Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

રાજકોટ મહાપાલીકા ચૂંટણીઃ આપના પછાત વર્ગ સ્ત્રી ઉમેદવાર અલ્કાબેન ડાંગરે વાંધો લીધોઃ ભાજપના એક ઉમેદવારને ખોટી રીતે વિજેતા બનાવ્યા

ર૦૦પની ચૂંટણીનો દાખલો ટાંકયોઃ કલેકટર તંત્રના જવાબદારો કહે છેઃ કોઇ ખોટુ થયુ નથી, રીઝલ્ટ બરોબર જ જાહેર કરાયું છે : અલ્કાબેનને ભાજપના ચારેય ઉમેદવારો કરતા પણ ઓછા મતો મળ્યા છેઃ પરિણામમાં કોઇ ગેરરીતિ નથી કરાઇ

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, તેમાં વોર્ડ નં. ૪ ના પરીણામ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્કાબેન ડાંગરે કલેકટરને ફરીયાદ અરજી કરી વોર્ડ નં. ૪ ના ભાજપના ઉમેદવાર પરેશભાઇ પીપળીયાને જાણી જોઇને ખોટી રીતે વિજેતા જાહેર કર્યા છે, તે રીઝલ્ટ રદ કરી અમને અલ્કાબેનને વિજેતા જાહેર કરવા માંગણી કરતા કલેકટર તંત્રને દોડધામ થઇ પડી હતી.

તેમણે જણાવેલ કે મે મહિલા અનામત બેઠક ઉપર ઉમેદવારી કરેલ, મારી સામે ભાજપના કંકૂબેન ઉધરેજા લડતા હતા, આ વોર્ડમાં બે પુરૂષ અને એક મહિલા ઉમેદવારની જનરલ સીડ હતી, ભાજપના કંકૂબેનને ૧ર૪૭૪ મતો મળ્યા, તેમને મહિલા અનામતની બેઠક ઉપર સૌથી વધુ મતો મળ્યા આથી તેમને જનરલ ઉમેદવાર ગણવા જોઇએ, પણ એવુ ચૂંટણી અધિકારીએ કર્યુ નથી, અમને કંકૂબેન પછી બીજા ૭૯૮ર મત મળેલ છે, આથી અમને ઓબીસી સીટ ઉપર ચૂંટણી અધિકારીએ વિજેતા જાહેર કરવા જોઇએ.

અલ્કાબેન ડાંગરે ર૦૦પ ની વર્ષની ચૂંટણીનો દાખલો પણ પોતાની ફરીયાદ અને વાંધા અરજીમાં કલેકટર સમક્ષ દાખવ્યો છે, અને ભાજપના પરેશભાઇ પીપળીયાને ખોટી રીતે જાહેર કર્યાનંુ નોંધ્યું છે. આથી અમારી બંને અરજીના આખરી નિર્ણય નો થાય ત્યાં  સુધી રીઝલ્ટ અનામત રાખવા અલ્કાબેન ડાંગરે માંગણી કરી છે. તેમણે બીજી અરજીમાં વોર્ડ નં. ૪ નું રીઝલ્ટ જાહેર થયું છે, તેમાં વચગાળાનો મનાઇ હુકમ આપવા કલેકટરને અરજી કરી છે.

દરમિયાન આ બાબતે કલેકટર તંત્રની ચૂંટણી શાખાનો સંપર્ક કરતા ત્યાં હાજર અત્યંત અનુભવી અધિકારીએ 'અકિલા' ને જણાવેલ કે રીઝલ્ટ બરોબર છે, ભાજપના જે ઉમેદવાર જીત્યા તે પછાત વર્ગ સ્ત્રી અનામત બેઠક ઉપરથી જીત્યા છે, આપના ઉમેદવાર અલ્કાબેન ડાંગર એ બેઠક ઉપર લડયા છે, તે ઉપરાંત અલ્કાબેનને ભાજપના   અન્ય ત્રણેય ઉમેદવારો કરતા પણ ઓછા મતો મળ્યા છે, રીઝલ્ટમાં કોઇ ગેરરીતિ નથી થઇ, પરીણામ બરોબર જ જાહેર કરાયું છે.

(4:01 pm IST)