Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જનસેવા કેન્‍દ્રો અંગે ફરીયાદો બાદ કલેકટરનો મહત્‍વનો નિર્ણયઃ જનસેવામાં વધારાના ટેબલો મૂકાશેઃ હેલ્‍પ ડેસ્‍ક બનશે

કલેકટર દ્વારા સીટી પ્રાંત ૧-ર સાથે ચર્ચા બાદ નિર્ણયઃ ઇ-ધરાને અલગ જગ્‍યાએ શીફટ કરાશે...

રાજકોટ તા. ર૬: તાજેતરમાં મામલતદાર કચેરીઓના જન સેવા કેન્‍દ્રોમાં લોકોના કામો થતા નથી, અરજદારોને ધકકા થાય છે, આવી ધારાસભ્‍યો અને અન્‍યોની ફરીયાદો બાદ રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ રાજકોટ શહેરના તમામ જનસેવા કેન્‍દ્રો અંગે સીટી પ્રાંત-૧ અને ર ની મીટીંગો બોલાવી તમામ સ્‍થિતિની વિગતો જાણી હતી.

આ પછી કલેકટરે મહત્‍વના નિર્ણયો લઇ તે પ્રમાણે કાર્યવાહી ૧પ દિ'માં શરૂ કરી દેવા પ્રાંત અધિકારીઓને સુચના આપી છે.

કલેકટરે લીધેલા નિર્ણયો મુજબ જનસેવા કેન્‍દ્રોમાં હવે વધારાના ટેબલો મૂકી કલેકટર કચેરીમાંથી અલગથી સ્‍ટાફ ફાળવાશે, તે ઉપરાંત હેલ્‍પ ડેસ્‍ક પણ બનાવાશે.

અધીકારી સૂત્રોએ જણાવેલ કે દરેક કેન્‍દ્રમાં કલેકટર પોતે ફર્નીચર આપશે, જેથી ઝડપી કાર્યવાહી થઇ શકે.

આ ઉપરાંત ઇ-ધરાને નવી જગ્‍યાએ શિફટ કરાશે ચોમાસા પહેલા બે જગ્‍યાઓ પસંદ કરી પૂર્વ મામલતદારની ઉપર અથવા રાજકોટ ગ્રામ્‍યની જગ્‍યાએ ખસેડાશે તેમ તમામ કેન્‍દ્રોનું રેકર્ડ રૂમ અદ્યતન બનાવવા નિર્ણય લેવાયો હતો. અધીકારીઓએ ઉમેર્યું હતું કે, અરજદારોને તકલીફ ઓછી પડે તેવી વ્‍યવસ્‍થા કરવા કલેકટરશ્રીએ સુચના આપી છે.

(3:40 pm IST)