Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

‘સલામત રાજકોટ'નો ધ્‍યેયઃ પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ

શહેરના ૨૭મા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા અધિકારીનું સરકિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનરથી સ્‍વાગત :કાયદો વ્‍યવસ્‍થા અને ટ્રાફિક અડચણોનું નિરાકરણ અગ્રતાક્રમે રહેશેઃ ૧૯૯૫ની બેચના ભાર્ગવ મુળ રાજસ્‍થાનના વતનીઃ બીએસી, એમએ, એમબીએ સુધીનો અભ્‍યાસઃ છેલ્લે ગાંધીનગર આર્મ્‍ડ યુનિટના એડીશનલ ડીજીપી હતાં

વેલકમઃ નવા પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવને સરકિટ હાઉસ ખાતે એડીશનલ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદે પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી આવકાર્યા હતાં. એ પછી તેમણે ગાર્ડ ઓફ ઓનર જીલ્‍યુ હતું.  નીચેની તસ્‍વીરોમાં શ્રી ખુરશીદ અહેમદ દ્વારા રાજકોટના અધિકારીઓની ઓળખવિધી કરવામાં આવી હતી (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૬: શહેરના ૨૭મા પોલીસ કમિશનર તરીકે આજે નવા અધિકારીએ ચાર્જ સંભાળી લીધો છે. તત્‍કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની વિવાદો બાદ બદલી થયા પછી પોણા ત્રણ મહિના સુધી ખાલી પડી રહેલી આ જગ્‍યા પર ૧૯૯૫ની બેચના આઇપીએસ અને છેલ્લે ગાંધીનગર આર્મ્‍ડ યુનિટના એડીશનલ ડીજી તરીકે ફરજ બજાવનારા શ્રી રાજુ ભાર્ગવએ તેમના હોદ્દાનો ચાર્જ સંભાળતાની સાથે જ રાજકોટ શહેરની જનતાને સંદેશો આપ્‍યો છે કે ‘સલામત રાજકોટ'નું અમારું ધ્‍યય રહેશે. શહેરમાં કાયદો, વ્‍યવસ્‍થા અને ટ્રાફિકના પ્રશ્નોને અગ્રતા અપાશે. શહેરની જનતાના સહયોગથી જ પોલીસ સારુ કામ કરી શકશે. આ માટે જનતાનો સહયોગ ખુબ જરૂરી છે.
શ્રી રાજુ ભાર્ગવનું સરકિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનરથી અદકેરૂ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેમણે મિડીયા સાથે વાતચીત કરતાં જણાવ્‍યું હતું કે-મારી નિમણુંક રાજકોટના પોલીસ કમિશનર તરીકે થઇ છે તે બદલ હું સરકારનો આભારી છું. જે આશા સાથે મારી નિમણુંક થઇ છે તે મુજબની કામગીરી અમે કરીને બતાવીશું. રાજકોટની પ્રજાનો પણ અમે સહયોગ ઇચ્‍છીએ છીએ. શહેર પર આવી પડતાં પડકારોનો પ્રજાના સહકારથી ઉકેલ લાવવા પોલીસ કટીબધ્‍ધ રહેશે. અમારી પ્રાથમિકતા કાયદો અને વ્‍યવસ્‍થા જાળવી રાખવાની છે. આગામી દિવસોમાં ચૂંટણી આવવાની છે તે વખતે પણ કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે પોલીસ તૈયાર રહેશે.
રાજકોટ શહેરની ગુનાખોરી, પરિસ્‍થિતિઓને સમજવામાં મને થોડો સમય લાગશે. એ પછી કાયદો વ્‍યવસ્‍થા અને ટ્રાફિકનો મોટો પડકાર રહે છે તેનો પણ ઉકેલ લાવીશું. હાલમાં નવા નવા બ્રીજ બની રહ્યા છે એ કારણે પણ ટ્રાફિકનો પ્રશ્ન ગુંચવણભર્યો બન્‍યો છે. નવા ડીસીબી પોલીસ સ્‍ટેશન, સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના બિલ્‍ડીંગનું આગામી ૨૯મીએ ઉદ્દઘાટન છે તેમાં મંત્રી અરવિંદ રૈયાણી મુખ્‍ય અતિથી છે. એ દિવસે ૧૨:૪૦ કલાકે કેન્‍દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ વર્ચ્‍યુઅલી જોડાશે અને ઉદ્દઘાટન કરશે.
શ્રી ભાર્ગવએ અગાઉ શહેર પોલીસની છબી ખરડાઇ છે તેને સુધારવા શું કરશો? તેવા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે હું પહેલા રાજકોટની તાસીર સમજી લઉ પછી પ્‍લાન બનાવી તમામ પ્રશ્નોના નિરાકરણનો પ્રયત્‍ન કરીશ અને પોલીસનું મોરલ અવ્‍વલ રહે તે માટે સતત પ્રયત્‍નશીલ બનીશ. રાજકોટવાસીઓ માટે સંદેશો આપતાં તેમણે કહ્યું હતું કે-જેટલો બને એટલો પોલીસને સહકાર આપો. પોલીસ તમારા માટે જ છે અને જેટલા સહકાર અને સહયોગથી કામ થશે એટલુ સારુ કામ અમે કરીને બતાવીશું.
નોંધનીય છે કે અગાઉના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરૂધ્‍ધ સખીયા બંધુએ પંચોતેર લાખના તોડનો આક્ષેપ કરતાં અને ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલે ગૃહમંત્રીને પત્ર લખી ખળભળાટ મચાવતાં ગૃહવિભાગે એડિશનલ ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપી હતી. તેનો રિપોર્ટ થયા બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ૨૮ ફેબ્રુઆરીએ જુનાગઢ ચોકી ખાતે એસઆરપીના પ્રિન્‍સીપાલ તરીકે બદલી થઇ હતી. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચના તત્‍કાલીન પીઆઇ, પીએસઆઇ, એસઓજી પીઆઇ, પીએસઆઇ સહિતનાની બદલીના ઘાણવા પણ નીકળ્‍યા હતાં. જેમાં પીઆઇ સહિત ત્રણ સસ્‍પેન્‍ડ પણ થયા હતાં.
પોલીસ કમિશનર અગ્રવાલે તા. ૨ માર્ચના રોજ ચાર્જ છોડી દીધો હતો. એ પછી તેમની જગ્‍યાએ ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર તરીકે શ્રી ખુરશીદ અહેમદે ચાર્જ સંભાળ્‍યો હતો. હવે પાણા ત્રણ મહિના બાદ પોલીસ કમિશનર તરીકે શ્રી રાજુ ભાર્ગવએ આજે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની છે અને ૧૯૯૫ની બેચના અધિકારી છે. તેમને બીએસસી, એમએ (ઇકોનોમિક્‍સ), એમીબીએ સુધીનો અભ્‍યાસ કર્યો છે. છેલ્લે તેઓ ગાંધીનગર ખાતે આર્મ્‍ડ યુનિટના એડિશનલ ડીજીપી તરીકે ફરજ બજાવતાં હતાં. તેમણે એડિશનલ ડીજીપી (ટેકનીકલ સર્વિસ અને એસસીઆરબી)નો વધારાનો ચાર્જ પણ સંભાળતા હતાં. આ ચાર્જ હવે ૧૯૯૬ની બેચના આઇપીએસ પ્રફુલકુમાર રોશનને સોંપાયો છે.
સરકિટ હાઉસ ખાતે શ્રી ભાર્ગવનું ગાર્ડ ઓફ ઓનરથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતુ. આ તકે એડીશનલ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદે પુષ્‍પગુચ્‍છ આપી શ્રી ભાર્ગવનું સ્‍વાગત કર્યુ હતું. એ પછી તેમણે ગાર્ડ ઓફ ઓનર જીલી હતી. ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી પી. કે. દિયોરા, એસીપી એચ. એલ. રાઠોડ, એસીપી એસ. આર. ટંડેલ, એસીપી ટ્રાફિક વી.આર. મલ્‍હોત્રા, એસીપી હેડક્‍વાર્ટર એસીપી બારીયા, ક્રાઇમ  બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા, એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા અને તમામ પોલીસ સ્‍ટેશન, બ્રાંચના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

 

(3:34 pm IST)