Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

વડાપ્રધાન સહાય કેસઃ રાજકોટ શહેર-જીલ્લાના '૫૨' બાળકોને માટે પોસ્ટમાં ખાતા ખોલાયા

કોરોના પહેલા કે કોરોનામાં મૃત્યુ પામનાર બાળકને ૧૦ લાખ અપાશેઃ બાળક ૨૩ વર્ષનું થાય ત્યારે તેને નાણા મળશે કલેકટર ગાર્ડીયન : માતા-પિતા બન્ને ગુમાવનાર ૧૨ બાળકો તો એક વાલી ગૂમાવનાર ૪૦ બાળકો ફાઈનલ કરાયાઃ કલેકટરની જાહેરાત : મુખ્યમંત્રી બાળસેવા યોજનામાં ૧૦૭ બાળકોના ૨ હજાર અને ૪ હજાર મંજૂર કરાયાઃ ૧ અરજી રદ્દ કરાઈ : ડીસેમ્બરથી માર્ચ સુધી વડાપ્રધાન અન્ન સહાય યોજના ચાલુ રહેશેઃ ડીએસઓનો નિર્દેશ

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ આજે પત્રકારો સમક્ષ વિગતો જાહેર કરતા ઉમેર્યુ હતુ કે રાજકોટ શહેર-જીલ્લાના '૫૨' બાળકોને પી.એમ. કેસ યોજનાનો લાભ મળશે. આ માટે ૫૨-બાળકો ફાઈનલ કરાયા છે. જેમાં કોવીડ પહેલા માતા કે પિતા ગૂમાવનાર અને કોરોનાકાળમાં માતા-પિતા કે બન્નેમાંથી એક ગૂમાવનાર બાળકોનો સમાવેશ થાય છે. આમા માતા-પિતા બન્ને ગૂમાવનાર ૧૨ બાળકો તથા ૪૦ બાળકો એક વાલી ગૂમાવનાર છે. ભારત સરકારે આ માટે આ તમામ ૫૨-બાળકોના ગાર્ડીયન બનાવ્યા છે. આજે આ તમામ બાળકોના બાળકોના રાજકોટ પોસ્ટ ઓફિસાં ખાતા ખોલાવી રહ્યા છીએ. આ બાળક ૨૩ વર્ષના થશે ત્યારે તેમને વ્યાજ સહિત તમામ રકમ મળશે ત્યાં સુધી કલેકટર આ બાળકના ગાર્ડીયન બની રહેશે. સમાજ કલ્યાણ વિભાગ આ કાર્યવાહી કરી રહ્યો છે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે આ ઉપરાંત મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનાકાળનું માતા કે પિતા અથવા તો બન્ને ગૂમાવનાર બાળકોને ૨ હજાર અને ૪ હજાર સહાયની યોજનાની જાહેરાત થઈ છે તે અન્વયે શહેર-જીલ્લામાં ૧૦૭ અરજી મંજુર કરાઈ છે. એક અરજી નામંજુર કરાઈ છે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડીએસઓ શ્રી પ્રશાંત માંગુડા પણ હાજર હતા તેમણે પત્રકારોને જણાવેલ કે બીપીએલ, અત્યોંદય, એનએફએસએ કાર્ડ હોલ્ડરોને જે વડાપ્રધાન અન્ન સહાય યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ અપાતુ તે હવે ડીસે.થી માર્ચ સુધી આ યોજના લંબાવાઈ છે. આવતા મહિનાથી ફરીથી આ જથ્થો કાર્ડ હોલ્ડરોને મળશે.

(3:31 pm IST)