Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

આજીડેમ ચોકડી રાંદરડા તળાવ પાસે ટ્રકે બાઇકને ઉલાળતા જયદીપ સેરજાનું મોત

યુવાન આજીડેમ ચોકડી પાસે મામાના દીકરાને મળવા જતો'તો

રાજકોટ,તા. ૨૬ : સંતકબીર રોડ પર આજીડેમ ચોકડી તરફ રાંદરડા તળાવ પાસે ટ્રકે બાઇકેન હડફેટે લેતા યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.
મળતી વિગત મુજબ મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે પંચવટી પાર્ક શેરી નં. ૫માં રહેતો જગદીપ પ્રવિણભાઇ સેરજા (ઉવ.૨૪) ગઇ કાલે પોતાનું જીજે-૩એમજી-૨૪૫૧ નંબરનું બાઇક લઇને આજીડેમ ચોકડી પાસે રહેતા મામાના દીકરા જતીન કલોલાને મળવા માટે જતો હતો. ત્‍યારે સંતકબીર રોડ નજીક આજીડેમ ચોકડી તરફ રાંદરડા તળાવ પાસે પહોંચતા પૂરઝડપે આવતા જીજે-૨૫ યુ-૭૨૯૭ નંબરના ટ્રકે બાઇકને ઠોકર મારતા જગદીપ ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની  ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી ભાવેશ ભાઇએ તપાસ કરતા યુવાનનું મોત નિપજ્‍યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી. જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ.  એ.સી.સિંધવ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક જયદીપ બે ભાઇમાં નાનો હતો. આ અંગે પોલીસે ટ્રક ચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(4:02 pm IST)