Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સદ્ભાવના વૃધ્ધાશ્રમના ભૂમિ-પૂજનમાં દેશભરનાં શ્રેષ્ઠીઓ પધારશે

ભારતનો સૌથી મોટો વૃધ્ધાશ્રમ ત્રણ વર્ષમાં નિર્માણ થઇ જશે : વિજયભાઇ ડોબરિયા : ૭૦૦ રૂમ, ૧૦ લાખ સ્કવેર ફૂટનું બાંધકામ થશે : જૈન વૃધ્ધાશ્રમ અલગ બનશે : ૩૦ એકર ભૂમિ પર વિરાટ આયોજન : રવિવારે ભવ્ય ભૂમિ પૂજન સમારોહ

પત્રકાર પરિષદની તસ્વીરમાં સદ્ભાવના પ્રમુખ વિજયભાઇ ડોબરિયા, મિતલભાઇ ખેતાણી, ધીરૂભાઇ કાનાબાર, પ્રતાપભાઇ પટેલ, રાજેશભાઇ રૂપાપરા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)

રાજકોટ તા. ૨૬ : વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૫૦૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે.

સદ્ભાવના સંસ્થા દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિજયભાઇ ડોબરિયાએ જણાવ્યું હતું કે, જામનગર રોડ પર ભારતનો સૌથી મોટો વૃધ્ધાશ્રમ બનશે.

રાજકોટમાં દેશનો મોટો ૭૦૦ રૂમનો વૃદ્ઘાશ્રમ બનશે

એકસાથે ૨૧૦૦ પથારીવશ બીમાર વૃદ્ઘોને આશરો આપી તેની સાર - સંભાળ લઈ સારવાર કરાશે. દેશના કોઈ પણ ખૂણે નિરાધાર વૃદ્ઘ લાચાર, પથારિવશ વૃદ્ઘોને હવે આગામી સમયમાં રાજકોટ ખાતે આશરો મળવાની સાથે યોગ્ય સારવાર પણ મળી રહેશે. રાજકોટમાં સદભાવના વૃદ્ઘાશ્રમ દેશનો સૌથી મોટો વૃદ્ઘાશ્રમ બનશે. જેમાં ૭૦૦ રૂમ બનાવવામાં આવશે. આવા વડીલોને આશરો મળવાની સાથે સાથે તેની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. એકસાથે ૨૧૦૦ વડીલોને આશરો આપવામાં આવશે. સદભાવના વૃદ્ઘાશ્રમના સંચાલકો જણાવે છે કે આખો પ્રોજેકટ કુલ રુ.૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. કુલ ૭ ટાવર હશે.

અહી આશરો લેતા વડીલોનું સન્માન જળવાઈ રહે તે માટે  એક નવો જ અભિયાન રાખ્યો છે. જેના માટે કહીએ છીએ કે, અમારે માવતર જોઈએ છે,રવિવારે આ વૃદ્ઘાશ્રમનું ભૂમિપૂજન છે. જેમાં મોરારિબાપુ સહિતના સંતો-મહંતો હાજર રહેશે. સદભાવના વૃદ્ઘાશ્રમનું નાનકડું સેવા વિચારબીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. સંવેદનાના સિચનઠિ હવે એ વટવૃક્ષમાંથી ભર્યુંભાદર્યું વૃંદાવન બનાવવાનું આ અભિયાન છે. સેવા યજ્ઞની વિશાળ વેદીને આકાર આપતી ઘટનાની ઘડી એટલે 'સદભાવના વૃદ્ઘાશ્રમ'ના નવનિર્માણની ભૂમિનું પવિત્રીકરણ કરવાનો મંગળ અવસર. તારીખ ૨૮-૦૫-૨૦૨૩ અને રવિવારના દિવસે, સવારે ૮.૩૦ વાગ્યાના શુભ સમયે. સદભાવના વૃદ્ઘાશ્રમ (રાજકોટ જામનગર હાઇ-વે,રામપર,રાજકોટ)ના અલોકિક સંકૂલનું ભૂમિપૂજન નિર્ધારવામાં આવ્યું છે. આ કલ્યાણકારી પ્રસંગે સૌને ઉપસ્થિત રહીને સેવાયજ્ઞના સાક્ષી અને સહયોગી બનવા જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

જૈન સમાજના વડીલોને જૈન ભોજન મળી રહે તેને કોઈ મુશ્કેલિ ના પડે નહિ માટે કુલ ૭ ટાવરમાંથી એક ટાવર માત્ર જૈન સમાજ માટે જ રાખવામાં આવશે. જયાં જૈન સમાજના જ વડીલોને આશરો આપવામાં આવશે. આ ઉપરાંત તેમા દેરાસર પણ બનાવવામાં આવશે. જેથી કરીને વડીલોની સુવિધા માં વધારો થાય. સંચાલકોનાં  જણાવ્યાનુસાર સામાન્ય રીતે જૈન સમાજના વડીલોની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની વયસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો છે. વયસ્થા તમામ લોકો એક પરિવારની જેમ રહી શકશે તેમ સંચાલકે જણાવ્યું છે.

સદભાવના વૃદ્ઘાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં ૧૦ જિલ્લાઓમાં ૨૦ લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયો છે. આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતમાં ૨૦ કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ગુજરાત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ઘાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે.  સાથોસાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે. જેને ખૂબ ટૂંકા સમયમાં ૨૦,૦૦,૦૦૦ વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે, મિયાવાકી જંગલ સ્વરૂપે કરાયું છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. સદભાવના વૃધ્ધાશ્રમનું 'ધ ગ્રીન મૈન' તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બન્નેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. વિજયભાઈ ડોબરીયાનાં માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે. સંસ્થા હાલ ૨૫૦ ટ્રેકટર, ૨૫૦ ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી ૭૦૦ લોકોનો પગારદાર સ્ટાફ આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અંદાજીત બાવન કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે માટે રાજય સરકારે 'ધ ગ્રીન મેન' વિજયભાઈ ડોબરીયાનું 'વન પંડીત' એવોર્ડથી સન્માન પણ કર્યુ હતું.

સંસ્થાએ એક અનોખી પ્રવૃત્ત્િ।નો આરંભ કરીને, તદ્દન નવો ચીલો ચાતર્યો છે. એ પ્રવૃત્ત્િ। એટલે 'બળદ આશ્રમ' એટલે કે બળદો માટેનો આશ્રમ. ગૌવંશનું હિત જોનારી આપણી સંસ્કૃતિમાં ગાયોની માવજત, સારવાર અને સેવા તો સહુ કરે છે. પણ બળદો પ્રત્યે સમાજમાં સંપૂર્ણપણે દુર્લક્ષ્ય સેવાતું જોવા મળ્યું છે. ત્યારે સંસ્થા દ્વારા ખાસ નોધારા, અશકત અને બીમાર બળદો માટે 'બળદ આશ્રમ' બનાવવાની પહેલ કરવામાં આવી. સંસ્થાના આ નવા પરિમાણથી, આજ સુધી તરછોડાયેલી સ્થિતિ પામેલા ગૌવંશના અબોલ જીવને બચાવવાની ખેવના સાકાર થઇ રહી છે. સંસ્થાનાં આ નવતર પ્રયાસ થકી અત્યારે ૭૦૦ જેટલા બળદો સંસ્થાના આશ્રિત છે. જયારે સંસ્થાનું લક્ષ્ય ૧૦,૦૦૦ બળદોને આશરો આપવાનું છે.

સદભાવના વૃદ્ઘાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં સૌથી મોટું પીપળાનું વાવેતર રાજકોટ પાસેનાં વાગુદડ ગામમાં થઈ ગયું છે. જે જંગલમાં ૫૦૦૦ પીપળાનાં આશરે ૧૨ ફૂટનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે તથા આ તમામ ઝાડનાં રક્ષણ માટે ૯ ફૂટ ઉચી ફેન્સીંગ કરવામાં આવી છે. રાજકોટ શહેરની નજીક આવેલું એક નાનકડું વાગુદડ ગામ આજે સમગ્ર ભારતમાં ઉદાહરણ રૂપ બની ગયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કોઈએ પણ આવું મોટું પીપળાનું જંગલ કયારેય પણ ઉભું કરેલ નથી.

પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને સદભાવના ધામ અંગેની માહિતી, ભાવિ ઉદ્દેશો અને આયોજનોની સ્પષ્ટતા સંસ્થાના યુવા પ્રમુખ વિજયભાઈ ડોબરીયાએ આપી હતી. જાણીતા ઉદ્યોગપતિ - દાતા પ્રતાપભાઈ પટેલે વિશેષ માહિતી આપી હતી, પ્રેસ કોનફરન્સની આભાર વિધિ ધીરૂભાઈ કાનાબારે અને સંચાલન મિત્તલ ખેતાણીએ કર્યું હતું.

(3:59 pm IST)