હવે અમદાવાદના બદલે રાજકોટ એરપોર્ટને મહત્વ આપશે.

(9:09 pm IST)