Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કોઠારીયા રોડ પર ગેરકાયદે કોમર્શીયલ બાંધકામઃરજૂઆત

વોર્ડ નં. ૧૬ માં પુનીત સોસાયટીના રહેવાસીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલા નહી

રાજકોટ તા. ર૬ :.. શહેરના વોર્ડ નં. ૧૬ ના કોઠારીયા રોડ ખાતે સુતા હનુમાનવાળી શેરીમાં આવેલ પુનિત સોસાયટી નવદુર્ગા ૩૦ ફુટના રોડ તરીકે ઓળખાતા રહેણાંક વિસ્‍તારમાં ગેરકાયદે કોમર્શીયલ બાંધકામ તથા ધમધમતા કારખાનાથી ત્રસ્‍ત સ્‍થાનીકોએ અકિલા' કાર્યાલય ખાતે હૈયા વરાળ ઠાલવી હતી. રહેવાસીઓએ મનપાના ટાઉન પ્‍લાનરને પણ કોમર્શીયલ ગતિવિધીઓ બંધ કરાવવા પત્ર પાઠવ્‍યો છે.

પત્રમાં જણાવ્‍યા મુજબ અમારો વિસ્‍તાર રહેણાંક વિસ્‍તાર છે અને રહેણાંક બીનખેતી જમીનમાં અમારો મકાનો આવેલ છે. થોડા સમયથી અમારા રહેણાંક વિસ્‍તારમાં કારખાનાવાળા વ્‍યકિતઓ રહેણાંક મકાનનો દસ્‍તાવેજ કરી તેમાં કારખાનુ ચાલુ કરે છે. અમુક લોકો મકાન ભાડે રાખી તે રહેણાંક મકાનનો કારખાના માટે ઉપયોગ કરે છે.

અમારો વિસ્‍તાર સરકાર તરફથી જાહેર કરેલ અશાંતધારા હેઠળનો વિસ્‍તાર છે, જેમાં કોઇપણ વ્‍યકિતએ મીલ્‍કત ટ્રાન્‍સફર કરતા પહેલા અથવા ભાડે આપતા કે રાખતા પહેલાં કલેકટર, રાજકોટની પરવાનગી મેળવવી ફરજીયાત છે. સરકારના આ નિયમોનું ઉલ્લંઘન કરીને કારખાનાવાળા મકાનનો વેચાણ દસ્‍તાવેજ રહેણાંક મકાનનો કરે છે અને ઉપયોગ કારખાના તરીકે કરે છે તથા મંજૂરી મેળવ્‍યા વિના મકાન ભાડે રાખી તેનો ઉપયોગ કારખાના તરીકે કરે છે, જે અમો લતાવાસીઓને એકદમ નડતરરૂપ અને તકલીકરૂપ છે.

ઉપરાંત કારખાનાના માણસો તેમનો માલસામાન સ્‍કુટર, રીક્ષા, બોલેરો જેવા વાહનોમાં પુરપાટ સ્‍પીડે લાવે છે અને લઇ જાય છે, જેથી અમારા રહેણાંક વિસ્‍તારના  સીનીયર સીટીઝનો એકસીડેન્‍ટની બીકે ઘરની બહાર નિકળતા ડરે છે અને ખુબ જ અસલામતી અનુભવે છે. અમો લતાવાસીઓ કારખાનાનાં આવા ટ્રાફીકના ત્રાસથી બાળકોને શેરીમાં રમવા દેતા નથી જેની અસર બાળકોના સ્‍વભાવ પર પડે છે. હાલ વેકેશનનો સમય હોય બાળકો આખો દિવસ ઘરમાં જ રહીને કંટાળી જાય છે જેથી તેનો સ્‍વભાવ એકદમ ચીડીયો થઇ જાય છે. આમ અમોને અમારા વિસ્‍તારના સીનીયર સીટીઝનો તથા બાળકોની સલામતીનો ડર લાગ્‍યા કરે છે. રહેણાંક વિસ્‍તારમાં કારખાના થવાની સીનીયર સીટીઝનો, બાળકો તથા ગૃહીણીઓ બપોરના સમયે આરામ કરી શકતા નથી. કારખાનાના કારીગરો મોટા સ્‍પીકરો મુકી ટેપ વગાડે છે, જેથી અમો કારખાના વિસ્‍તારમાં રહેતા હોય તેવો અહેસાસ થાય છે.

સાથે જ વાહનો શેરીમાં મનફાવે તેમ પાર્કીંગ કરતા હોય રોજ એકબીજા સાથે ઘર્ષણ તથા બોલવાનું થાય છે.

આ તમામ બાબતો ધ્‍યાને લઇ તાત્‍કાલીક અસરથી કારખાના બંધ થાય તેવી માંગણી કરી છે.

હાલમાં જ મહાનગરપાલિકાની મંજૂરી વિના ચાર માળના કારખાનાનું બાંધકામ ચાલુ છે. જો આ બાંધકામ પુરૂ થઇ જાય અને તેમાં કારખાનું ચાલુ થાય તો તેમાં ઓછામાં ઓછા વીસથી પચીસ કારીગરો કે સ્‍ટાફ આવશે તેના કારણે અમારી શેરીમાં પાર્કીંગની સમસ્‍યા થશે.

આ બાબતને ગંભીરતાથી લઇ તાત્‍કાલીક આ બાંધકામ દુર કરાવવા લતાવાસીઓએ જણાવ્‍યું હતું.

અકિલા' કાર્યાલયની મુલાકાત સમયે અલ્‍પેશભાઇ જોટંગીયા, બીપીનભાઇ ગોહેલ, નાનજીભાઇ પટેલ, રાજુભાઇ ચાવડા, ચંદ્રેશભાઇ ટંકારીયા, ગોરધનભાઇ સોલંકી, વલ્લભભાઇ મારડીયા, કલ્‍પેશભાઇ કોટક, બીપીનભાઇ ટાંક સહિતના લોકોએ મનપામાં મેયર, ડે. મેયર તથા ટાઉન પ્‍લાનરને  અનેક વખત રજૂઆતો કર્યાનું  અને ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડે પણ પત્ર લખ્‍યાનું  જણાવ્‍યું હતું. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:18 pm IST)