Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજકોટ યાર્ડમાં ભોજનાલયનું લોકાર્પણ ખેડુતોને ૯૦ રૂા.ની ડીશ ૩૦ રૂા.માં અપાશે

રાજકોટ, તા., ૨૬: માર્કેટ યાર્ડ બેડી ખાતે આજે ખેડુતો માટે શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયા ભોજનાલયનું લોકાર્પણ જેતપુરના ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ અંગે વિશેષ માહીતી આપતા રાજકોટ યાર્ડના યુવા ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્‍યું હતું કે, રાજકોટ યાર્ડમાં આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી ખેડુતો વિવિધ જણસીઓ લઇને આવતા હોય અને હરરાજીમાં મોડુ થાય તો  ખેડુતોને ભોજનની સારી સુવિધા મળે તે હેતુથી યાર્ડ દ્વારા ભોજનાલયનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું અને આ ભોજનાલયને ખેડુતોના હામી  શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયા ભોજનાલય' નામ આપી તેનું લોકાર્પણ જેતપુરના ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાના હસ્‍તે આજે કરવામાં આવ્‍યું હતું.

આ ભોજનાલયમાં ખેડુતોને ૯૦ રૂપીયાની ડીશ માત્ર  ૩૦ રૂા.માં આપવામાં આવશે. ૯૦ રૂપીયાની ડીશના ખર્ચમાં ૩૦ રૂપીયા દલાલ અને વેપારીઓ, ૩૦ રૂપીયા યાર્ડ  ભોગવશે અને બાકીના ૩૦ રૂપીયા ખેડુતોએ આપવાના રહેશે. ખેડુતોએ ભોજન માટેના પાસ યાર્ડના જે તે વેપારીઓ અને દલાલો પાસેથી લેવાના રહેશે. ખેડુતો સિવાયના અન્‍યો માટે  ભોજનાલયમાં  એક ડીશના ૯૦ રૂપીયા વસુલવામાં આવશે.

ભોજનાલયના ઉદઘાટન પ્રસંગે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન વસંતભાઇ ગઢીયા, યાર્ડના તમામ ડિરેકટરો, ખેડુતો, વેપચરીઓ અને દલાલ મંડળના સભ્‍યો તેમજ મજુરો મોટી સંખ્‍યામાં હાજર રહયા હતા.

(4:21 pm IST)