Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ગુજરાત ટાઇટન્‍સનો ઉત્‍સાહ વધારશે મનપાઃ કિશાનપરા ખાતે LED સ્‍ક્રીનમાં IPL ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ

આઇપીએલના ફાયનલમાં ગુજરાતની ટીમ પહોંચતા ડીજે સાથે રવિવારે આયોજનઃ લોકોને ઉમટી પડવા મેયર પ્રદિપ- સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલ તથા સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશ પીપળીયાનો અનુરોધ

રાજકોટ તા. ર૬: આઇપીએલ પૂર્ણતા તરફ છે અને રવિવાર તા. ર૯ના રોજ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમ ખાતે યોજાવાનો છે. પોઇન્‍ટ ટેબલમાં ટોચના સ્‍થાને રહેલ ગુજરાત ટાઇટન્‍સની ટીમે રાજસ્‍થાન રોયલ્‍સને એલીમીનેટર-૧માં હરાવી ફાઇનલમાં પોતાનું સ્‍થાન પાકુ કરતા સમગ્ર ગુજરાતના લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્‍યું છે.

મનપા દ્વારા પણ ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચતા વધામણા કરવાની સાથે ફાયનલ મેચ જોવાનું સમગ્ર રાજકોટ શહેરવાસીઓ માટે અનોખુ આયોજન કરવામાં આવ્‍યું છે.

મેયર ડો. પ્રદીપ ડવ અને સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલ તથા પરેશ પીપળીયાએ આયોજન અંગે માહિતિ આપતા જણાવેલ કે, ગુજરાત ટાઇટન્‍સની ટીમ પહેલીવાર આઇપીએલમાં રમી રહી છે અને ફાયનલમાં પણ પહોંચી જતા રવિવારના રોજ યોજાનાર ફાયનલ મેચના લાઇવ પ્રસારણનું LED સ્‍ક્રીન ઉપર ડીજેના તાલે જાહેર જનતા માટે કીશાનપરા ચોક ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે.

વધુમાં મેયર અને સ્‍ટેન્‍ડીંગ ચેરમેને રાજકોટની રંગીલી રમત ગમત પ્રેમી જનતાને રવિવારે સાંજથી જ ગુજરાત ટાઇટન્‍સનો મેચ નિહાળવા ખાસ આમંત્રણ પાઠવ્‍યું છે.

(3:13 pm IST)