Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

રાજય સરકાર દ્વારા જાહેર થયેલ પેન્‍શનરો માટેના મોંઘવારી ભથ્‍થાના તફાવતની ગણતરી કેવી રીતે કરશો

ઉદાહરણઃ મૂળ પેન્‍શન રૂા. ૯૦૦૦/- નાં છેલ્લા બે શૂન્‍ય કાઢી નાખતા ૯૦×૬૪=૫૭૬૦ થાય.

રાજકોટ : આખરે પેન્‍શનર મિત્રોની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત સરકારશ્રીનાં નાણાં વિભાગ દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૩ નાં ઠરાવ ક્રમાંક વલભ/૧૦૨૦૧૬/જીઓઆઇ/૭/ચ  થી સરકારી કર્મચારીઓની સાથે સાથે પેન્‍શનરો માટે પણ જુલાઈ/૨૨ થી અમલમાં આવે એ રીતે મોંઘવારી ભથ્‍થાના દરમાં વધારો જાહેર કરી દીધેલ છે.અને રાજય સરકારશ્રીએ પોતાના સાડા ચાર લાખ કરતાં પણ વધારે પેન્‍શનરોને ખુશ કરી દીધા છે.

અહી એક બાબત સ્‍પષ્ટ કરી દઈએ કે કર્મચારીઓને પગાર સાથે જે ભથ્‍થું ચૂકવવામાં આવે છે તે મોંઘવારી ભથ્‍થાતરીકે ઓળખાય છે.જયારે પેન્‍શનરોને ચૂકવવામાં આવતું આવું ભથ્‍થું હંગામી વધારો એટલે કે temporary increase તરીકે ઓળખાય છે.આવો હંગામી વધારો સામાન્‍ય પ્રણાલી મુજબ વર્ષમાં બે વખત જાહેર કરાય છે.એક જાન્‍યુઆરી માસની અસરથી અને બીજો જુલાઈ માસ માટે.અને આ પ્રકારનો હંગામી વધારો ગયા  જુલાઈ/૨૨નાં માસ અને જાન્‍યુઆરી/૨૩નાં માસથી એમ કુલ બે વખતનો આ વધારો બાકી હતો તે સરકારશ્રીએ એક સાથે ચાર વત્તા ચાર એમ કુલ આઠ ટકા મુજબ વધારો જાહેર કરેલ છે.હાલમાં પેન્‍શનરોને તેમના મૂળ પેન્‍શન ઉપર ૩૪% પ્રમાણે આવો હંગામી વધારો ચૂકવાય છે.જે હવે વધીને ૭/૨૨ નાં માસથી ૩૮% અને ૦૧/૨૩નાં માસથી બીજા ચાર ટકા મુજબ ઉમેરતા ૪૨% મુજબ થશે.રહી વાત આ વધારો લાગુ કર્યા તારીખથી એટલે કે માંહે ૦૭/૨૨નાં માસથી માંહે ૦૫/૨૩ સુધીના અગિયાર માસના તફાવતની.તો એ અંગે સરકારશ્રીના ઉકત તા.૨૩/૦૫ નાં ઠરાવથી જોગવાઈ કર્યા મુજબઆ અગિયાર માસનાં તફાવતની કુલ રકમને ત્રણ સરખા હપ્તામાં એટલે કે /૨૩,૦૮/૨૩,અને ૧૦/૨૩નાં માસનાં પેન્‍શન સાથે ચૂકવવાનું ઠરાવવામાં આવ્‍યું છે.

આટલી સામાન્‍ય જોગવાઈઓ જાણી લીધા પછી હવે આ સંદર્ભમાં પેન્‍શનરો માટે યાદ રાખવા જેવી બાબતો અંગે નીચે મુજબ સરળ સમજૂતી મેળવીએ. પેન્‍શનર,યાદ રાખો કે સરકારશ્રી દ્વારા આ જોગવાઇનો અમલ  માંહે ૬/૨૩ નાં માસનાં પેન્‍શન સાથે કરવાનું ઠરાવવામાં આવેલ છે એટલે કે આવતા અઠવાડિયે તા.૦૧/૦૬ નાં રોજ જે પેન્‍શન જમા થશે તે માંહે ૦૫/૨૩ નાં માસનું પેન્‍શન હશે એટલે એ માસનું પેન્‍શન કોઈ વધારા સાથે જમા થશે નહીં. એટલે કે ગઈ તા.૦૧/૦૫ નાં રોજ જેટલી રકમ જમા થઈ હતી એટલી જ રકમ તા.૦૧/૦૬ નાં રોજ પણ જમા થનાર પેન્‍શનની હશે એ ખાસ યાદ રાખવું. હવે આપણે આ વધારા બાબતે ઉદાહરણ સાથે સમજૂતી મેળવીએ. ઉદાહરણમાં આપણે મૂળ પેન્‍શન તરીકે હાલનું લઘુતમ મૂળ પેન્‍શન ધ્‍યાને લઈને ગણતરી કરીએ અને આપ જાણતા જ હશો કે હાલમાં લઘુતમ પેન્‍શનની રકમ રૂા. ૯૦૦૦/-ની છે.(૧)મૂળ પેન્‍શન રૂા. ૯૦૦૦/-ઉપર હાલ  ૩૪% મુજબ ટી.આઇ.૩૦૬૦/-  અને તબીબી ભથ્‍થું રૂા.૧૦૦૦/- ઉમેરતા હાલમાં મળતું કુલ પેન્‍શન રૂા.૧૩૦૬૦/- છે(૨)હવે ટી.આઇ.માં આઠ ટકાનો વધારો થતાં રૂા..૯૦૦૦/- નાં આઠ ટકા મુજબ રૂા..૭૨૦/- નો વધારો થતાં.કુલ સુધારેલું પેન્‍શન રૂા..૧૩૭૮૦/- થશે.(૩) હવે તફાવતની ગણતરી કરીએ તો સહુ પ્રથમ રૂા..૯૦૦૦/- નાં ચાર ટકા મુજબ રૂા.. ૩૬૦/-ની રકમનો અગિયાર માસનો તફાવત રૂા.૩૯૬૦/-થશે ત્‍યાર બાદ બીજા ચાર ટકાનો વધારો જે માંહે ૦૧/૨૩નાં માસથી લાગુ પાડવા નો છે.તે ચાર ટકા મુજબ રૂા.૩૬૦/- નો પાંચ માસનો તફાવત રૂા.૧૮૦૦/- થશે આમ કુલ રૂા.૩૯૬૦/- વતા રૂા.૧૮૦૦/- એમ કુલ તફાવતની રકમ રૂા.૫૭૬૦/- થશે જે ત્રણ હપ્તામાં ચૂકવવાની થતાં.રૂા.૫૭૬૦/-નો ત્રીજો ભાગ રૂા.૧૯૨૦/- થાય જે અનુક્રમે માંહે ૬/૨૩ ૦૮/૨૩ અને ૧૦/૨૩ નાં માસ નાં પેન્‍શન સાથે ચૂકવવાનું છે.(૪)એટલે કે ઉકત ત્રણ માસનું પેન્‍શન અનુક્રમે તા.૦૧/૦૭, ૦૧/૦૯,અને ૦૧/૧૧ નાં રોજ જમા થશે ત્‍યારે ઉકત મુદ્દા નંબર (૨) માં દર્શાવ્‍યા મુજબ તફાવત સાથેનું સુધારેલું કુલ પેન્‍શન રૂા.૧૩૭૮૦/-વત્તા રૂા.૧૯૮૦/- મુજબ કુલ રૂા.૧૫૭૦૦/ થશે.

 (૫) જયારે વચ્‍ચેના બાકી રહેતા માસ એટલે કે માંહે ૦૭/૨૩ અને માહે ૦૯/૨૩નાં માસનું પેન્‍શન કે જે તા.૦૧/૦૮ અને તા.૦૧/૧૦નાં રોજ જમા થશે તે પેન્‍શન ઉકત તફાવત સિવાય રૂા.૧૩૭૮૦/- મુજબ થશે.નોંધઃ- અને છેલ્લે,હજી આનાંથી પણ સરળ રીતે આ તફાવતની રકમની ગણતરી કરવા માટે આ મુજબ યાદ રાખોઃ-હાલમાં મળતા મૂળ પેન્‍શનનાં છેલ્લા બે શૂન્‍ય કાઢી નાખી તેને ૬૪ વડે ગુણો એટલે તફાવતની કુલ રકમ મળી જાય

નરેન્‍દ્ર વી.વિઠલાણી

નિવૃત્ત અધિક તિજોરી અધિકારી

પેન્‍શન ચુકવણા કચેરી રાજકોટ

       મો.૯૮૨૪૪ ૮૮૬૬૭.

(10:35 am IST)