Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રન-વે નું ૬ર ટકા તો ટર્મીનલનું ર ટકા કામ થયું

હિરાસર એરપોર્ટ : રન-વે ઓગસ્ટ-ર૦રરમાં તો મુખ્ય ટર્મીનલ બિલ્ડીંગ-ફેબ્રુુ-ર૦ર૩માં પૂર્ણ થશે : હાલ ધમધોકાર કામ ચાલુ

કલેકટરની સુચના બાદ સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહીલ- એરપોર્ટના જનરલ મેનેજર લોકનાથ પાંધી વચ્ચે સમીક્ષા બેઠક

રાજકોટથી ર૦ કિ.મી. દૂર હિરાસર એરપોર્ટનું કામ ધમધોકાર ચાલુ છે, રાઉન્ડ ધ કલોક પૂલ-રસ્તા-પાણી-જમીન સમથળ-રન-બે પટ્ટી- મુખ્ય ટર્મીનલ બિલ્ડીંગનું કામ ચાલુ છે તે નજરે પડે છે, આજે સ્થળ ઉપર જ સમીક્ષા બેઠક સીટી પ્રાંત-ર દ્વારા યોજાઇ હતી તે નજરે પડે છે. (૯.૧ર)

રાજકોટ, તા. ર૪ :  રાજકોટથી ર૦ કિ.મી. દૂર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અત્યંત મહત્વનો પ્રોજેકટ હિરાસર એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે આજે કલેકટર શ્રી અરૂણ મહેશબાબુની સુચના બાદ સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલ, એરપોર્ટ ઓથોરીટીના જનરલ મેનેજર શ્રી લોકનાથ પાંધી, મામલતદારો, ઇરીગેશન, પાણી પુરવઠા, માર્ગ એન્ડ મકાન, વીજતંત્ર સહિતના તમામ ખાતાના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી, અને ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું.

સમીક્ષા બેઠક બાદ રાજકોટ સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ તમામ સ્તરે ધમધોકાર ચાલુ છે, આજે કલેકટરશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્પે. સમીક્ષા બેઠક યોજાઇ હતી.

શ્રી ચરણસિંહ જણાવેલ કે એરપોર્ટ રન-વે પટ્ટીનું કામ ૬ર ટકા પૂર્ણ થયું છે, જે ઓગસ્ટ-ર૦રરમાં પુરૂ થઇ જશે, તેમજ મુખ્ય ટર્મીનલનું કામ ર ટકા પુરૂ થયું છે, જે ૧૮ મહિનામાં ફેબ્રુ-ર૦ર૩ સુધીમાં પૂર્ણ થઇ જશે.

તેમણે જણાવેલ કે એરપોર્ટની કામગીરીમાં મુખ્ય એવી કમ્પાઉન્ડ વોલની કામગીરી ૮૦ ટકા પૂર્ણ થઇ છે, બેઠક દરમિયાન બાઉન્ડ્રી વોલ, જમીનના પ્રશ્નો, અન્ય વિભાગો સાથે સંકલન કરી નિરાકરણ કરવામાં આવ્યું હતું અને હવે તે અંગે આગામી સમયમાં જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવશે.

જીલ્લા કલેકટરશ્રી અરૂણકુમાર મહેશબાબુએ ઉમેર્યુ હતું કે ન્યુ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ખુબ જ મહત્વનો બહુહેતુક પ્રોજેકટ છે, જે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત માટે ઉપયોગી થશે, એરપોર્ટનું ઝડપથી નિર્માણ કાર્ય થાય તેવા તમામ પ્રયાસો થઇ રહ્યા છે.

(3:30 pm IST)