Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રૈયાધારના વેપારીઓને ગ્રાહકના સ્‍વાંગમાં આવતા લુખ્‍ખાઓનો ત્રાસ : પોલીસ સામે પણ વ્‍યકત કર્યો રોષ

પોલીસ કમિશ્નર વેપારીઓને શાંતિથી ધંધો કરી શકે તેવું સલામત વાતાવરણ પુરૂ પાડે

રૈયાધાર વિસ્‍તારના રાણીમા-રૂડીમાં રોડ ઉપર વ્‍યાપાર કરતા ધંધાર્થીઓને આ વિસ્‍તારના લુખ્‍ખાઓનો લાંબા સમયથી ત્રાસ હોવાની ફરીયાદો આજે એકઠા થયેલા વેપારીઓએ માધ્‍યમો સમક્ષ ઠાલવી પોલીસ કમિશ્નર ભાર્ગવ તેમને શાંતિથી ધંધો કરી શકે તેવું સલામત વાતાવરણ પુરૂ પાડે તેવી લાગણી-માંગણી વ્‍યકત કરી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ર૬: રામદેવ પીર ચોકડીથી રૈયાધાર જતા રાણીમા-રૂડીમાં રોડ ઉપરના વેપારીઓ પાસે ગ્રાહક બનીને આવતા લુખ્‍ખાઓ ખોટી એટ્રોસીટીની ફરીયાદની ધમકી આપી અવારનવાર હજારોનો તોડ કરતા હોવાની અને બાકી-ઉધારી ચુકવતા નહિ હોવાની ફરીયાદો ઉઠી છે. ચોક્કસ તત્‍વો સાથે મળીને પોલીસ માથે રહી તોડ કરાવતી હોવાના આક્ષેપો પણ કેટલાક વેપારીઓએ કરી ન્‍યાય માટે માધ્‍યમો સમક્ષ  રોષ ઠાલવ્‍યો હતો.

એક વેપારી સાથે ઝઘડો કરી પ્રોટેકશન મની માંગતા લુખ્‍ખાઓનો વિડીયો વાયરલ થયા બાદ આજે સવારે આ વિસ્‍તારના એક પછી એક પચાસેક વેપારીઓ એકઠા થઇ ગયા હતા અને છેલ્લા એક વર્ષ દરમિયાન પોતપોતાની સાથે બનેલી આવી ઘટનાઓની વિતક વર્ણવી હતી. જે વેપારી સાથે માથાકુટનો વિડીયો વાયરલ થયો હતો તેણે જણાવ્‍યું હતું કે, નરશી મનસુખભાઇ ચૌહાણ નામનો શખ્‍સ મારી કરીયાણાની દુકાનેથી ચીજવસ્‍તુઓ ઉધારમાં ખરીદી ગયો હતો.  મેં ઉઘરાણી કરી એટલે મારી સાથે ઝઘડો કરી પોલીસમાં ખોટી એટ્રોસીટીની ફરીયાદ કરવા ધમકીઓ આપી હતી. જેના અનેક સાક્ષીઓ છે. ગયા સપ્‍ટેમ્‍બર માસમાં આ શખ્‍સે જ મારી સાથે આવી જ રીતે ખોટી માથાકુટ કરી એટ્રોસીટીની ધમકી આપી સમાધાનના બહાને  ૬૦ હજાર જેવડી મોટી રકમ પડાવી હતી. અમે સવારથી રાત સુધી મહેનતથી વેપાર કરતા મધ્‍યમ કક્ષાના વેપારીઓ છે. અમને માથાકુટ કરવી પણ પાલવે નહિ અને ખોટી રીતે નાણા ચુકવવા પણ પાલવે નહિ.

બીજા એક વેપારીએ પોલીસ ઉપર આક્ષેપ કરતા કહયું કે, આ વિસ્‍તારના ચોક્કસ કોમના લુખ્‍ખાઓ વેપારીઓને યેનકેન પ્રકારે હેરાન કરે છે.  મારી સાથે ખોટી રીતે અકસ્‍માત સર્જી ફરીયાદનો ત્રાગડો રચી પોલીસ સાથે મીલીભગતથી તોડ કરવામાં આવ્‍યો હતો. એક વેપારીના પત્‍નીએ તો ત્‍યાં સુધી જણાવ્‍યું કે રાત્રે અમારા પતિ ઘેર ન આવે ત્‍યાં સુધી ફફડાટ રહે છે. કારણ કે,  આવા તત્‍વો અવારનવાર ધમકીઓ આપતા હોવાથી સતત ભય રહે છે. આ વિસ્‍તારમાં ગેરકાયદે દારૂનો બેફામ ધંધો આ તત્‍વો જ પોલીસ સાથે મળી કરતા હોવાથી તેમની સાંઠગાંઠ સ્‍વભાવીક છે. રૈયાધારમાં શાંતિથી ધંધો કરવો કપરો બની ગયો છે. ખોટી ફરીયાદોના સંજોગોમાં પોલીસે વેપારીઓને સાથ આપવો જોઇએ. પરંતુ તેનાથી ઉલ્‍ટુ પોલીસ જ વેપારીઓને ગુન્‍હો નોંધાશે તો હેરાન થઇ જશો તેવી આડકતરી બીક બતાવી આવા તત્‍વો સાથે મળી અમારી પાસેથી સમાધાનના નામે પૈસા પડાવે છે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અમને ન્‍યાય અપાવે અને ધંધો કરવા શાંતિનું વાતાવરણ પુરૂ પાડે તેવી અમારી માંગણી છે.

(4:11 pm IST)