Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

નવાગામમાં થયેલ ખુન કેસના ગુનામાં ભરવાડ શખ્સની જામીન અરજી મંજૂર

રાજકોટ,તા. ૨૫ : રાજકોટમાં સામાકાંઠે આવેલ નવાગામમાં થયેલ કોળી શખ્સના ખુનના ગુન્હામાં ભરવાડ શખ્સનો જામીન ઉપર છુટકારો સેશન્સ કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટ-નવાગામમાં રહેતા સુરેશભાઇ ભોપાભાઇ જાડાએ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા. ૮/૮/૨૦૨૦ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં જણાવેલ કે તેઓ ૭ વાગ્યાના સમયે નવા ગામ મેંગો માર્કેટ કુવાડવાર રોડ પોલીસ સ્ટેશનની સામે હતા ત્યારે કમલેશ ભરવાડ તથા સંજય તથા અન્ય બે અજાણ્યા ઇમસો આવી ધમકી મારેલ અને ગાળો દેવા લાગેલ અને ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે માર મારવા લાગેલ જે બનાવ સંબંધે બી-ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા આઇ.પી.સી. કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ (૧) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી. ત્યારબાદ આ કામના ફરીયાદી સુરેશભાઇ ભોપાભાઇ જાડાનું મૃત્યુ થતા બી-ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ઉપરોકત કામમાં આઇ.પી.સી. કલમ ૩૦૨ તથા ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ વિગેરે મુજબની કલમોનો ઉમેરો કરવામાં આવેલ હતો અને જેથી ઉપરોકત બાબતે ખુનનો ગુન્હો નોંધાયેલ હતો.

ઉપરોકત ગુન્હામાં ચાર્જશીટ થતા આરોપી કમલેશ ઉર્ફે કમો રામજીભાઇ સીંધવએ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજીમાં આરોપી તરફે એ મતલબની રજુઆત કરેલ હતી કે ફરીયાદી દ્વારા આરોપીનું ખોટુ નામ આપવામાં આવેલ છે.

ઉપરોકત સંજોગોમાં સેશન્સ કોર્ટ દ્વારા બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતી ધ્યાને લઇ અરજદાર આરોપીને રૂ. ૨૦,૦૦૦ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી.નકુમ, હેમાશું પારેખ, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ.પી.વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, પ્રદ્યુમનસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયેલ હતા. 

(2:43 pm IST)