Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જુના યાર્ડમાં બકાલા વિભાગમાંથી ૧.૭૦ લાખની ચોરીનો ભેદ ખુલ્‍યોઃ સગીર પકડાયો

એક વાર મોટી રકમ મળતાં બીજીવાર હાથફેરો કરવા આવ્‍યો પણ પકડાઇ ગયો : બી-ડિવીઝન પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ કે. ડી. મારૂ અને ટીમે મોરબી જીલ્લાના સગીરને પકડયોઃ ૧ લાખની રોકડ કબ્‍જેઃ ૭૦ હજાર મોજશોખમા ઉડાવ્‍યા

રાજકોટ તા. ૨૬: જુના માર્કેટ યાર્ડમાં દોઢેક મહિના પહેલા શાકભાજી વિભાગની એક પેઢીના કબાટમાંથી રોકડા રૂપિયા ૧ લાખ ૭૦ હજાર તથા બેંકની ચાર ચેક બૂક, પર્સ સહિતની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ બી-ડિવીઝન પોલીસે ઉકેલી મોરબી જીલ્લાના એક સગીરને પકડયો છે. તે રાજકોટ ક્રિકેટ રમવા આવતો હતો અને બાદમાં યાર્ડમાં નાસ્‍તો કરવા કે જમવા આવતો જતો હોઇ શાકભાજી વિભાગની પેઢીમાં વેપારી આડાઅવળા થાય ત્‍યારે છુટક રકમ ચોરી લેતો હતો. ૧.૭૦ લાખ જ્‍યાંથી ચોર્યા ત્‍યાંથી અગાઉ પણ છુટક રકમ ઉઠાવી ગયો હતો પણ ત્‍યારે વેપારીએ ફરિયાદ કરી નહોતી. આ સગીર બીજીવાર હાથફેરો કરવા આવતાં તેને પકડી લેવાયો છે.

વિગત એવી છે કે કુવાડવા રોડ લાલપરી-૪માં રહેતાં મહેશભાઇ વિનોદભાઇ તલસાણીયાની યાડમાં શાકભાજી વિભાગમાં કમિશન એજન્‍ટ તરીકેની પેઢી હોઇ તા. ૧૩/૩ના રોજ તેમાં આવેલા કબાટથી રોકડ સહિતની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા બી-ડિવીઝન પોલીસની ટીમ મહેનત કરી રહી હતી ત્‍યારે પીએસઆઇ કે. ડી.મ ારૂ અને ટીમને માહિતી મળી હતી. તેના આધારે સગીરને પકડી લઇ યુક્‍તિ પ્રયુક્‍તિથી પુછતાછ કરતાં તેણે દોઢ મહિના પહેલા યાર્ડની પેઢીમાંથી ચોરી કર્યાનું કબુલ્‍યું હતું.

પોલીસે તેની પાસેથી ૭૦ હજારનું બાઇક અને ૧,૦૩,૦૦૦ રોકડા કબ્‍જે કર્યા છે. બાકીના ૭૦ હજારમાંથી નવા કપડા ખરીદ કર્યાનું અને મિત્રો સાથે મોજશોખમાં ઉડાવી દીધાનું તેણે રટણ કર્યુ છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી એમ. આર. શર્માની સુચના અંતર્ગત પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ કે. ડી.મારૂ, હેડકોન્‍સ. અજયભાઇ બસીયા, લાલજીભાઇ હાડગડા, કોન્‍સ. જયદિપસિંહ બોરાણા, પોપટભાઇ ગમારા, વિનોદભાઇ પરમાર અને હેમેન્‍દ્રભાઇ વાધીયાએ આ કામગીરી કરી હતી.

(12:16 pm IST)