Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કોળી ૫રિવારને અકસ્‍માતઃ ટ્રકે ટક્કર મારતાં કાર ડિવાઇડર ઠેંકી બીજી કાર સાથે અથડાતાં પાંચ લોકોને ઇજા

ભાડલાના કોળી કુટુંબના સભ્‍યો શકત સનાળા માતાજીને હાર ચડાવી પરત જતા'તા ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨૬: જુના માર્કેટ યાર્ડ નજીક સાંજે એક અલ્‍ટો કારને ડાબી સાઇડમાં ટ્રકની ટક્કર લાગતાં આ કાર ઉલળીથી ડિવાઇડર ઠેંકી સામેથી આવતી કીયા કાર સાથે અથડાતાં અલ્‍ટોમાં બેઠેલા ભાડલાના કોળી પરિવારના પાંચ લોકોને ઇજાઓ થઇ હતી. બંને કારમાં ભારે નુકસાન થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ જસદણના ભાડલા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં દિલીપભાઇ મેરામભાઇ કુકડીયા (કોળી) (ઉ.૨૭) ગઇકાલે પોતાની અલ્‍ટો કાર નં. જીજે૦૩એલજી-૩૬૭૭ લઇને શકત સનાળા ગામે માતાજીને પગે લાગવા, હાર ચડાવવા ગયા હતાં. તેની સાથે તેમના ભાઇ પ્રવિણભાઇ મેરામભાઇ કુકડીયા (ઉ.૩૨), ભાભી ચંદ્રિકાબેન પ્રવિણભાઇ  (ઉ.૩૦), માતા સવિતાબેન મેરામભાઇ  (ઉ.૪૮), બહેન પારૂબેન કાળુભાઇ સોરાણી (ઉ.૨૬), ભાણેજ કિશન કાળુભાઇ (ઉ.૭ માસ) પણ સામેલ થયા હતાં.

માતાજીએ દર્શન કરી પરત ભાડલા જતી વખતે કાર દિલીપભાઇ ચલાવી રહ્યા હતાં. રાજકોટ યાર્ડ નજીક પહોંચ્‍યા ત્‍યારે એક ટ્રકની ટક્કર આ અલ્‍ટો કારની ક્‍લીનર સાઇડમાં લાગતાં અલ્‍ટો ઉલળીને ડિવાઇડર ઠેંકી સામેના રોડ પર ગઇ હતી અને કીયા કાર જીજે૩૬એસી-૧૩૮૨ સાથે ધડાકાભેર અથડાતાં બંને કારમાં ભારે નુકસાન થયું હતું.

અલ્‍ટોના ચાલક દિલીપભાઇ સિવાયના તેના માતા, ભાભી, ભાઇ, બહેન, ભાણેજને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિથી પારૂબેન અને તેના પુત્રને ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બાકીનાને નજીવી ઇજાઓ હોઇ સારવાર બાદ રજા અપાઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્‍વીરમાં અકસ્‍માત બાદ બંને કારની હાલત કેવી થઇ હતી તે જોઇ શકાય છે.

(12:05 pm IST)