Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

માર્ગોના નબળા કામોએ ભાજપનો ભ્રષ્‍ટાચાર ખુલ્લો કર્યો : રાજભા ઝાલા

પાર્ટી ફંડ લીધુ હોય પછી કોન્‍ટ્રાકટર સામે ભાજપ કયા મોઢે પગલા ભરે ? : વશરામ સાગઠીયા * આમ આદમી પાર્ટી દ્વારા તકેદારી આયોગ અને એલ.સી.બી.માં રાવ

રાજકોટ તા. ૨૫ :  માર્ગના કામો નબળા થયાનું બહાર આવતા જ ભાજપનો ભ્રસ્‍ટાચાર ખુલ્લો પડી ગયો હોવાનું આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી રાજભા ઝાલાએ જણાવ્‍યુ છે.
રાજભાએ વધુમાં જણાવ્‍યુ છે કે હું ખુદ ભાજપમાં હતો ત્‍યારે અનુભવી લીધુ છે. મારા સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પદ દરમિયાન ભાજપ તરફથી મને કોન્‍ટ્રાકટર પાસેથી પાર્ટી ફંડના નામે રૂપિયા લેવા આદેશ થયેલો. પરંતુ હું ઉપરી પ્રેશરને તાબે ન થયો. મેં ભાજપ છોડયુ પણ ભષ્‍ટાચારને સમર્થન ન આપ્‍યુ. મારા રાજીનામા પછી મે ભાજપના ભ્રષ્‍ટાચારને ખુલ્લો પાડયો એટલે ભાજપના આગેવાનોએ રદીયો આપી સુફીયાણી વાતો શરૂ કરી હતી.
હાલમાં જ કોર્પોરેશનના એક કોન્‍ટ્રાકટરે ભાજપને પાર્ટી ફંડમાં ૧% આપવો પડે છે તેવું કબુલ્‍યુ છે. તેના પરથી સાબીત થાય છે કે ભાજપ મહાભ્રષ્‍ટાચારી છે. જો શહેર ભાજપ પ્રમુખ પણ દુધે ધોયેલા હોય તો કેમ કોન્‍ટ્રાકટર વિરૂધ્‍ધ કાર્યવાહી કરતા નથી? તેવો સવાલ રાજભા ઝાલાએ ઉઠાવ્‍યો છે.
એજ રીતે આમ આદમી પાર્ટીના શ્રી વશરામભાઇ સાગઠીયાએ પણ જણાવ્‍યુ છે કે કોર્પોરેશનમાં શાસક પક્ષ ભાજપના આગેવાનો જ ભ્રષ્‍ટાચારને પ્રોત્‍સાહન આપે છે. ગત જનરલ બોર્ડમાં અમો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ જે માહીતી માંગી હતી તેનાથી ઘણી ગેરરીતીઓ બહાર આવી. આ બાબતે અમે મેયરને રજુઆત કરી છતા ગેરરીતી આચરનારાઓ સામે આજ સુધી કોઇ પગલા ભરાયા નથી.અંતમાં શ્રી રાજભા ઝાલા અને વશરામભાઇ સાગઠીયાએ જણાવ્‍યુ છે કે અમોએ ભષ્‍ટાચારને બ્રેક મારવા કાયદેસરના પગલા ભરવા તકેદારી આયોગ અને લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરોમાં ફરીયાદ કરી છે. તટસ્‍થ તપાસ થાય તેની આશા રાખીએ છીએ.

 

(3:45 pm IST)