Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

૪ વર્ષની ઉંમરે હૃદયની સર્જરી છતાં અકિલ વસા કરાટેમાં ચેમ્‍પિયન

અનેક સંઘર્ષોમાંથી પસાર થઇને પોતાના મનગમતા ક્ષેત્રમાં સફળ થવા મહેનત રંગ લાવીઃ ‘બ્‍લેક બેલ્‍ટ' મેળવવા માટે પાછુવાળી જોયા વગર આખો દિવસ પ્રેકટીસમાં ધ્‍યાન આપ્‍યું

કરાટેમાં ઝળહળતી સફળતા મેળવનાર અકિલ વસાને ૧૪ વર્ષની ઉંમરે ઢગલાબંધ મેડલ, સર્ટિફિકેટ અને સન્‍માન પ્રાપ્ત થયા છે. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

‘‘અકિલા'' ના આંગણે અકિલ... ‘‘અકિલા'' કાર્યાલયે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ કરાટેમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર અકિલ વસાએ વિગતો વર્ણવી હતી. અને આર્શિવાદ મેળવ્‍યા હતા. આ તકે અકિલના માતા શેખ હસીનાબાનુ તથા જાદુગર અને મીમીક્રી આર્ટીસ્‍ટ ઉમેશ રાવ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. રપ :.. દરેક માતા-પિતા અને પરિવારની ઇચ્‍છા હોય છે કે, તેમના સંતાનો ભણી-ગણીને ખૂબ જ આગળ વધે તથા ગામ-પરિવાર અને દેશનું નામ રોશન કરે. પરંતુ દિલમાં ખૂબ જ ધગશ હોવા છતા જો કોઇ મુશ્‍કેલી આવી જાય અને પોતે સેવેલુ સ્‍વપ્‍ન ભુસાઇ જાય ત્‍યારે ખૂબ જ આઘાત લાગે છે. પરંતુ જો એક વખત દ્રઢ નિヘય કર્યા બાદ એ મેળવીને ઝંપીશ તેવુ નકકી કર્યા બાદ  કાર્ય કરવાથી સો ટકા સફળતા મળે છે. આવી જ સ્‍થિતિમાંથી આવેલ અકિલ વસાની વાત આજે આપણે કરવી છે.

‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ કરાટે ચેમ્‍પિયન રાજકોટના અકિલ વસા તથા તેના માતા અને વિશ્વનિડમ સંસ્‍થામાં પ્રિન્‍સીપાલ તરીકે કાર્યરત શેખહસીનાબાનુએ કેવી મહેનત અને સંકટો વચ્‍ચે સફળતા પ્રાપ્ત કરી તેની વિગતો વર્ણવી હતી.

‘અકિલા' કાર્યાલય ખાતે અકિલ વસાની કારકિર્દીની કથા વર્ણવતા તેના માતા શેખહસીનાબાનુએ જણાવ્‍યું હતું કે, મારા લગ્ન રાજકોટમાં રેડીમેઇડ  કપડાના શોરૂમ માં નોકરી કરતા અકબરભાઈ વસા સાથે થયા હતાં. અને તા. ૧૯-૯-ર૦૦૯ ના રોજ રાજકોટની જનાના બાળકોની હોસ્‍પિટલ ખાતે પુત્ર રત્‍નરૂપે અકિલને જન્‍મ આપ્‍યો હતો. બાળકનો જન્‍મ થતા જ પરિવારમાં ખુશાલી છવાઇ ગઇ હતી.

પરંતુ આ ખુશી માત્ર બે મહિના જ રહી હતી. અકિલ ર મહિનાનો થયો ત્‍યારે રાજકોટના ડો. લીનાબેન શાહને તબિયત બતાવવામાં આવી તો તેમણે હૃદયમાં ખામી હોવાનું ડો. લીનાબેન શાહે જણાવ્‍યું હતું.

જેથી અમદાવાદની યુ. એન. મહેતા હોસ્‍પિટલમાં સારવાર અને ઓપરેશનનું નકકી કરવામાં આવ્‍યું હતું અને ત્‍યારબાદ ર૦૧ર માં અકિલના હૃદયમાં સ્‍ટેન્‍ડ મુકવામાં આવ્‍યુ હતું. પરંતુ ઓગસ્‍ટ ર૦૧ર માં તેના હૃદયની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. આ બાયપાસ સર્જરી બાદ તે થોડો સમય માટે કોમામાં જતો રહ્યો હતો. પરંતુ ફરી ભાનમાં આવી ગયો હતો અને તબીબોની મહેનત રંગ લાવી હતી.

અકિલ વસાના માતા શેખહસીનાબાનુએ વધુમાં જણાવ્‍યું કે, બાયપાસ સર્જરી બાદ વારંવાર અમદાવાદ તબીયત બતાવવા જવુ પડતું હતું. ત્‍યારબાદ થોડા સમય પછી અમદાવાદના તબીબોએ પણ કહયું હતું કે, હવે બાળક સ્‍વસ્‍થ છે.

પરંતુ તેનો ખ્‍યાલ રાખજો. ત્‍યારબાદ રાજકોટની સ્‍ટર્લિંગ હોસ્‍પિટલમાં ‘ઇકો' નો રિપોર્ટ કરવામાં આવતા  રિપોર્ટ નોર્મલ આવતા સૌએ હાશકારો અનુભવ્‍યો હતો.

શેખહસીનાબાનુએ ‘અકિલા' કાર્યાલયે વધુમાં જણાવ્‍યું હતું કે, બાયપાસ સર્જરીના ર વર્ષ સુધી ખૂબ જ તકેદારી રાખવામાં આવી હતી. અને તબીબોની સુચનાનું પાલન પુરતી રીતે કરવામાં આવતુ હતું. ઓપરેશનના ર વર્ષ પછી અકિલ ૬ વર્ષનો થયો ત્‍યારે અભ્‍યાસની સાથો સાથ તેને ઇતર પ્રવૃતિમાં રસ હોવાથી પહેલા તો ડ્રોઇંગના કલાસ શરૂ કરાવ્‍યા હતાં. અને ખૂબજ સુંદર ડ્રોઇંગ કરતો હતો. પરંતુ તેનું મન રમત - ગમતમાં વધુ લાગતુ હોવાથી તેણે કરાટે કલાસમાં જવાની ઇચ્‍છા વ્‍યકત કરી હતી. જેથી દરેક માતા પિતાની પોતાના સંતાનોની ઇચ્‍છા પુરી કરવાની મહેચ્‍છા હોય છે. તેમ અમે બન્નેએ પણ નકકી કર્યુ કે, અકિલને રાજકોટના રેસકોર્ષમાં બાલભવન ખાતે યોજાતા કરાટેના તાલીમ વર્ગમાં મુકવામાં આવે.

શેખહસીનાબાનુએ વધુમાં જણાવ્‍યું કે, અંદર થોડો ભય હતો કે, ૪ વર્ષની ઉંમરે બાયપાસ સર્જરી બાદ મારો પુત્ર અકિલ કરાટેમાં કેવી રીતે તાલીમ લઇ શકશે? તેમને કોઇ તકલીફ તો નહી પડે ને ? તેની તબિયત ઉપર તો અસર નહી થાય ને ? આવા અનેક પ્રશ્નો મુંજવતા હતાં. પરંતુ અકિલનો આત્‍મ વિશ્વાસ અને બાલભવનના કરાટે તાલીમ વર્ગના કોચ રણજીતભાઇ ચૌહાણ, કિરણ ચૌહાણ, નિલમ ચૌહાણ, સહિત કરાટેની ટીમે પુરતો સહકાર આપ્‍યો હતું. અને બીજા તાલીમાર્થી બાળકોની જેમ જ અકિલને પણ એવા જ પ્રકારની તાલીમ આપવામાં આવતી હતી. અને તેની તબિયત ઉપર અસર ન પડે તેનું પુરતુ ધ્‍યાન આપવામાં આવતુ હતું.

જો કે અકિલે પણ કોચ તરફથી આપવામાં આવતી તમામ સુચનોનું પુરતા પ્રમાણમા પાલન કરવામાં આવતુ અને મનમાં એક જ દ્રઢ સ્‍વપ્ન નકકી કરી લઇને અકિલ આગળ વધવા લાગ્‍યો હતો.

અકિલ વસાએ કરાટે તાલિમ શરૂ કર્યાનાં થોડા સમયમાં તેને એક પછી એક સફળતા મળવા લાગી હતી. પ્રથમ તે ધોરણ ૧ માં રાજય કક્ષાની કરાટે સ્‍પર્ધામાં ભાગ લઇને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. હાલમાં અકિલ વસાની ઉંમર ૧૪ વર્ષની છે અને તે રાજકોટના સદર બજારમાં આવેલ પી. બી. કોટક ઇંગ્‍લીશ સ્‍કુલમાં અભ્‍યાસ કરે છે.

કરાટે તાલીમ પ વર્ષ લીધા બાદ તેની મહેનત રંગ લાવી હતી. અને કરાટેમાં ખૂબ જ ઉત્તમ ગણાતી ‘બ્‍લેક બેલ્‍ટ' ની પરીક્ષા પાસ કરીને તેમાં ઉત્‍કૃષ્‍ઠ દેખાવ કરતા તેમને ‘બ્‍લેક બેલ્‍ટ' અર્પણ કરવામાં આવ્‍યો હતો.

રાજકોટ ખાતે નિર્ભય એકેડેમી તથા ગુજરાત વાડોકાઇ કરાટે ડુ એસોસીએશન દ્વારા કરાટે ‘બ્‍લેક-બેલ્‍ટ' ગ્રેડેસન કેમ્‍પ યોજાયો હતો. જેમાં અકિલ વસાને ‘બ્‍લેક-બેલ્‍ટ' અર્પણ કરાયો હતો. અકિલ વસાની સિધ્‍ધીઓ વર્ણવતા તેના માતા શેખહસીનાબાનુએ જણાવ્‍યું હતું કે, અકિલે કરાટેમાં અસંખ્‍ય મેડલ, પ્રમાણ પત્રો, સન્‍માન પ્રાપ્ત કર્યા છે. તાજેતરમાં ર૦રર માં યોજાયેલ રાજય સરકાર દ્વારા રમત-ગમતને પ્રોત્‍સાહન આપતી ખેલ મહાકુંભ સ્‍પર્ધામાં  પપ થી ૬૦ કિલોની કરાટેની કેટેગરી સ્‍પર્ધામાં રાજકોટમાં અકિલ વસાએ પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે. અકિલ વસાને સ્‍ક્રેટીંગનો પણ શોખ હોવાથી સ્‍ક્રેટીંગ માસ્‍ટર ધવલસર પાસેથી તેની તાલીમ લીધી છે.

‘અકિલા' કાર્યાલય ખાતે અકિલ વસાના માતા શેખ હસીનાબાનુ તથા મીમીક્રી આર્ટીસ્‍ટ અને જાદુગર ઉમેશ રાવ ઉપસ્‍થિત રહ્યા હતાં.

 

મહિલાઓ હિંમત હાર્યા વગર આગળ વધે તો જરૂર સફળતા મળેઃ શેખ હસીનાબાનુ

રાજકોટ તા. ર૬ :.. અકિલ વસાના માતા શેખ હસીનાબાનું પણ ગંભીર પ્રકારના  રોગમાંથી બહાર આવ્‍યા છે. તેમણે જણાવ્‍યું હતું કે, મહિલાઓ હિંમત હાર્યા વગર આગળ વધે તો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.

મારા પુત્રને ૪ વર્ષની ઉંમરે હૃદયની તકલીફ હોવાનું જાણવા મળતા હિંમત હાર્યા વગર આ પરિસ્‍થિતિમાંથી કેવી રીતે બહાર આવવુ તે તરફ વિચાર કરીને આગળ વધતા ગયા અને સફળતા મળતી ગઇ. એક વખત નિષ્‍ફળતા મળે તો સફળતા નહી મળે તેવુ વિચારીને બેસી રહેવાના બદલે કરોળીયા અને કીડીની જેમ સતત પ્રયત્‍નો કરવાથી સફળતા જરૂર મળે છે.

પુત્રનુ આવુ દુઃખ જોઇ શકતી ન હતી, હોસ્‍પિટલમાં એને જે જમવાનુ મળતુ તે હું જમતી

રાજકોટ તા. ર૬ : અકિલ વસાના માતા શેખ હસીનાબાનુએ જણાવ્‍યું કે ૪ વર્ષની ઉંમરે મારા પુત્ર ઉપર અણધારી બિમારી આવતા જ અમારા પરિવાર ઉપર ચિંતાનુ મોજુ ફરી વળ્‍યું હતું.

ત્‍યારબાદ પુત્ર અકિલને અમદાવાદ હોસ્‍પિટલમાં ઓપરેશન માટેદાખલ કરવામાં આવ્‍યો હતો. જયાં તેમને તબીબોની સુચના મુજબ તીખો, તળેલો ખોરાક આપવામાં આવતો ન હતો. માત્ર મોળો અને પ્રવાહી ખોરાક અપાતો હતો. આ ખોરાક ન ભાવતો હોવા છતા અકિલ ગળે ઉતારી લેતો હતો.

એક તો હૃદયની બિમારી અને બીજુ ખોરાક પણ ન ભાવે તેવો આપવામાં આવતો હોવાથી મે પણ સ્‍વાદૃિષ્‍ટ ખોરાક બંધ કરી દીધો હતો અને પુત્રને જે ખોરાક આપતા તેવોજ ખોરાક હું ભોજનમાં લેતી હતી. શેખ હસીનાબાનુએ કહ્યું કે, બાળકો રૂપી રમકડાને ભગવાન આપણને રમાડવા માટે મોકલે છે.  જેમા કયારેક બાળકો અને તેના પરિવારને ખૂબજ સંઘર્ષનો સામનો પણ કરવો પડે છે.

ભારત તરફથી ઓલિમ્‍પિકસ રમતોત્‍સવમાં રમવાની ઇચ્‍છા

રાજકોટ તા. ર૬ :.. કરાટે અને સ્‍કેટીંગમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર અકિલ વસાને હવે ભારત તરફથી ઓલિમ્‍પિકસ રમતોત્‍સવમાં રમવાની ઇચ્‍છા છે. તેમાં મેડલ મેળવીને ભારતનું નામ રોશન કરવુ છે. તેમ જણાવ્‍યું હતું. ઓલિમ્‍પિકસ રમતોત્‍સવમાં ભાગ લેવા માટે ૧૮ વર્ષની ઉંમર હોવી જરૂરી છે. મારી ઉંમર હજુ ૧૪ વર્ષ  છે જેથી હજુ ૪ વર્ષ કરાટેમાં ખૂબ જ પ્રેકટીસ કરીને વધુને વધુ આગળ વધવા માટે મહેનત કરીશ. તેમ ‘અકિલ વસાએ ‘અકિલા' ને જણાવ્‍યું હતું.

છીંક ખાઇએ તો પણ અકિલને ઇન્‍ફેકશન થઇ જતુ

રાજકોટ તા. ર૬ : ‘‘અકિલ'' વસાના માતા શેખ હસીના બાનુએ જણાવ્‍યું હતું કે, અકિલને જયારે હૃદયની બિમારી હોવાનું જાણવા મળ્‍યું ત્‍યારે ખૂબજ ગંભીર પરિસ્‍થિતીમાથી અમે પસાર થયા હતા.

અકિલની આજુબાજુ છીંક કે ઉધરસ ખાતા તો તરત જ તેને ઇન્‍ફેકશન લાગી જતુ હતું. અને તબીબ પાસે લઇ જવો પડતો હતો.(૬.૭)

અકિલ વસા ખૂબજ જીવદયાપ્રેમીઃ ગૌમાતાને રોટલી આપવાની ટેવ

રાજકોટ તા.ર૬ : અકિલ વસા ખૂબજ જીવદયાપ્રેમી છે. તેને પશુ, પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્‍યે ખૂબ પ્રેમભાવ છે.

પોતાના ઘરે સસલા, લવ બર્ડ પાળ્‍યા છે અને તેનુ નિયમિત ધ્‍યાન રાખે છે.

આ ઉપરાંત ગાયમાતાને નિયમિત રોટલી કે અન્‍ય ખોરાક આપવાની ટેવ ધરાવે છે. શ્વાન પ્રત્‍યે પણ તેને ખૂબજ પ્રેમ છે.(૬.૭)

સગા મામાના લગ્નમાં જઇ ન શકયાઃ અનેક સામાજીક પ્રસંગોથી દુર રહીને પરિક્ષાની જેમ કરાટેની તાલીમ

રાજકોટ તા. ર૬ :.. અકિલ વસાના માતા શેખ હસીનાબાનુએ જણાવ્‍યું હતું કે, અકિલને પહેલેથી જ કરાટે શીખવાની જ લગની લાગી હતી. જેના કારણે અનેક સામાજીક પ્રસંગોમાં આવતો ન હતો. સતત કરાટેમાં કંઇક મેળવવાની દ્રઢ ઇચ્‍છા શકિતથી પોતાના કાર્યમાં સતત વ્‍યસ્‍ત રહેતો હતો.

ઓપરેશન સમય દરમિયાન મામાના લગ્ન હતાં. પરંતુ અમે તેમાં સહભાગી થઇ શકયા ન હતાં. કારણ કે પહેલા અકિલની તબિયત જોવી પડે તેમ હતી. અકિલ સતત કરાટેમાં કંઇક મેળવવા માટે બોર્ડની પરીક્ષાની જેમ કરાટેની તાલીમમાં વ્‍યસ્‍ત રહેતો હતો.

કાચનો ગ્‍લાસ છે તેને સાચવજોઃ તબીબોએ સલાહ આપી'તી

રાજકોટ તા. ર૬ :.. અકિલ વસાને અમદાવાદ હોસ્‍પિટલમાં બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. અને થોડો સમય તબીબોની દેખરેખ હેઠળ ઓપરેશન બાદની સારવાર કરવામાં આવી હતી.

આ અંગે અકિલ વસાના માતા શેખહસીનાબાનુએ જણાવ્‍યું હતું કે, તબીબોએ અમોને જણાવ્‍યું હતું કે, ઓપરેશન બાદ હવે બાળક અકિલની પુરતી કાળજી રાખજો. કારણ કે તે કાચનો ગ્‍લાસ છે.

અકિલ વસા

સપર્ક નંબર

૭૬૯૮૦ ર૯૮૭પ૭૬૯૮૦ ર૯૮૭પ

દર્દભર્યા ચહેરા સાથેનો માસુમ અને બ્‍લેક બેલ્‍ટ સાથે અકિલ

૪ વર્ષની ઉંમરે જયારે અકિલ વસાને બાયપાસ સર્જરી કરાવવી પડી હતી. ત્‍યારે તેના માસુમ ચહેરા ઉપર દર્દ દેખાતુ હતું જયારે ૧૪ વર્ષની ઉંમરે તેની મહેનત રંગ લાવી અને તેને ‘‘બ્‍લેક બેલ્‍ટ'' મળ્‍યો ત્‍યારે અલગ જ પ્રકારની ખુશાલી જોવા મળતી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

 

(7:05 pm IST)