Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શહેરમાં ૧૧ પીઆઇની નિમણુંક-આંતરિક બદલીઃ ઇકોનોમિક ઓફેન્‍સ વીંગની રચના

અમદાવાદ, સુરત, વડોદરાની જેમ રાજકોટમાં વ્‍હાઇટ કોલરો દ્વારા આચરતા ગુનાની તપાસ હવે EOW કરશેઃ પીઆઇ તરીકે બી. ટી. ગોહિલની નિમણુંક : કુવાડવામાં પીઆઇ કે. એમ. ચોૈધરી, બી-ડિવીઝનમાં આર. જી. બારોટ અને થોરાળામાં એલ. કે. જેઠવાને મુકાયાઃ એ-ડિવીઝનમાં કે. એન. ભુકણઃ કુવાડવાના બી. એમ. ઝણકાટ મહિલા પોલીસ સ્‍ટેશનમાં બદલાયાઃ ટ્રાફિકના એમ. એ. ઝણકાટને એરપોર્ટ મુકાયા, એરપોર્ટના વી.આર. રાઠોડની ટ્રાફિક બ્રાંચમાં બદલી

રાજકોટ તા. ૨૬: ચૂંટણી અંતર્ગત પીઆઇ, પીએસઆઇની બદલીનો ઘાણવો નીકળ્‍યો તેમાં રાજકોટના અલગ અલગ પોલીસ સ્‍ટેશનના પીઆઇની પણ બદલી થઇ હતી અને નવા પીઆઇને રાજકોટમાં મુકવામાં આવ્‍યા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ ૧૧ પીઆઇની નિમણુંક અને આંતરીક બદલી કરી છે. સાથોસાથ અમદાવાદ, સુરત અને વડોદરાની જેમ રાજકોટમા઼ પણ વ્‍હાઇટ કોલરો દ્વારા આચરતા ગુનાની તપાસ માટે ઇઓડબલ્‍યુ (ઇકોનોમિક ઓફેન્‍સ વિંગ)ની રચના કરવામાં આવી છે. આ વિભાગની જવાબદારી પેરોલ ફરલો સ્‍ક્‍વોડના પીઆઇ બી. ટી. ગોહિલને સોંપવામાં આવી છે. આ શાખા સીધી પોલીસ કમિશનરશ્રીના નેજા હેઠળ કામ કરશે.

ઇઓડબલ્‍યુના કાર્યક્ષેત્રમાં ફાયનાન્‍સીયલ અને ઇકોનોમિક ફ્રોડ, જમીન-બિલ્‍ડીંગના સોદાઓમાં થતી ઠગઇ, મલ્‍ટી લેવલ માર્કેટીંગ ફ્રોડ, બેંક ફ્રોડ, શેરબજારને લગતી ઠગાઇ, ક્રિપ્‍ટો કરન્‍સીમાં ઠગાઇ સહિતના કામો આવે છે. ઇઓડબલ્‍યુ એ ક્રાઇમ બ્રાંચની જ એક શાખા હોય છે. રાજકોટ શહેરમાં આ પ્રકારના ગુનાઓ માટે ખાસ સ્‍કવોડ નહોતી. અમદાવાદ, વડોદરા, સુરતમાં આવી સ્‍ક્‍વોડ અગાઉથી કાર્યરત હતી. હવે રાજકોટમાં પણ આ ખાસ સ્‍ક્‍વોડ શરૂ કરવામાં આવી છે. થોડા દિવસમાં આ સ્‍ક્‍વોડમાં સ્‍ટાફની નિમણુંક બાદ સ્‍ક્‍વોડ કાર્યરત થઇ જશે. સ્‍ક્‍વોડના ઇન્‍ચાર્જ બી. ટી. ગોહિલને બનાવાયા છે. શ્રી ગોહિલ અગાઉ પીએસઆઇ તરીકે પણ રાજકોટ શહેરમાં નોંધપાત્ર કામગીરી કરી ચુક્‍યા છે. હવે પીઆઇ તરીકે તેઓ મહત્‍વની શાખામાં ફરજ બજાવશે.

શહેર પોલીસમાં આંતરિક બદલીઓ અને નિમણુંક થઇ છે તેની વિગતો જોઇએ તો અગાઉ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ પીસીબીમાં કાર્યરત પીઆઇ એમ. બી. નકુમને ટ્રાફિક બ્રાંચમાં મુકાયા છે. મહિલા પોલીસ સ્‍ટેશનના કે. જે. મકવાણાની બદલી સાયબર ક્રાઇમમાં થઇ છે. તેમની જગ્‍યાએ કુવાડવા પીઆઇ બી. એમ. ઝણકાટને મહિલા પોલીસ સ્‍ટેશનમાં મુકવામાં આવ્‍યા છે. જ્‍યારે કુવાડવામાં તેમની ખાલી જગ્‍યાએ નવા આવેલા પીઆઇ કે. એમ. ચોૈધરીની નિમણુંક થઇ છે.

આ ઉપરાંત થોરાળા પોલીસ મથકના પીઆઇ જે. આર. દેસાઇની બદલી પીસીબીમાં કરવામાં આવી છે. તેમની જગ્‍યાએ નવા આવેલા પીઆઇ એલ. કે. જેઠવાને ચાર્જ સોંપાયો છે. એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીઆઇ વી.આર. રાઠોડને ટ્રાફિક બ્રાંચમાં અને ટ્રાફિકના એમ. એ. ઝણકાટને એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં મુકવામાં આવ્‍યા છે. જ્‍યારે બી-ડિવીઝનના એમ. સી. વાળાની બદલી થઇ હોઇ તેમની જગ્‍યાએ નવા આવેલા પીઆઇ આર. જી. બારોટની નિમણુંક થઇ છે. જ્‍યારે એ-ડિવીઝનના સી. જી. જોષીની પણ બદલી થઇ હોઇ તેમના સ્‍થાને અગાઉ માલવીયામાં ફરજ બજાવી ચુકેલા કે. એન. ભુકણની નિમણુંક થઇ છે.

અગાઉ માલવીયાનગરમાંથી કે. એન. ભુકણને બદલાવી લીવ રિઝર્વમાં મુકાયા હતાં અને તેમના સ્‍થાને સુરતથી આવેલા પીઆઇ ઇલાબેન એમ. સાવલીયાની નિમણુંક થઇ હતી. હવે પીઆઇ ભુકણને ફરી પોલીસ સ્‍ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે.

(11:50 am IST)