Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

‘આઝાદી પૂર્વે સ્‍વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ'

‘પોર્ટ બ્‍લેયર, અંદમાન સ્‍થિત ‘સેલ્‍યુલર જેલ'- સ્‍વતંત્રતા પ્રાપ્‍તિ માટે સંઘર્ષ કરતાં ક્રાંતિકારીઓ માટે દોજખ સમાન હતું'

સેલ્‍યુલર જેલમાં ક્રાંતિકારીઓને અમાનવિય યાતના અપાતી અને તેનાં થકી તે કુવિખ્‍યાત બની : આપણા પૂર્વજોએ આઝાદી માટે જે બલિદાન આપેલ તે કદી ભૂલી ન શકીએ. ઈતિહાસ લખાયો છે પણ ઘણા ક્રાંતિકારીઓનો પરિચય અસ્‍તિત્‍વમાં નથી. : સાવરકરે ‘સ્‍વતંત્રતા કા પ્રથમ યુદ્ધ' પુસ્‍તક લખ્‍યું પણ બ્રિટીશરોએ તે પુસ્‍તકની જપ્તી કરી : સેલ્‍યુલર જેલમાં સાવરકરે ૧૨ વર્ષનો કારાવાસ ભોગવ્‍યો

પોર્ટ બ્‍લેયર - અંદમાન સ્‍થિત ‘સેલ્‍યુલર જેલ'સ્‍વતંત્રતા પ્રાપ્તિ માટે ભારતનાં આઝાદી માટેનાં સંઘર્ષનાં ઈતિહાસમાં હૃદયવિદારક સાબિતી છે. દ્યણા સ્‍વાતંત્ર્ય સેનાનીઓને જેલમાં માત્ર એક રૂમમાં કોઈપણ સવલત વિના રહેવું પડ્‍યું. ઘણા ત્‍યાં જ મૃત્‍યુ પામ્‍યા. હકિકતમાં બ્રિટીશ સરકારને જે કેદીઓ ખતરનાક લાગ્‍યા તેમને ‘સેલ્‍યુલર જેલ'માં મોકલી દેવામાં આવતા. કોઈ સગા-સંબંધી ત્‍યાં પહોંચી શકે તેમ ન્‍હોતા.
સેલ્‍યુલર જેલમાં ક્રાંતિકારીઓને અમાનવિય યાતના અપાતી અને તેનાં થકી તે કુવિખ્‍યાત બની. વીર સાવરકર, બારીન્‍દ્ર કુમાર ઘોષ, ઉપેન્‍દ્રનાથ બેનર્જી,  ઉલ્લાસ્‍કર દત્ત, પૃથ્‍વીસિંહ આઝાદ, ભાઈ પરમાનંદ, વામન મલ્‍હાર જોષી સહિત અનેક સ્‍વતંત્રતા સેનાનીઓને એકાંતવાસની સ્‍થિતિમાં જેલમાં બંધ કરવામાં આવતા.
વિનાયક દામોદર સાવરકર (૧૮૮૩-૧૯૬૬)
વીર સાવરકર ફર્ગ્‍યુસન કોલેજમાં અભ્‍યાસ કરતાં હતા અને કિશોરાવસ્‍થામાં રાષ્ટ્રની આઝાદી માટે સંગઠન કર્યું અને આઝાદીનું વ્રત લીધું. લંડનમાં પોતાની ક્રાંતિકારી ગતિવિધી માટે સક્રિય બન્‍યા. તા. ૧લી જુલાઈ ૧૯૦૯ માં મદનલાલ ધીંગરાએ લંડનમાં કર્જન વાયલીને ગોળી મારી ઉડાવી દીધા. બ્રિટીશ શાસનને શંકા થઈ કે સાવરકર આ અપરાધ માટે જવાબદાર છે. સાવરકરે ‘સ્‍વતંત્રતા કા પ્રથમ યુદ્ધ' નામનું પુસ્‍તક પ્રસિદ્ધ કર્યું પણ તે પુસ્‍તકની જપ્‍તી કરવામાં આવી. નાસિક ષડયંત્ર મામલે ઈ.સ. ૧૯૧૦માં સાવરકરને ગિરફ્‌તાર કરવામાં આવ્‍યા. ભારત આવતા હતા ત્‍યારે જહાજ પરથી કુદી પડ્‍યા અને દરિયામાં તરતા ફ્રાંસ પહોંચ્‍યા પણ આંતરરાષ્ટ્રીય કાનુનનાં ઉલ્લંઘનમાં બ્રિટીશ પોલીસે તેમને પુનઃ ગિરફ્‌તાર કર્યા. મુકદમો ચલાવ્‍યો અને બાદમાં આજીવન કારાવાસની સજા થઈ.
પોર્ટ બ્‍લેયરની સેલ્‍યુલર જેલમાં ૧૨ વર્ષનો કારાવાસ ભોગવેલ. ઈ.સ. ૧૯૩૭ માં રત્‍નાગીરીમાં નજરબંધ રહ્યા. કારાવાસમાંથી મૂકિત મળી એટલે ‘હિંદ મહાસભા'માં સામેલ થયા અને સંઘર્ષ કર્યો.
આઝાદી બાદ સેલ્‍યુલર જેલ કાયમ માટે બંધ થઈ પણ હજુ જેલની ઈમારત અડિખમ છે. બ્રિટીશ શાસનનાં સમયમાં દેશનાં હજારો સ્‍વાતંત્ર્ય સેનાનીઓનો ભોગ લેવાયો હતો. સેલ્‍યુલર જેલનું નામ ‘નેશનલ મેમોરિયલ સેલ્‍યુલર જેલ' રખાયું કે જે રાષ્ટ્રિય સ્‍મારક બની.
આપણા પૂર્વજોએ આઝાદી માટે જે બલિદાનો આપ્‍યા છે તે કદી ભૂલી ન શકીએ
 

 

સંકલનઃ નવીન ઠકકર
મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

(3:50 pm IST)