Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પ્રજાના કામો પારદર્શી - ઝડપી - ગુણવત્તાયુકત બનાવો

કુલ ૬ કરોડથી વધુના કામો મંજૂર કરાયા : જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

રાજકોટ તા. ૨૬ : રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક  કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે વિવિધ વિકાસ કામોને મંજૂરી આપતા અધિકારીઓને સૂચન કરતા કહ્યું હતું કે,પ્રજાલક્ષી પાયાના વિકાસ કામો પારદર્શી રીતે, ઝડપથી અને ગુણવત્ત્।ાયુકત રીતે થાય તે સંબંધિત અધિકારીઓએ સુનિશ્યિત કરવાનુ રહેશે.

રાજયના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત ચાલી રહેલા વિવિધ જોગવાઇઓ હેઠળના વિકાસકામો, બાકી રહેલા તાલુકાઓની નવી દરખાસ્ત તથા હેતુફેર, સ્થળફેર, કામો રદ કરવા આવેલ દરખાસ્તો વગેરે અંગે આ બેઠકમાં પરામર્શ કર્યો હતો. તેમજ જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. 

આ બેઠકમાં રાજકોટ જિલ્લાના વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇ હેઠળની વર્ષ ૨૦૨૩-૨૪ માટેના બાકી રહેલા તાલુકાઓની નવી દરખાસ્તો મંત્રીશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જેમાં પડધરી તાલુકામાં રૂ.૧૨૫ લાખના ખર્ચ થનારા ૩૬ કામોની દરખાસ્તોને, કોટડા સાંગાણી તાલુકામાં રૂ.૧૦૦ લાખના ખર્ચે થનારા ૩૫ કામોની દરખાસ્તોને,  વિછિયા તાલુકામાં રૂ.૧૨૫ લાખના ખર્ચે થનારા ૫૭ કામોની દરખાસ્તોને, જસદણ તાલુકામાં રૂ.૧૨૫ લાખના ખર્ચે થનારા ૫૦ કામોની દરખાસ્તોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાના રૂ. ૧૫૨.૭૫ લાખના ખર્ચે થનારા ૩૧ કામોના આયોજન મંજૂર કરાયા હતા.

કલેકટરશ્રી પ્રભવ જોષીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. બેઠકનું જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.કે.બગિયાએ સંચાલન કર્યુ હતું.આ તકે સાંસદશ્રી રામભાઈ મોકરીયા અને મોહનભાઈ કુંડારિયા,  ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર,  નગરપાલિકા નિયામકશ્રી ઘીમંત વ્યાસ, નિવાસી અધિક કલેકટર શ્રી એસ. જે. ખાચર, પ્રાંત અધિકારી સર્વશ્રી જે.એન.લિખિયા, વિવેક ટાંક,  સંદીપકુમાર વર્મા, ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)