Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રેટિયો કાતનારાઓની સંખ્‍યા સાવ ઘટી ગઈ, સુતરની પણ લેવાલી નથીઃ ગાંધી ટપાલ ટિકિટનું પ્રદર્શન


રાજકોટઃ પૂ.ગાંધીજીની જન્‍મ તારીખ ૨ ઓકટોબર છે. પરંતુ બાપૂનો જન્‍મદિન તિથિ પ્રમાણે એક માત્ર રાષ્‍ટ્રીશાળા ‘રેંટિયા બારસ' તરીકે ઉજવે છે. ગાંધીજીએ એમના જીવનકાળમાં ખાદી અને અંત્‍યોદયને અધિક મહત્‍વ આપ્‍યુ હતું. રેંટિયા સાથે બન્‍ને બાબતો અભિન્‍ન પણે જોડાયેલ હતી. તેથી રેંટિયા બારસની ઉજવણી કરવા પૂ.બાપુએ રાષ્‍ટ્રિયશાળામાં મુખ્‍ય વ્‍યવસ્‍થાપક સ્‍વ.શ્રી નારાણદાસકાકાને જણાવ્‍યું હતું તે રીતે રાષ્‍ટ્રીયશાળામાં પરંપરાગત રીતે પ્રદર્શન યોજવામાં આવેલ.
ત્રણ વર્ષ પહેલા આ પ્રસંગે કાંતણ સ્‍પર્ધા, ગાંધી કિવઝ, વકતૃત્‍વ સ્‍પર્ધા વિગેરે કાર્યક્રમો ઉજવતાં હતા. પરંતુ  છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર દેશમાં ‘કોવિડ-૧૯'ની મહામારીને કારણે લગભગ આજે પણ એક જગ્‍યાએ એકત્ર થતાં લોકો ડર અનુભવી રહ્યા છે. ખાસ કરીને બાળકો તથા વૃધ્‍ધોના મનમાંથી હજુ સુધી આ મહામારીનો ડર વિસર્યો નથી. તેમજ સમગ્ર ગુજરાતમાં કાંતનારાઓની સંખ્‍યા સાવ ઘટી ગઈ છે. કાંતીને તૈયાર કરેલ સુતરની કોઈ લેવાલી નથી. એટલે સમયની સાથે તાલમીલાવીને આ પ્રસંગોપાત નાના- મોટા કાર્યક્રમો પ્રાર્થનાખંડમાં યોજી રહ્યાં હોવાનું યાદીમાં જણાવાયું છે.
‘રેંટિયા બારસ' નિમિતે રાષ્‍ટ્રીયશાળા તથા રાજકોટ ફિલોટેલિક સોસાયટીનાં સંયુકત ઉપક્રમે ‘ગાંધી ટપાલ ટીકિટો'નું પ્રદર્શન રાખવામાં આવેલ. જેનું ઉદ્‌ઘાટન મારવાડી યુનિવર્સિટીના વાઈસ ચેરમેન શ્રી જિતુભાઈ ચંદારાણાના વરદ્‌ હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવેલ.
આપણા દેશે પૂ.ગાંધીજીની યાદમાં અત્‍યાર સુધીમાં ૧૪૨ પોસ્‍ટેજ સ્‍ટેમ્‍પ પ્રકાશિત કરવામાં આવેલ. જેમાં મુખ્‍યત્‍વે ખાદીની ટિકિટ, સોનાની ટિકિટ તેમજ અલગ- અલગ વસ્‍તુઓની બનેલ ગાંધી ટપાલ ટિકિટ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવેલ હતી.
રાષ્‍ટ્રીયશાળાનાં ટ્રસ્‍ટી શ્રી જીતુભાઈ ભટ્ટે પ્રાસંગિક પ્રવચન આપી ઉદ્‌ઘાટકશ્રી જીતુભાઈ ચંદારાણાનું અભિવાદન કરી રાષ્‍ટ્રીયશાળામાં ગાંધીવિચાર ધારા અંતર્ગત સમગ્ર પ્રવૃતિને બિરદાવી હતી.
પ્રદર્શન કાર્યક્રમમાં મહત્‍મા ગાંધી ચે. ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટીશ્રી ડો.અલ્‍પનાબેન ત્રિવેદી, સિન્‍ડીકેટ સભ્‍ય નિદ્દતભાઈ બારોટ, સુરેશભાઈ પરમાર, જયેશભાઈ લાખાણી, દેવેન્‍દ્રભાઈ ધામી, દેવજીભાઈ રાઠોડ, હરદેવસિંહ જાડેજા, દેવેન્‍દ્રભાઈ રાણા, નંદલાલભાઈ જોષી, રહિમભાઈ સાડેકી, સુનિલભાઈ ત્રિવેદી, જોઈભાઈ ચતવાણી તથા રાજકોટ ફિલોટેલિક સોસાયટીનાં ડો.પરેશભાઈ ઉપાધ્‍યાય, જિજ્ઞેશભાઈ શાહ, સંજયભાઈ રાઠોડ, કેતનભાઈ ઉદાણી, તુષારભાઈ મહેતા, રાજુભાઈ દેસાઈ, રમાબેન શાહ, પરીત્રી ઉપાધ્‍યાય, હેત્‍વી શાહ, ધ્‍યાના શાહ તેમજ કૌશલ શાહ સહિતના હાજર રહેલ.
ઉપરની તસ્‍વીરમાં મારવાડી યુનિવર્સિટીના વાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણા દીપ પ્રાગટય કરતાં સાથે રાષ્‍ટ્રીયશાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી જીતુભાઈ ભટ્ટ, નિદતભાઈ બારોટ, કેતનભાઈ ઉદાણી, ડાબી બાજુ  પૂ.બાપુની તસ્‍વીરને સુત્તરની આંટી પહેરાવતા જીતુભાઈ ચંદારાણા, નીચેની તસ્‍વીરમાં ડાબી બાજુ પ્રદર્શન નિહાળતા જીતુભાઈ ચંદારાણા,  જીતુભાઈ ભટ્ટ, નિદતભાઈ બારોટ,  હરદેવસિંહ જાડેજા, તુષારભાઈ મહેતા તથા પરેશભાઈ ઉપાધ્‍યાય તેમજ વચ્‍ચેની તસ્‍વીરમાં ડો.અલ્‍પાબેન ત્રિવેદી તથા નીચેની તસ્‍વીરમાં વિદ્યાર્થીનીઓ પ્રદર્શન નિહાળી રહ્યા છે.

 

(3:53 pm IST)