Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

મંગળવારે નરેન્‍દ્રભાઇ સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : રાજકોટમાં પણ કાર્યક્રમ

શહેરી - ગ્રામીણ આવાસ યોજના - સ્‍વચ્‍છ ભારત મિશન - પ્રધાનમંત્રી સ્‍વનિધિ - માતૃવંદન - અન્‍ન - મુદ્રા - જલજીવન યોજના આવરી લેવાઇ : કલેકટરે બેઠક યોજી : પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ ખાતે લાભાર્થીઓને લાવવા આદેશો

રાજકોટ, તા. ૨૬ : સમગ્ર દેશમાં તા. ૩૧ મેના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો સિમલા, હિમાચલ પ્રદેશથી લાભાર્થીઓ સાથે થનાર સીધા સંવાદનો વર્ચ્‍યુઅલ કાર્યક્રમ યોજાનાર છે. જેને અનુસંધાને કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી.
આ તકે જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્‍યું હતું કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ ખાતે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘણીની ઉપસ્‍થિતિમાં તા. ૩૧ મે ના રોજ પ્રધાનમંત્રીશ્રી દ્વારા લાભાર્થી સાથે સીધો સંવાદનો વર્ચ્‍યુઅલ કાર્યક્રમ યોજાનાર છે. જે અન્‍વયે પીએમ શહેરી અને ગ્રામીણ આવાસ યોજના, સ્‍વચ્‍છ ભારત મિશન, પ્રધાનમંત્રી સ્‍વનિધિ, પ્રધાનમંત્રી માતૃવંદન, ગરીબ કલ્‍યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, જલજીવન મિશન યોજના સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી સીધો સંવાદ કરશે.
આ કાર્યક્રમ અન્‍વયે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને કાર્યક્રમ સ્‍થળ પર લાભાર્થીઓને ઉપસ્‍થિત રાખવા માટે કલેકટરશ્રીએ આદેશ આપ્‍યા હતા. આ કાર્યક્રમના નોડલ ઓફિસરશ્રી તરીકે  નિયુક્‍ત કરેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક એન.આર.ધાધલ અને જિલ્લા આયોજન અધિકારીશ્રી ટોપરાણીને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે સંકલન સાધીને કામગીરી કરવા કલેકટરે જણાવ્‍યું હતું.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી એન.આર.ધાધલ, ડેપ્‍યુટી કમિશ્નરશ્રી નંદાણી, ડેપ્‍યુટી કલેકટરશ્રી બ્રિજેશ કાલરીયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી ટોપરાણી, જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી નિલેશભાઈ શાહ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા છે.

 

(12:02 pm IST)