Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

છ મહિનાનો પગાર ન મળ્‍યો હોઇ રાજકોટના અમુલ ઇન્‍ડસ્‍ટ્રીના કર્મચારીએ કાલાવડ પાસે જાત જલાવી

વિવેકાનંદ નગરના વિક્રમભાઇ બકુતરાએ સવારે ઘરેથી નીકળી ગયા બાદ પગલુ ભર્યુઃ ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળઃ સઅગાઉ કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાળ કરી હતી

રાજકોટ તા. ૨૬: શહેરના એક યુવાને સવારે ઘરેથી નીકળી જઇ કાલાવડ પાસે પેટ્રોલ છાંટી જાત જલાવી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. આ યુવાન અમુલ ઇન્‍ડસ્‍ટ્રીમાં નોકરી કરે છે. છએક મહિનાનો પગાર મળ્‍યો ન હોવાથી આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

પ્રાપ્‍ત માહિતી મુજબ કોઠારીયા રોડ વિવેકાનંદ નગર રંગીલા હનુમાન પાસે રહેતાં વિક્રમભાઇ સુખાભાઇ બકુતરા (ઉ.વ.૩૬) નામના યુવાને સવારે સાડા અગિયારેક વાગ્‍યે કાલાવડ જીઆઇડીસી પાસે શરીરે પેટ્રોલ રેડી કાંડી ચાંપી લેતાં દાઝી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં કાલાવડ પોલીસને જાણ કરવામાં આવી હતી.

વિક્રમભાઇ એક બહેનથી નાનો છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. તે સવારે ઘરેથી નીકળી ગયેલ હતો અને બાદમાં કાલાવડ પાસે જઇ આ પગલુ ભર્યુ હતું. પરિવારજનોએ જણાવ્‍યું હતું કે વિક્રમભાઇ અમુલ ઇન્‍ડસ્‍ટ્રીમાં નોકરી કરે છે. છેલ્લા છએક મહિનાનો પગાર તેમને મળ્‍યો ન હોઇ આ કારણે સતત ટેન્‍શનમાં હોવાથી આ પગલુ ભર્યુ હતું. સગાએ જણાવ્‍યું હતું કે અગાઉ પગાર મામલે આ કંપનીના કર્મચારીઓએ આંદોલન પણ કર્યુ હતું.

(4:55 pm IST)