Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વેરાવળ (શાપર)ની ઓલવેઇઝ ટેકનોકાસ્‍ટ પ્રા.લી.ના ડીરેકટરો સાકરીયા બંધુઓને ચેક રિટર્નના ૬ કેસોમાં એક-એક વર્ષની સજા

સજાના હુકમ સાથે ચેક મુજબની રકમનું વળતર ચુકવવા આદેશઃ કોર્ટનો મહત્‍વનો ચુકાદો

રાજકોટ તા. ર૬ : ઓલવેઇઝ ટેકનોકાસ્‍ટ પ્રા.લી.ના ડીરેકટર સંજયભાઇ ભગવાનજીભાઇ સાકરીયા તથા કીરીટભાઇ ભગવાનજીભાઇ સાકરીયા ઠે. સર્વે નં.૧૬૪, પ્‍લોટ નં. ૬, ઉષા મલ્‍ટી પેક પાછળ, એસ.આઇ.ડી.સી.મેઇન રોડ, વેરાવળ (શાપર)ના સામે સાઇલેક્ષ ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રા.લી.ના ડાયરેકટર અભયભાઇ મહેશકુમાર વાછાણીએ રાજકોટ કોર્ટમાં ચેક ડીસઓનર સબબ કુલ ૬ ફરીયાદ દાખલ કરેલ. તે ૬ ફરીયાદમાં સંજયભાઇ સાકરીયા તથા કીરીટભાઇ સાકરીયાને એક-એક વર્ષની જેલ સજા તથા ચેક મુજબની રકમ સંયુકત રીતે ફરીયાદીને ચુકવવા આદેશ કરેલ હતો.

ફરીયાદોની વિગત ધ્‍યાને લેવામાં આવે તો ફરીયાદી કોલોઇડલ સીલીકા નામના મટીરીયલના ઉત્‍પાદક છે અને રાજકોટમાં તેની રજીસ્‍ટર્ડ ઓફીસ આવેલ છે જયારે આ કામના તહોમતદાર વેરાવળ (શાપર) માં ઓલવેઇઝ ટેકનોકાસ્‍ટ પ્રા.લી.ના નામથી ફેરસ અને નોન-ફેરસ પ્રોસીઝન ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કાસ્‍ટીંગનું કામ કરે છે અને ફરીયાદી પાસેથી તા.૯/૩/૧૩ થી તા.૧૪/૬/૧૬ ના સમય દરમ્‍યાન ઉધાર માલની ખરીદી કરેલ છે અને ખાતાની રૂએ રૂા.૩,૧ર,૩૬૮ ફરીયાદીના બાકી લેણા રહેછે. તે ચુકવવાના બહાને તહોમતદારે ફરીયાદીની તરફેણમાં એકસીસ બેન્‍ક લી. ભકિતનગર શાખા, રાજકોટના રૂા.પ૦,૦૦૦ ના પાંચ ચેક તથા રૂા.૬ર,૨૩૮ નો એક ચેક એમ મળી કુલ ૬ ચેકસ ઇસ્‍યુ કરી આપેલ.

ઉપર્યુકત ઉલ્લેખેલ ચેકસની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેન્‍ક એકાઉન્‍ટમાં રજુ રાખતા સદરહુ ચેકસ ‘એકસીડ એરેન્‍જમેન્‍ટ'ના શેરા સાથે વગર વસુલાતે પરત ફરેલ. જેથી તહોમતદારોને કાયદાના પ્રબંધો મુજબ નોટીસ પાઠવવા છતાં ડીસઓનર થયેલ ચેકસ મુજબની રકમ ચુકવેલ ન હોય, રાજકોટ કોર્ટમાં આરોપીઓ સામે ને.ઇ.એકટ કલમ-૧૩૮ અન્‍વયે બેવર્ષની સજા તથા ચેકથી ડબલ રકમના દંડની સજાને પાત્ર ગુન્‍હા સબબ ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

કોર્ટમાં ફરીયાદ તરફે રજુઆત કરવામાં આવેલ છે કે આરોપીઓને કોર્ટના સમન્‍સ યોગ્‍ય રીતે બજી ગયેલ છે પરંતુ તેઓએ કોર્ટમાં હાજર રહેવા દરકાર કરેલ નથી. વિશેષમાં આરોપીઓ ઉપર વારંવાર વોરન્‍ટ કાઢવા છતાં તેઓ પોતાનો બચાવ જાતે કે વકીલ મારફત કરવા કોર્ટમાં હાજર રહેલ નથી અને કોર્ટનો સમય વેડફેલ છે. ફરીયાદી દ્વારા રજુ રાખવામાં આવેલ મૌખિક અને દસ્‍તાવેજી પુરાવાઓ સામે તહોમતદાર દ્વારા કોઇ ખંડનાત્‍મક પુરાવો રજુ રાખવામાં આવેલ નથી. જેથી ફરીયાદમાં માંગ્‍યા મુજબ ફરીયાદીને દાદ મળવી જોઇએ.

કોર્ટએ ફરીયાદીની દલીલ સાથે સહમત થઇ ઠરાવેલ છે કે, આરોપી કોર્ટમાં હાજર રહી કોઇ બચાવ લીધેલ નથી કે મૌખિક કે દસ્‍તાવેજી પુરાવાઓ રજુ રાખેલ નથી, નોટીસ બજવણી બાબતે કોઇ પુરાવો આપેલ નથી કે પોતાનો બચાવ કરવા માટે કોઇ સાહેદો તપાસેલ નથી ત્‍યારે કાયદાના પ્રબંધો મુજબ જયારે કોઇ વ્‍યકિત ચેક- નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રેમેન્‍ટ કોઇ ત્રાહિતને ઇસ્‍યુ કરી તેમાં સહી કરી આપતા હોય ત્‍યારે તે કાયદેસરના લેણા પેટે આપેલ હોય તેવું કોર્ટે અનુમાન કરવાનું  રહે છે અને તેનો ખંડનાત્‍મક પુરાવો ચેક આપનાર વ્‍યકિતએ આપવાનો રહે છે. પરંતુ હાલના કેસમાં આરોપીએ ખંડનાત્‍મક પુરાવો રેકર્ડ ઉપર લાવવામાં નિષ્‍ફળ નિવડેલ છે. જેથી આરોપી નં. ર,૩ ના કે જે પ્રાઇવેટ લી. કંપનીના ડાયરેકટર છે તેને દરેક કેસમાં એક-એક વર્ષની સાદી કેદની સજા તથા સંયુકત રીતે ચેક મુજબની રકમ ફરીયાદીને વળતર સ્‍વરૂપે આપવા આદેશ કરેલ છે અને આ રકમ એક માસની અંદર ચુકવવામાં નિષ્‍ફળ જાય તો વિશેષ ૬ મહિનાની સજાનો હુકમ ફરમાવેલ છે કોર્ટએ આ પ્રમાણેનો હુકમ ફરમાવતા ઉપરોકત બન્ને ડાયરેકટ સંજયભાઇ તથા કીરીટભાઇ સાકરીયાએ કુલ ૬ કેસ અનુસંધાને કુલ છ-છ વર્ષ જેલ સજા ભોગવવી પડે તેવા સંજોગો નિર્માણ થયેલ છે અને તે માટે બિનજામીન લાયક વોરન્‍ટ ઇસ્‍યુ કરી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.ઉપરોકત ૬એ ફરીયાદમાં ફરીયાદી વતી વિકાસ કે. શેઠ, એડવોકેટ તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ બ્રિજ શેઠ રોકાયેલ હતા.

(4:19 pm IST)